Get The App

વિશ્વયુદ્ધની શક્યતા કેટલી?

વિચાર વિહાર - યાસીન દલાલ

Updated: Jan 17th, 2020

GS TEAM

Google News
Google News
વિશ્વયુદ્ધની શક્યતા કેટલી? 1 - image


દુનિયા અત્યારે વિસ્ફોટ ઉપર ઉભેલી છે. ચારેબાજુ તંગદીલી છે. શક્તિ હોય એ સારી વાત છે પણ એ ક્યાં વાપરવી એનો વિવેક હોવો જોઈએ

આખરે બેસતા વરસને દિવસે વિશ્વયુદ્ધના ભણકારા વાગવા માંડયા છે. અમેરિકાએ ઈરાનના લશ્કરી વડા સુલેમાનીને ડ્રોન હુમલામાં ખતમ કરી દીધા એ પછી ઈરાન રોષે ભરાયું છે. બંને દેશો સામસામા હાકલાપડકારા કરી રહ્યા છે. એકબાજુ અમેરિકા કહે છે કે અમે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ છીએ. ઈરાન અમારી પાસે મગતરુ પણ નથી .  સુલેમાનીના જનાજામાં દસ લાખ લોકો ઉમટી પડયાહતા એમાં થયેલી ધક્કામુક્કીમાં પચાસ માણસો માર્યા ગયા હતા. ઈરાને વળતા હુમલામાં પચાસથી વધુ અમેરિકી સૈનિકોા મોત થયાનો દાવો કર્યો હતો.

હુમલામાં અમેરિકાના અનેક મથકો અને હેલિકોપ્ટરો તથા ટેન્કોનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો છે. ઈરાને દાવો કર્યો છે કે હવે અમારા ઉપર હુમલો થશે તો અમેરિકાના ૧૪૦ સ્થળો ઉપર અમારો ટારગેટ છે. અમેરકા અને ઈરાન યુદ્ધ ઈરાકની ભૂમિ પર લડાય છે. લડાઈની શરૂઆત ઈરાકથી જ થઈ હતી. ઈરાકમાં આતંકી મથકો ઉપર અમેરિકાએ હુમલો કર્યો હતો. અમેરિકા કહે છે કે એ આતંકીઓ ઈરાન પ્રેરિત હતા એટલે જ અમે સુલેમાનીને ઠાર કર્યા એ પછીની લડાઈ ફરીથી ઈરાકમાં ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ ૧૦૦ ડોલરને ટપી જાય એવા એંધાણ મળ્યા છે.

આ સમગ્ર યુદ્ધના જનક ઈરાન હોવાનું મનાય છે. બેથી અઢી દાયકા પહેલા ઈરાનમાં શહેનશાહ રેઝા શાહ પહેલવીનું શાસન હતું. એમના શાસનમાં ઈરાન સમૃદ્ધ બન્યું હતું. પણ ઈરાનની ગરીબ પ્રજા એમના જુલમ હેઠળ રીબાતી હતી. એમણે આયાતુલ્લા ખોમેની નામના ધાર્મિક નેતાને દેશ નિકાલ કરી દીધા, ખોમેની ભાગીને પેરિસ ગયા અને ત્યાંથી પોતાનો સંદેશો કેસેટો ઉપર ઉતારીને ઈરાન મોકલતા ગયા. ઈરાનની પ્રજા આ કેસેટો સાંભળી સાંભળીને ઉશ્કેરાઈ ગઈ અને ક્રાંતિ કરી.

આ ક્રાંતિમાં રેઝા શાહ પહેલવી ગાદી છોડીને ભાગ્યા. એ પછી તરત ખોમેનીએ પાછા આવીને શાસન સંભાળી લીધું અને પોતાના શાસનમાં અંધાધૂંધ ફાંસીઓ આપી. ક્યારેક એક સાથે દસ હજાર લોકોને તો ક્યારેક એકસાથે પચાસ હજાર લોકોને ફાંસીએ ચડાવ્યા. એ દિવસોમાં અખબારોમાં આ સમાચારો જ છવાયેલા રહેતા. રાતોરાત ખોમેની દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગયા.

