મુક્તિની હવામાં ગૂંગળામણ શા માટે?
વિચાર વિહાર - યાસીન દલાલ
આજના કહેવાતા બૌદ્ધિકો સ્વાર્થી બની ગયા છે. આજનું શિક્ષણ પણ આ અર્થમાં ઉણું ઉતર્યું છે. કેળવણીનું કામ તો માણસ ઘડવાનું છેઆજે તો ભ્રષ્ટાચારમાં ભાગીદાર બનતા સ્વજનોનો સમાજ છે
દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મુક્તિની હવાને ગુંગળાવવામાં આવતી હોય એવું લાગી રહ્યું છે. દેશભરમાં મોબ લીન્ચીંગની ઘટનાઓ અવારનવાર બને છે. આર.એસ.એસ.ના વડા ભાગવતે તાજેતરમાં આ મુદ્દો પોતાના ભાષણમાં લીધો અને એની કડક ટીકા પણ કરી પણ એ કંઈ રીતે અટકે એની વાત ન કરી. બીજીબાજુ દેશના કેટલાક પ્રખર બુદ્ધિજીવીઓએ આ મુદ્દે વડાપ્રધાનને ખુલ્લો પત્ર લખ્યો અને આ અટકાવવાની માંગણી કરી.
આમાં જાણીતા ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનો પણ સમાવેશ થતો હતો પણ વડાપ્રધાને આની નોંધ લીધી નહીં. ઉલટાનું કેટલાક સરકાર તરફી લોકોએ આની વિરુદ્ધ રજુઆત કરી અને આ પત્ર તરફ ધ્યાન ન આપવાની માંગણી કરી. આમ ફિલ્મ ઉદ્યોગને સરકાર તરફી અને સરકાર વિરોધી એમ બે ભાગમાં વેચી નાંખવામાં આવ્યું. આવું દેશમાં ક્યારેય બન્યું નથી. જો કે ૭૫ની કટોકટીમાં આવું બન્યું હશે.
કટોકટી વખતે બંગાળના સિદ્ધાર્થ શંકર રાયની સલાહથી શ્રીમતી ગાંધીએ બંધારણ સસ્પેન્ડ કરી દેશભરમાં કટોકટી લાદી. વિરોદ પક્ષના બધા નેતાઓને જેલમાં પુરી દીધા. શ્રીમતી ગાંધીએ વિરોધ પક્ષોની ગેરહાજરીમાં બંધારણ સુધારી નાખ્યું અને કટોકટીની જોગવાઈ એમાં ઉમેરી દીધી. પાછળથી ખબર પડી કે પડદા પાછળથી સંજય ગાંધી ને એમની રખાત રૂખસાના સુલતાન વહીવટ કરતા હતા. રૂખસાના સિંઘ અટકવાળા એક શીખને પરણેલી એટલે એમની અટક સિંઘ થઈ ગઈ. જાણીતી ફિલ્મ અભિનેત્રી અમૃતા સિંઘ એમના પુત્રી થાય.
અત્યારે દેશનું વાતાવરણ આમ જુઓ તો મોકળાશવાળુ અને બીજી રીતે જુઓ તો ગુંગળાવનારું છે. દેશભરમાં એવી ઘટનાઓ બને છે કે જે વિચાર કરવા પ્રેરે કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ કે નહીં.
ગુજરાતમાં બૌદ્ધિકોનો દુકાળ છે એવી છાપ છે. બીજી બાબતોમાં ગુજરાત અગ્રેસર છે પણ બૌદ્ધિક અસ્મિતાની બાબતમાં ગુજરાતમાં પરિસ્થિતિ જુદી છે. કેટલાક ચાલાક લોકો બૌદ્ધિક બનીને ચડી બેઠા છે અને જે સાચા બૌદ્ધિકો છે તે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ગુજરાતમાં કોઈપણ શહેરમાં તમને રાજકીય કે સામાજિક ચર્ચા વખતે બૌદ્ધિકો નહીં મળે પણ હોંશિયાર માણસો ભટકાશે. આવા લોકો સાથે વાદવિવાદમાં ઉતરવામાં જોખમ છે. કારણ કે એની દલીલો વડે એના સ્તર સુધી ઢસડી લાવશે. આને સ્યૂડો ઈન્ટેલેક્ચુઅલ કહી શકાય છે.
