રેડિયોનો જમાનો યાદ આવે છે?
વિચાર વિહાર - યાસીન દલાલ
રેડિયો સિલોનનો પણ એક જમાનો હતો. રેડિયો સિલોન ઉપર બુધવારે બીનાકા ગીતમાલા આવે એટલે લોકો પોતાના ઘરે અથવા હોટલોમાં લાઈન લગાવીને બેસી જતા
અત્યારે રેડિયો ઘણાને જૂનવાણી લાગે પણ એક જમાનામાં રેડિયો ઘરમાં હોવો એ સ્ટેટસ સિમ્બોલ એટલે કે વૈભવનું પ્રતીક ગણાતું. મરફી, બુસ, નેશનલ ઈક્કો અને ટેલિફન્કન જેવી કંપનીઓ મુખ્ય હતી. રેડિયોની કેબિન પહેલા લાકડાની બનતી પછી એ પ્લાસ્ટીકની બનવા લાગી. એમાં વાલ્વ આવતા પછી ટ્રાન્ઝીસ્ટરની શોધ થઈ એટલે ટ્રાન્ઝીસ્ટર અને ડાયોર્ડ આવતા.
ટ્રાન્ઝીસ્ટર ખૂબ નાની સાઈઝના પણ આવતા. હોલેન્ડની ફિલિપ્સ કંપનીએ બનાવેલો ટ્રાન્ઝીસ્ટર ભારતમાં બહુ લોકપ્રિય થયું. એની સાઈઝ મોટી હતી. ધીમે ધીમે એ નાની થતી ગઈ. હોલેન્ડની ફિલિપ્સ કંપનીએ ટેપરેકોર્ડ પણ બનાવવાનું શરૂ કર્યું. હોલેન્ડની કંપનીનું આ ક્ષેત્રે નામ થઈ ગયું. હોલેન્ડ એક નાનકડો દેશ છે. માંડ ચારથી પાંચ કરોડની વસતીવાળો આ દેશ ટેકનીકલ ક્ષેત્રે જાણીતો હતો.
રેડિયોનો પણ જમાનો હતો. એક જમાનામાં એમાં બેન્ડ આવતા. શોર્ટબેન્ડ ઉપરાંત મીડીયમ બેન્ડ અને હવે તો એફએમ બેન્ડ પણ આવી ગયા છે. હવે મીડીયમ બેન્ડ ઉપર જાતજાતની આઈડેન્ટી પ્રમાણે અને ક્રમ પ્રમાણે બેન્ડ શરૂ થઈ ગયા છે. ગ્રામોફોન અને રેડિયો સાથે રોમાંચ સંકળાયેલો હતો જે હજી ચાલુ છે. હજી મુંબઈના ચોરબજારમાં ભૂંગળાવાળા ગ્રામોફોન મળે છે એ પછી ૭૮ આરપીએમ જતા રહ્યા અને એસપી અને એલપીનો જમાનો આવ્યો.
એસપી અને એલપી મીણની બનતી અનબ્રેકેબલ હતી. રેડિયો સિલોનનો પણ એક જમાનો હતો. રેડિયો સિલોન ઉપર બુધવારે બીનાકા ગીતમાલા આવે એટલે લોકો પોતાના ઘરે અથવા હોટલોમાં લાઈન લગાવીને બેસી જતાં. અમીન સાયાની જેવી લોકપ્રિયતા કોઈ ઉદઘોષકને મળી નથી. એણે બહુ નાના પાયા પર શરૂ કર્યું હતું. એ કોલેજમાં ભણતા ત્યારે લોકપ્રિયતા કોઈ ઉદઘોષકને મળી નથી. એણે બહુ નાના પાયા પર શરૂ કર્યું હતું.
અમીન સાયાનીના હમણા હપ્તાવાર ઈન્ટરવ્યુ ડી.ડી. ભારતી ઉપર દર શનિવારે રાત્રે પ્રસારિત થાય છે. એમાં પણ અમીન સાયાનીના અવાજની મજા એની એ જ છે. જો કે અમીન સાયાનીનો એક ભાઈ પણ હતો. આ ભાઈ અમેરિકાના પ્રવાસે ગયો અને ક્યાંક ખોવાઈ ગયો. હજી સુધી એનો કોઈ પત્તો નથી. એ જમાનામાં કોહિનૂર ગીત ગુંજાર જેવા કાર્યક્રમો પણ રેડિયો પર આવતા જે સાંભળવામાં ગમે તેવા હતા.
એ પછી નરેન્દ્ર શર્માએ વિવિધભારતીની શરૂઆત કરી . એના ફરમાઈશના કાર્યક્રમમાં એક ગીત 'બૈજુ બાવરા'નું હતું અને તરત બીજું ગીત 'ચલો ઈશ્ક લડાયે'નું હોય. રાજકપૂરની ફિલ્મ 'મેરા નામ જોકર' રજુ થઈ ત્યારે રાજકપૂરે એને એ ફિલ્મનો પ્રચાર કરવાનું કહ્યું. પણ ફિલ્મ રજૂ થઈ ત્યારે ફ્લોપ ગઈ.
