કહેવતો અને સુવિચારોની દુનિયા
વિચાર વિહાર - યાસીન દલાલ
જુદા જુદા અનુભવો, જુદી જુદી કહેવતોને જુદા જુદા સંજોગોમાં યોગ્ય વિનિયોગ કરી શકે તે માણસ જીવનમાં સફળ નીવડે
આપણે વાતચીતમાં કોઈપણ મુદ્દો સમજાવવા માટે વારંવાર કહેવતો ટાંકીએ છીએ. કહેવતોની જેમ જ સુવિચારો પણ એટલા જ ઉપયોગી છે. જવાહરલાલ નહેરુ પોતાના ટેબલ ઉપર રોબર્ટ ફ્રોસ્ટનું એક વાક્ય ખાસ મૂકતા 'આઈ હેવ માઈલ્સ ટુ ગો'થી શરૂ થતું આ વાક્ય આજેપણ અમર થઈ ગયું છે.
એ જ રીતે શેક્સપિયરનાં અનેક વાક્યો સુવિચાર બની ગયા છે. દા.ત. 'વુમન ધાય નેઈમ ઈઝ ફ્રેઈલ્ટી' એ જ રીતે 'સ્વીટ આર ધી યુજીસ ઓફ એડવરસીટી' શેક્સપિયરે કુલ ૩૭ નાટકો લખ્યા છે અને એ બધા સુવિચારોથી ભરપૂર છે. માત્ર શેેક્સપિયરના બધા નાટકોના સુવિચારોનો સંગ્રહ પણ મળે છે.
સુવિચારની દુનિયા નિરાળી છે. દરેક માણસની ડાયરીમાંથી થોડા સુવિચારો મળી આવશે. શાળા-કોલેજોના બોર્ડ ઉપર સુવિચાર લખવામાં આવે છે. માણસ કોઈને કોઈ મહાનુભાવ કોઈને કોઈ વિશિષ્ટ વ્યક્તિને જીવનમાં આદર્શ બનાવીને ચાલે છે. એના જીવન પ્રસંગોને સ્મરે છે. અને એના ચિંતનને વાગોળે છે. અનુભવના નિચોડ અને ચિંતનની તપસ્યામાંથી સુવિચાર જન્મે છે.
પણ સુવિચારની સાથે કેટલીક કહેવતો, કેટલાક સનાતન સત્યો પણ વહેતાં રહે છે. એમાંથી કેટલાંક તો વ્યાપક સંશોધનોમાંથી જન્મેલા હોય છે. સુવિચારો અને સારી ચિંતન કણિકાઓમાંથી ઘણા માણસોએ પ્રેરણા લીધી છે અને જીવનમાં પ્રગતિ સાધી છે. ઘણીવાર એક સુવાક્ય જીવનમાં અનેક રહસ્યોને છતાં કરી જાય છે.
શેક્સપિયરના નાટકોમાં આવતા સુવાક્યો અને ચિંતનકણિકાઓનાં અલગ પુસ્તકો પ્રગટ થયાં છે. જીવનનું કોઈ ક્ષેત્ર એણે બાકી નથી રાખ્યું. સ્ત્રીની બેવફાઈથી માંડીને જીવન જીવવાની પદ્ધતિઓ અંગે એણે વિશ્વને માર્ગદર્શન આપ્યું છે. 'કિંગ લિયર' અને 'મેક્બેથ' જેવા નાટકોમાં આવી સુક્તિઓ ઢગલાબંધ આવે છે. 'ટુ બી ઓર નોટ ટુ બી' જેવી ઉક્તિઓ કોઈ જમાનામાં ઝાંખી પડશે નહીં. 'મીડ સમરનાઈટસ ડ્રીમ'માં રાજા વનવાસ વેઠયા પછી એ કપરા અનુભવ અંગે કહે છે.
'સ્વીટ આર ધ યુઝિસ ઓફ એડવર્સિટી' માણસે દરેક અનુભવમાંથી પસાર થવું પડે છે અને ક્યારેક અનુભવ કપરો મુશ્કેલી ભર્યો પણ હોય છે. આ ચિંતન કણિકાઓના દાયરામાં અમીરી ગરીબી સુખ દુઃખ, યાતના અને સંઘર્ષ, ફરતાં રહે છે. 'બુ્રટસ યુ ટુ?' જેવા વાક્યો સુવાક્યો નહીં હોવા છતાં એના સંદર્ભને લીધે જાણીતાં બન્યા છે. એ બોલાતાં જ એની ભીતર છુપાયેલ અર્થ સ્ફુટ થાય છે.
ગુજરાતમાં રમણલાલ દેસાઈએ પોતાની નવલકથાઓમાં ઠેરઠેર ચિંતન કણિકાઓ વિખરી છે. 'ક્ષિતિજ'માં ક્રિકેટની રમતને એમણે અગિયાર મૂર્ખાઓની રમત તરીકે ઓળખાવી છે. રકાબીમાં ચા પીવાની ટેવ ઉપર એમણે પ્રહાર કર્યા છે. એમના સુવાક્યો 'સુવર્ણ રજ' નામે અલગ પુસ્તકોમાં સંગ્રહાયા છે. હમણાં એમનું ચિંતન દર્શાવતા ત્રણ ઉપયોગી પુસ્તકો પ્રગટ થયાં છે.