આ લોકો જુદા જુદા મંચ ઉપર ચડી બેસે છે અને હોંશિયારી અને ચતુરાઈથી દલીલો કરીને ગુજરાત અને દેશને અસહિષ્ણુ બનાવવામાં મદદ કરે છે. ઉદ્યોગ ધંધામાં ગુજરાતની પ્રગતિ સારી છે પણ વૈચારિક દરિદ્રતા બેસુમાર છે. આવું અગાઉ નહોતું. અહીં નર્મદ અને કનૈયાલાલ મુનશી તેમજ ઉમાશંકર જોશી અને મોરારજી દેસાઈ તથા જીવરાજ મહેતા અને જયભિખ્ખુ તથા સુરેશ જોષી જેવા પ્રખર બૌદ્ધિકો થઈ ગયા પણ અત્યારે એમની જગ્યા ખાલી પડી છે. વિચારવંત અને બૌદ્ધિક લોકો ઘણાય છે પણ એ લોકો ક્યાંક સંતાઈ ગયા છે. જાહેરમાં બોલતા એ લોકો ડરે છે. મંચ ઉપર એમની હાજરી ઘટી રહી છે. સામયિકો અને માધ્યમોમાં એમનો અવાજ દબાઈ ગયો છે. ગુજરાતી પ્રજા વાંચે પણ ઓછું છે.
જો કોઈ ગુજરાતી સરકાર વિરુદ્ધ બોલે તો એને ગુજરાત વિરોધી કહી દેવાય છે. ગુજરાતમાં તથાકથિત બૌદ્ધિકો અને ઉચ્ચ મધ્યમ વર્ગીય લોક આમાં જોડાઈ ગયા છે. આ લોકોનો એક જ કોમન એજન્ડા છે. સત્તાની નજીક રહેવું. એક મુક્ત અને મજબુત સમાજ માટે આ ખતરાની ઘંટી છે. દેશ વિશ્વસ્તરે એક મજબૂત લોકશાહી તરીકે ઉભી રહ્યો છે ત્યારે એના પાયામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બૌદ્ધિકોનો જ ફાળો છે. પાકિસ્તાનમાં એવું નથી. ત્યાં ધાર્મિક અસહિષ્ણુતા ટોચ ઉપર છે પણ આપણે ત્યાં જે પ્રકારની બૌદ્ધિક અસહિષ્ણુતા છે એ ક્યાંય નથી.
ચોમસ્કીએ કહ્યું છે કે ''બૌદ્ધિકો અને તેમનું કામ અંગત હિત ધરાવતા જૂથો, સત્તાના લાલચુ રાજકારણીઓ, શરતી નાણાકીય સહાય અને સેલ્ફ સેન્સરશીપના કારણે ભ્રષ્ટ થઈ રહી છે. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે બૌદ્ધિકો સત્તાનું સમર્થન કરતા હોય છે.'' આપણે ત્યાં ઈન્ટેલીજન્ટ અને ઈન્ટેલેકચ્યુઅલની ભેળસેળ થઈ ગઈ છે.
વ્યાપક જનજીવન ઉપર આવનારી પેઢીઓ સુધીનો ફરક ઉભો કરો એ ખરા અર્થમાં સફળતા છે. લોકપ્રિયતાથી ઉપરની સ્થિતિ છે. બૌદ્ધિક માણસનું કામ સાત્રના શબ્દોમાં નૈતિક ચેતનાને સળગતી રાખવાનું કે રાજકીય અને સામાજિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું છે. આ ત્યારે જ શક્ય બને ત્યારે બૌદ્ધિક માણસ શાસક કે વ્યવસ્થાથી અળગો હોય. આજે કેટલાક બૌદ્ધિકો ટપોરીની ભાષા બોલવા લાગ્યા છે. આ વૈચારિક પતનની નિશાની છે. આનાથી ચેતવું પડશે.
હિંદુસ્તાનના અન્ય પ્રદેશોની જેમ ગુજરાતમાં પણ પહેલો વિપ્લવ થયો હતો. દેશી રજવાડાઓ હોવા છતાં આ અંગે આપણું વલણ તટસ્થ રહ્યું હતું. બંકિમચંદ્રની કૃતિમાં પણ આ વિપ્લવ પાર્શ્વભૂમિમાં જ રહ્યો હતો. વિપ્લવના થોડા વર્ષો પછી લખાયેલી 'કરણ ઘેલો' માત્ર ઐતિહાસિક રોમાંચ બની રહેવાને કારણે એમાં રાજકીય ચેતનાનું વર્ણન થઈ શક્યું નહીં પણ બહુ વિલક્ષણ રીતે ગોવર્ધનરામ ત્રિપાઠીને આ વાત 'સરસ્વતીચંદ્ર'માં પ્રગટાવી. આ ચેતનાનો ઉછાળ પછી તો ગાંધીજીના આગમન સાથે આખા દેશમાં ફરી વળ્યો.
રમણલાલ દેસાઈ અને મેઘાણીની રચનાઓમા આ જુસ્સો ખાસ જોવા મળે છે. સ્વતંત્રતા પછી જુદા જુદા વિચારવલોણા પ્રગટયા. સુંદરમ અને ઉમાશંકરમાં જોવાયેલો તણખો સુરેશ જોષીમાં પરાકાષ્ટાએ પહોંચ્યો. ગાંધીયુગમાં આશ્ચર્યજનક રીતે કળાત્મકતા અને સર્જનાત્મકતાને એક મોટું મૂલ્ય માની લેવામાં આવ્યું પણ સુરેશ જોષીને સાહિત્ય સર્જનમાં આની ઉણપ લાગી. એમણે પોતાની રચનાઓમાં આવું લખનારાઓની ઠેકડી ઉડાવી.