અમીન સાયાનીએ રાજકપૂરને કહ્યું કે આપે મને આ ફિલ્મ બતાવી હોત તો આવું ન થાત. ફિલ્મ નબળી. હું ફિલ્મ જોઈને ફિલ્મ વિશે વાત કરું છું. ફિલ્મ કંટાળાજનક હોય તો એની વાર્તાની હકીકત શ્રોતાઓને જણાવું છું એમાં કંઈ સારુ હોય તો ઉલ્લેખ કરું છું. વાડીયાની ફિલ્મ 'હાતિમતાઈ'નો રેડિયો કાર્યક્રમ એ અમીનભાઈની કારકિર્દીનું પહેલું સોપાન હતું.
રેડિયો રિસિવરની કિંમત સામાન્ય માણસની પહોંચમાં જ છે. એક જમાનામાં પ્રસારણનો પ્રારંભ સવારના છથી થતો અને રાતના બાર સુધી ચાલતો. સાંજે પ્રસારણ બંધ હોય ત્યારે સાડા છ વાગે ફરીથી શરૂ થાય. આકાશવાણી ઉપર યુવવાણી, બાળકો માટેના કાર્યક્રમો, શાસ્ત્રીય ગાયન, સુગમસંગીત, શૈક્ષણિક કાર્યક્રમ, ખેતી વિષયક માહિતી, બજારભાવ, સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમ અને મહિલાઓને લગતા કાર્યક્રમ આમ વિવિધતા રહેતી. કેન્દ્ર નિયામક કલાકારો અને સાહિત્યકારોના સંપર્કમાં રહે છે.
રાષ્ટ્રીય પ્રસારણમાં સમાચાર અને એનું વિશ્લેષણ, રાષ્ટ્રીય કક્ષાના સંગીતના કાર્યક્રમ, મહાન નેતાઓના પ્રસારણ આવું આયોજન થતું. ટેકનિકલ પ્રગતિના ફળસ્વરૂપ રેડિયો પ્રસારણ ક્ષતિહિન બનતું ગયું. એના સ્ટાફમાં લાયકાત ધરાવનાર કર્મચારીની જ વરણી થતી.
દરેક સરકારી તંત્રમાં થાય છે તેમ કર્મચારીઓની બદલી પણ થયા કરે પણ એનાથી આયોજનમાં સ્થગિતતા પ્રવેશે નહીં એની તકેદારી રખાતી. સ્થિરતા અને સ્થગિતતા વચ્ચેનો ભેદ ભૂલી જતાં દેશની બધી ભાષાઓમાં કાર્યક્રમો અપાય. વિદેશ માટેના પ્રસારણમાં ત્યાંની ભાષામાં સમાચાર વચ્ચેનો ભેદ ભૂલી જતાં દેશની બધી ભાષાઓમાં કાર્યક્રમો અપાય. વિદેશ માટેના પ્રસારણમાં ત્યાંની ભાષામાં સમાચાર અને અન્ય કાર્યક્રમો અપાય. જુદા જુદા દેશોના સમય મુજબ પ્રસારણ થાય.
આકાશવાણીનું કોઈને કોઈ કેન્દ્ર ૨૪ કલાક ચાલતું જ હોય. રોજીંદા કાર્યક્રમોના બીજા દિવસે ઉઘડતી ઓફિસે મીટીંગ થાય અને આગલા દિવસના કાર્યક્રમની સમીક્ષા થાય કે જેથી આયોજનમાં સુસ્તી ન પ્રવેશે. આકાશવાણીમાં કલાકારોને ગ્રેડ અપાતો અને ગાયકોને સગવડો અપાતી. આકાશવાણી રાજકોટ દ્વારા હેમુ ગઢવીને પૂરતો મંચ અપાયો.
આજે પણ આ કલાકારને બધા યાદ કરે છે. આકાશવાણી ઉપરથી જે કલાકારો રજૂ થાય એને બહારની દુનિયા પણ આમંત્રણ આપે, એનું મૂળ શ્રેય આકાશવાણીને જાય. આકાશવાણી અવારનવાર પોતાના ઉપક્રમે જાહેર કાર્યક્રમો પણ યોજે અને મુશાયરો પણ યોજે. એનો સ્ટાફ આખા ક્ષેત્રમાં ફરી કલાકારો શોધી કાઢે.
આકાશવાણી યોગ્ય કલાકારને સાહિત્ય કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ મંચ પૂરો પાડે અને એમાંથી જ યોગ્ય પ્રતિભાઓ બહાર આવે. મુંબઈમાં અધિ મર્ઝબાન કે બુખારી સાહેબ કે ગીજુભાઈ વ્યાસ. આમાંથી જ બહાર આવ્યા. રેડિયો સિલોનની તો ગજબની બોલબાલા હોય, એણે તો દેશભરના શ્રોતાઓને એક સૂત્રે બાંધવાનું કામ કર્યું.