દરમ્યાન અમેરીકન પ્રમુખશ્રી ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ યુદ્ધ નહીં કરી શકે. અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહમાં ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના અધિકાર સીમિત કરવાનો પ્રસ્તાવ પસાર થઈ ગયો છે. ડેમોક્રેટીક સાંસદોની બહુમતીવાળા ગૃહમાં પ્રસ્તાવના પક્ષમાં ૧૯૪ મત પડયા હતા. હવે આ પ્રસ્તાવ ઉપલા સદનમાં રજુ કરાશે. જ્યાં તેના ભાગ્યનો નિર્ણય થવાનો છે.

જો ત્યાં પણ પાસ થઈ જાય તો તેના પ્રભાવમાં આવવા માટે ટ્રમ્પના હસ્તાક્ષરી જરૂર નહીં પડે. જો કે રિપબ્લિકન સાંસદનો બહુમતીવાળા ગૃહમાં આ પ્રસ્તાવ પાસ કરવો થોડો મુશ્કેલ છે. સ્પીકર અને ડેમોક્રેટ સાંસદ નેનસી પેલોચીની અધ્યક્ષતામાં આ પ્રસ્તાવ માટે વોટીંગ થયું. ઈરાનના કમાન્ડર સુલેમાનીના માર્યા ગયા બાદ બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ હતી.

બુધવારે ઈરાનની મંજુરી આપી દીધી હતી. ત્યારબાદ ઘણા યુએસ સાંસદોએ પત્ર લખીને આ કાર્યવાહીની આલોચના કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે આ વિરોધ એ લોકો જ કરે છે જે આગામી ચૂંટણી જીતવા માંગે છે. ઈરાને અમેરિકન  સેના પર બાવીસ મીસાઈલ છોડી હતી અને તેને સુલેમાનીના મોતનો બદલો ગણાવ્યો હતો. બીજી બાજુ ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ હુમલામાં અમારો કોઈપણ સૈનિક માર્યો ગયો નથી.

અમેરિકા સામે બદલો લેવા માટે ઈરાન પાસે વધુ વિકલ્પ નથી તે અણુબોંબ બનાવીને જ અમેરિકાનું નાક દબાવી શકશે. ટ્રમ્પની નીતિ પણ સ્પષ્ટ નથી. એક સમાચાર એવા છે કે ઈરાને ગુપ્ત રીતે અમેરિકાને પોતાના હુમલાની ચેતવણી આપી દીધી હતી. આમ આ એક પ્રકારનું મેચ ફિક્સીંગ હતું. એ જ રીતે બીજા સૂત્રો પણ એમ કહે છે કે અમેરિકા શાંત બેઠું રહ્યું એનો અર્થ જ આ થાય છે. ઈરાને મામલો ઠંડો પાડવા અને ઈજ્જત બચાવવા આમ કર્યું હોય એમ પણ બને. ટ્રમ્પને સુલેમાનીના મોતથી સંતોષ નથી.

ઈરાના આક્રમક વલણ ઉપર નિયંત્રણ રાખવામાં તે કેટલું સફળ થશે એ પ્રશ્ન છે. ગયા વરસે ઈરાન અને તેના મિત્રોએ હોર્મુઝ  ખાડીમાં વ્યાપારી જહાજો તથા બે અમેરિકન ડ્રોન તેમજ સાઉદી તેલ ક્ષેત્રો અને ઈરાકમાં સૈનિક અડ્ડા ઉપર હુમલા થયા ત્યારે ટ્રમ્પ ચૂપ રહ્યા હતા. જેને કારણે ઈરાનનો આત્મવિશ્વાસ વધી ગયો. પરંતુ આ મામલામાં સામસામે હુમલા નથી થવાના એ નક્કી લાગે છે. ઈરાન આ રીતે સાયબર હુમલા તથા આત્મઘાતી હુમલા જ કરશે. પ્રતિબંધના કારણે ઈરાનનું આર્થિક સંકટ ઘેરું બનશે. 