આજના કહેવાતા બૌદ્ધિકો સ્વાર્થી બની ગયા છે. આજનું શિક્ષણ પણ આ અર્થમાં ઉણું ઉતર્યું છે. આપણે ભણીએ છીએ કે ભણાવી શકીએ છીએ એનું કારણ એ છે કે કોઈ આપણા માટે તનતોડ મજૂરી કરે છે એમાંથી આવતું નાણું આપણા તગડા પગારોમાં વપરાઈ જાય છે. જો કલ્યાણ કે સુખાકારી માટે એનું વળતર નહીં મળે તો આ બધું ઝાઝું ચાલશે નહીં. આપણે જે મકાનમાં બેઠા છીએ અને જે ટેબલ ખુરશી કે પુસ્તકો વાપરીએ છીએ એને માટે વિચાર કરવો જોઈએ કે એ બનાવનારાઓએ કેટલી મહેનત કરી હશે.
જો એ બધા જીવશે અને મોજમજા કરશે તો એ બધા પારકા ઉપર જીવનારા જીવજંતુઓથી વિશેષ નથી. આપણે પૂછવાનું છે કે આપણે જંતુ છીએ કે માણસ. કેળવણીનું કામ તો માણસ ઘડવાનું છે તો પછી આમાં માણસ ક્યાં રહ્યો? આજે તો ભ્રષ્ટાચારમાં ભાગીદાર બનતા સ્વજનોનો સમાજ છે. મૂલ્યોની કટોકટી આપણને દેખાતી નથી.
સંસ્કારની પણ કટોકટી છે. રુચિઓની પણ કટોકટી છે. બહારથી બધુ સરસ દેખાય છે પણ અંદરથી ખોખલું અને છીછરું છે. આ બધા ભૌતિકવાદના પરિણામો છે. માનવતા વિરોધી પ્રકૃતિ વિરોધી અને મૂલ્ય વિરોધી ફિલસૂફી અને સભ્યતા છે. ભૌતિક સગવડો એ સાચુ સુખ નથી.
આપણને આવું સુખ નથી જોઈતું. આજે તો લોકો કહે છે કે બદલી ગયું, પણ બદલી ગયું એટલે બગડી ગયું નહીં. આજે અંદરનો ઉલ્લાસ અને આનંદ નથી. સાચી પ્રસન્નતા છીનવાઈ ગઈ છે. આપણી ડાગળી ખસી ગઈ છે. માણસ અનાજ પકવવાને બદલે રોકડીયા પાક લે છે. હાઈબ્રિડ બિયારણ અને રાસાયણિક ખાતર વાપરે છે પરિણામે જમીન નિર્જીવ થઈ ગઈ છે. વૃક્ષો અને જંગલો આડેધડ કપાય છે. આ વાત વૈચારિકસતરે પણ લાગું પડે છે.
શ્રી ગણેશદેવીએ બૌદ્ધિકતાની કટોકટી અંગે અવાજ ઉઠાવ્યો છે. એમની વાતમાં થોડીક અતિશયોક્તિ હશે પણ સત્યનો અંશ છે જ. ગણેશદેવીએ આદિવાસી સંશોધન ક્ષેત્રે ઘણું કામ કર્યું છે. વડોદરા અને અમદાવાદમાં ઘણા બૌદ્ધિકોએ એને ટેકો આપ્યો છે. ગુજરાતમાં પ્રછન્ન સાંપ્રદાયિકતા જોવા મળે છે.
મધ્યમ વર્ગીય માનસિકતા પણ દેખાય છે પણ પ્રશ્ન એ છે કે મહાજન પરંપરાનું શું? મિથ્યાભિમાની ગુજરાતી અસ્મિતાના દિવાસ્વપ્નમાં હજી રાચે છે. ત્યાંથી હટીને સંપ્રદાય વિહોણી તથા સામાજિક ન્યાયના પાયા ઉપર રચાયેલી મિથ્યાભિમાન વિહોણી અને ભેદભાવ વિહોણી વિચારધારા ઉપર ગોઠવાયેલી હોવી જોઈએ.
ભારતીયો એેક પ્રજા તરીકે સ્વાર્થી સાબિત થયા છે. અમેરિકાના વિઝા મેળવવા માટે એ લોકો અપ્રમાણિકતા આચરે છે.દેશની આર્થિક સ્થિતિ અત્યારે ખરાબ છે. વિકાસદર તદ્દન નીચે આવી ગયો છે પણ એની કોઈને ચિંતા નથી.