ચાંદામેટા અને ચર્સ ઘોડાથી જુમરી તલૈયાને એકસૂત્રે બાંધે એવું એ કામ ઓછું સિદ્ધિદાયક ગણાય? જો કે હવે એફ.એમ. બેન્ડ શરૂ થયા પછી એની ઉપર જાતજાતની વાનગી પીરસવા માંડી છે. એના ઉદઘોષકો કોઈ જાતની લાયકાત વિના પ્રસારણ કર્યા જ કરે છે.
આમ હવે રેડિયો ઉપર કોઈજાતના ધોરણ રહ્યા જ નથી. રેડિયોનું ખાનગીકરણ થયું પછી એના બૂરા હાલ થયા. હવે આજે રેડિયોનું સ્થાન ટી.વી.એ લીધું છે. જો કે ગામડામાં હજી લોકો ભેગા મળીને રેડિયો સાંભળે છે પણ અમેરિકામાં પણ દરેક મોટરકારમાં રેડિયો હોય જ છે અને ગમે ત્યાં હોવ તો તમને માર્ગદર્શન આપે છે.
ગ્રામ્ય વિસ્તારમાં રેડિયોનું માધ્યમ ઘણું પ્રદાન આપી શકે છે. ઈરાનમાં ખોમેનીએ આજરીતે રેડિયોના માધ્યમથી ક્રાંતિ કરી હતી. કોમેને ત્યારે ફ્રાંસમાં દેશનિકાલ અવસ્થામાં હતા. દેશમાં રેઝાસાહ પહેલવીનું આપખુદ શાસન હતું. એમાં કોમેનેએ કરોડો કેસેટો મોકલી અને સંદેશો પહોંચાડયો. કેસેટો ઉપર એનું પોતાનું ભાષણ હતું.
બીજુ કામ રેડિયો ઉપર પોતાના માણસો ગોઠવી દીધા અને એ રીતે પણ પોતાનો સંદેશો પહોંચાડયો અને સફળતાથી ક્રાંતિ થઈ. આ બાજુ ફિલિપાઈન્સમાં પણ માર્કોસ નામનો આપખુદ સરમુખત્યાર રાજ કરતો હતો. એના શાસનને વિરોધપક્ષના નેતાએ સફળતાપૂર્વક રેડિયો અને ટેપરેકોર્ડના માધ્યમથી તોડી પાડયું. આમ છાપાના માધ્યમનો ઉપયોગ કર્યા વગર તદ્દન શાંતિથી અને ભૂગર્ભમાં ચળવળ ચલાવીને આ બે નાનકડા માધ્યમોએ મોટા માધ્યમનું કામ કર્યું અને એશિયામાં ક્રાંતિ કરી. બંને દેશો એશિયામાં જ હતા. ઈરાન એશિયામાં છે અને ફિલિપીન્સ ઉત્તરપૂર્વ એશિયામાં છે.
રેડિયોનું માધ્યમ વ્યાપક પ્રસારનું માધ્યમ છે જે તે પ્રદેશ વિશેષની આગવી બોલીમાં લખાયેલા રેડિયો નાટકો અન્ય બોલી વિસ્તારમાં પણ સંભળાય છે. એક પ્રશ્ન એ ઉભો થાય કે સર્વગમ્ય માન્ય ભાષામાં આવા રેડિયો નાટકને ઢાળવામાં આવે તો તે કૃત્રિમ નીં બની જાય ને? બીજું પ્રાદેશિક અમુક વર્ગ જે તે વિસ્તારના શ્રોતાઓને સંતોષી શકશે.
આશ્વાદનની કક્ષાના માપદંડથી આ પ્રશ્નોને તપાસવું વધુ ઈષ્ટ રહેશે. રેડિયો નાટકના સંવાદોનું ઉચ્ચારણ સ્વાભાવિક હોવાની સાથે શુદ્ધ પણ હોવું જોઈએ. આ શુદ્ધ ઉચ્ચારોનો પ્રસાર વ્યાપક રીતે થાય એ આપણે સમજીએ તેવી વાત છે એટલે આ વાત ટાળવી જોઈએ.
રેડિયો આપણી ઈચ્છા મુજબ સાંભળી શકીએ છીએ. ગૃહિણી રેડિયો રસોડામાં પડયો હોય તો પણ સાંભળીને દિવાનખાનામાં કામ કરી શકે છે ત્યારે ટેલિવિઝનની બાબતમાં આવું નથી બનતું. ટેલિવિઝનને આપણે અનુસરવું પડે છે ત્યારે રેડિયો આપણને અનુસરે છે.
હવે રેડિયો નાના થયા અને હવે તો મોબાઈલમાં પણ સમાચાર આવવા માંડયા એટલે સમગ્ર પરિસ્થિતિ બદલી ગઈ છે છતાં રેડિયોનું માધ્યમ અને ગ્રામોફોનનું માધ્યમ પોતાનો રોમાંચ મૂકતો નથી. હજી ઘણા લોકો ઘરમાં ગ્રામોફોનનું ભૂંગળું રાખીને બેઠા હોય છે એ જ રીતે રેડિયો પણ ઘણા ઘરમાં અને ખાસ કરીને ગામડામાં હજી જોવા મળે છે.