સુલેમાનીની હત્યા પછી ઈરાન અમેરિકાને મધ્ય પૂર્વમાંથી હાંકી કાઢવાનો પ્રયાસ કરશે અને ઈરાન પરમાણું બોંબ બનાવવાના કાર્યને ગતિ આપશે. આ પછી અમેરિકા સૈનિક કાર્યવાહી કરતા પહેલા સો વખત વિચાર કરશે પણ અમેરિકામાં અત્યારે લોકમત વહેંચાયેલો છે. યુદ્ધ ગમે ત્યાં હોય વ્યવસાય માટે ઉચિત નથી. અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલી લડાઈને લીધે અનેક દેશોની મોટી કંપનીઓમાં અનિશ્ચિતતાનો માહોલ છે. ક્રૂડ તેલના ભાવમાં ૫ ટકાનો ઉછાળો છે. આને લીધે એટલાક્સ કંપનીઓને આંચકો લાગ્યો છે. 

એકંદરે એવી છાપ પડે છે કે ટ્રમ્પને લડવું નથી પણ ટંગડી ઉંચી રાખવી છે અને ઈરાને ધમકી આપી છે કે હવે કાંઈ કર્યું તો અમે યુએઈ અને ઈઝરાયેલ ઉપર હુમલો કરશું. બુધવારે ટ્રમ્પ પત્રકારો પાસે આવ્યા એ પહેલાં જ ઉચ્ચ હોદ્દેદારો પહેલેથી જ સ્ટેજ ઉપર ગોઠવાયેલા હતા.

એનો મતલબ એ લોકો એવું સૂચવતા હતા કે અમે બધા ટ્રમ્પની સાથે છીએ. ટ્રમ્પની કોઈ વાતનો સૂર એવો નહોતો કે અમારે ઈરાન સાથે લડવું છે. એ એમ કહેવા માંગતા હતા કે અમે ઈરાને ઝૂકાવવા માંગીએ છીએ. આમ અત્યારે યુદ્ધની વાતો ઠંડી પડી ગઈ છે. યુદ્ધમાં  બંને પક્ષે ગુમાવવું જ પડે છે. 

 વીસ અખાતી દેશોમાં અમેરિકાના ૧૦૦થી વધુ થાણા છે અને ત્યાં ૭૦ હજારથી વધુ અમેરિકી સૈનિકો છે. ઈરાને બધાને નિશાન બનાવે એવી શક્યતા છે. ઈરાન  અમેરિકન થાણા પર હુમલો કર્યો છે જો એરબેઝ ઉપર કરત તો અમેરિકા સીધુ ઈરાનને ટારગેટ કરત. ટ્રમ્પે કહ્યું છે કે અમારો ઈરાદો આતંકવાદ ખતમ કરવાનો અને પરમાણું શસ્ત્રથી દુનિયાને દૂર રાખવાનો છે. જો આમ થાય તો સારી વાત છે. આખી દુનિયા ઈચ્છે છે કે અમેરિકા અને ઈરાન વાતચીતના માર્ગે વળે અને યુદ્ધના વાદળ દૂર થાય.

વાતચીત માટે પણ કાંઈક કરવું પડે. ભારત અને પાકિસ્તાને મધ્યસ્થીની ઓફર કરેલી જ છે. દુનિયા અત્યારે વિસ્ફોટ ઉપર ઉભેલી છે. ચારેબાજુ તંગદીલી છે. શક્તિ હોય એ સારી વાત છે પણ એ ક્યાં વાપરવી એનો વિવેક હોવો જોઈએ. અમેરિકાએ સિરીયા અને અફઘાનિસ્તાનમાંથી સેના પાછી બોલાવી લીધી છે. ટ્રમ્પ સામે મહાભિયોગ મામલો ઉભો જ છે. બીજીબાજુ ટ્રમ્પ એમ માને છે કે અમેરિકા ઈરાનને એકલું પાડી દેશે. જો અમેરિકા સામે જૂના વાંધા છે એ બધાં દુશ્મનો ઈરાન સાથે સંબંધ રાખે છે.

અમેરિકાએ એવું કહ્યું છે કે અમને જો ઈરાક ચાલ્યા જવાનું કહેશે તો અમે ઈરાક ઉપર પણ પ્રતિબંધો લાદીશું.  અત્યારે યુદ્ધ કોઈને પરવડે તેમ નથી. અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાતચીત શક્ય છે. અત્યારે ત્યાં તંગદીલી ઘટે એ ભારત માટે પણ ફાયદાકારક છે. અત્યારે ગલ્ફમાં ભારતીયો મોટી સંખ્યામાં છે. જો કોઈ કટોકટી ઉભી થાય તો એ બધાને ત્યાંથી કાઢવા પડશે. ભારતમાં ત્યાંથી પૈસા અને ક્રૂડ આવે છે. ગલ્ફમાં ઈરાક આપણને પેટ્રોલ આપતો સૌથી મોટો દેશ છે.

આ બાજુ અમેરિકા અને ઈરાનની તંગદીલી વચ્ચે અમેરિકાએ બચાવ કર્યો છે કે અમે સ્વબચાવમાં આ હુમલો કર્યો હતો.અમેરિકન રાજદૂતે કહ્યું કે કોઈપણ શરતો વગર ચર્ચા માટે અમેરિકા તૈયાર છે.

અમેરિકા અને ઈરાનની તંગદીલી વચ્ચે ચીન અને ઈન્ડોનેશિયા વચ્ચે પણ તંગદીલી શરૂ થઈ છે. ઈન્ડોનેશિયાએ ચીનને નિશાન બનાવીને પોતાના યુદ્ધ જહાજો ગોઠવી દીધા છે. નાતુના ટાપુમાં યુદ્ધ જહાજ અને લડાકુ વિમાન ગોઠવાયા છે. દક્ષિણ ચીની સમુદ્રના ઘણા ટાપુઓ ઉપર ચીનનો દાવો છે એવા જ એક દાવાના વિરોધમાં ઈન્ડોનેશિયાએ પોતાનું લશ્કર ગોઠવ્યું છે. 

ઈન્ડોનેશિયાના પ્રમુખ જો કે લીડોડોએ પણ ટાપુમાં આવીને આ કવાયતનું નિરીક્ષણ કર્યું હતું અને કહ્યું હતું કે આ ટાપુ અને તેની આસપાસના પ્રદેશ માત્ર ઈન્ડોનેશિયાના છે. એમાં કોઈપણ દેશની દખલ ચાલશે નહીં. આ વિસ્તારમાં ચીન ઉપરાંત ફીલીપાઈન્સ, વિયેટનામ અને મલેશિયા પણ દાવો કરે છે.

થોડા સમય પહેલા જ ચીની યુદ્ધ જહાજો આ વિસ્તારમાંથી પસાર થયા હતા એ પછી ઈન્ડોનેશયાએ આ અંગે ચીનને ફરીયાદ કરી હતી. ટૂંકમાં દુનિયામાં અત્યારે એકબાજુ મધ્યપૂર્વ તથા બીજીબાજુ દક્ષિણ પૂર્વમાં સખત તંગદીલીના ભણકારા વાગે છે. આ સ્થિતિમાં ગમે ત્યારે ગમે ત્યાં યુદ્ધ ફાટી નીકળે અથવા તો રોકેટ અથવા તો મોરટારનો મારો થાય તો નવાઈ નહીં.

Tags :