'સમાજ અને ગણિકા' એમણે વેશ્યાવૃત્તિ ઉપર અનેક ચિંતન કણિકાઓ આપી છે. વાર્તાની વચ્ચે, પાત્રોને અને ઘટનાઓને ટાંકીને રમણલાલ પોતે હાજર થાય અને ઘટનાઓનું અર્થઘટન કરતા સુવાક્યો આપતા જાય. આવી કેટલીક કણિકાઓ શાશ્વત મૂલ્યવાન હોઈ તે યાદગાર બની ગઈ છે.
પણ કોઈપણ સુવાક્ય કોઈપણ ચિંતન કણિકા, કોઈપણ સત્ય સંપૂર્ણ અને નિરપેક્ષી નથી. દરેક ઉક્તિ સાપેક્ષ છે અને તેના યોગ્ય સંદર્ભમાં જ એની સાર્થકતા છે. વાસ્તવમાં કોઈ લેખક કે ચિંતકની કૃતિમાંથી ચોક્કસ સંદર્ભમાં મૂકેલા વાક્યોને આપણે અધવચ્ચેથી ઊઠાવીને એને સુવાક્ય બનાવી દઈએ છીએ.
સામાન્યજન એને સંપૂર્ણ સત્ય માનીને ચાલે છે, અને એનાંથી ક્યારેક વિપરીત પરિણામ પણ આવવાની બીક રહે છે. એક સંદર્ભની ઉક્તિ બીજા સંદર્ભમાં અનુકૂળ ન પણ નીવડે. આથી જ ઘણીવાર પરસ્પર વિરોધાભાસી સુવિચારો પણ જોવા મળે છે. 'બોલે તેના બોર વેચાય' અને 'ન બોલ્યામાં નવગુણ' એ બંને કહેવતો સાચી પણ પોતપોતાના ચોક્કસ સંદર્ભમાં જ ક્યારેક મૌન ઉપકારક નીવડે છે. તો ક્યારેક બોલવાનું જરૂરી બને છે.
આ બંનેમાંથી એક કહેવતને સમજ્યા વગર અમલમાં મૂકવાથી ઊંધુ પરિણામ આવે. ઘણી વ્યક્તિઓ 'બોલે તેના બોર વેચાય' ઉક્તિનો સાંગોપાંગ અમલ કરે છે અને સતત જ્યાં ત્યાં ટાણે કટાણે બોલતા જ રહે છે. એમને મૌનનો મહિમા કોઈ સમજાવે તો એમનો અને એમની વાણીનો ભોગ બનનારનો ઉદ્ધાર થાય. અંગ્રેજીમાં કહેવત છે કે 'ફર્સ્ટ ઈમ્પ્રેશન'ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન પણ આ કહેવત હંમેશા દરેક કિસ્સામાં સાચી પડતી નથી. 'સ્લો એન્ડ સ્ટેડી વીન્સ ધ રેસ', આનાથી ઊંધી દિશામાં જાય છે.
ઘણીવાર નબળો પ્રારંભ કરનાર વ્યક્તિ પાછળથી જોર બતાવે છે. આવી વ્યક્તિ આ કહેવતથી નિરાશ થવાનો સંભવ છે. 'કમિંગ ઈવન્ટસ કોસ્ટ ધેર શેડોઝ બિફોર' એવી ઉક્તિ ભલે હોય, પણ એવું હંમેશા બનતું નથી. વળી આ ઉક્તિ વ્યક્તિને વહેલી બનાવે તેવો પૂરો સંભવ છે. કોઈ ચોક્કસ પ્રસંગને અનુલક્ષીને આવી ઉક્તિઓ કહેવાઈ હોય છે, અને એની બહાર લઈ જઈને એનો વ્યાપક ઉપયોગ કરવામાં જોખમ હોય છે.
કેટલીક કહેવતો માત્ર શબ્દ-રમત અને મનોરંજન માટે સર્જાઈ હોય એમ લાગે છે. દાખલા તરીકે સ્ત્રીની ઉંમર અને છાપાંનો ફેલાવો પૂછવો નહીં! 'જર, જમીન અને જોરૂ, કજીયાના છોરૂ'. આ કહેવતો ક્ષણિક ચમત્કૃતિ અને વિસ્મય જન્માવે છે, પણ એમને બહુ ગંભીરતાથી લેવી જોઈએ નહીં. ઝઘડાનાં મૂળ આ સિવાય પણ બીજા અનેક હોય છે.
માણસનું મન, શરીર, વ્યક્તિત્વ કોઈ એક ચીજ, એક બાબતથી ફરવાનું નથી. એ એક સંકુલ અને અટલ પ્રક્રિયા છે. આપણે કોઈ ચોક્કસ નિર્ણય કોઈ એક જ બાબતને ધ્યાનમાં રાખીને લીધો છે, એમ ચોક્કસપણે કહી શકીશું નહીં.
એ જ રીતે કોઈ એક ચોક્કસ ઉક્તિ કે સુવિચાર માણસનો ઉત્કર્ષ સાધી શકે નહીં. જુદા જુદા અનુભવો, જુદી જુદી કહેવતોને જુદા જુદા સંજોગોમાં યોગ્ય વિનિયોગ કરી શકે તે માણસ જીવનમાં સફળ નીવડે. આવી સૂઝ નહીં ધરાવનાર માણસ કહેવતો અને સંશોધનોથી ઘેરાવાના બદલે વધુ ગૂંચવાડામાં મૂકાય તેવો વધુ સંભવ છે.
આઈન્સ્ટાઈનનો સાપેક્ષતાનો સિદ્ધાંત આ બાબતમાં પણ સંપૂર્ણપણે બંધ બેસે છે. કોઈ કહેવત, કોઈ સંશોધન, કોઈ સુવિચાર, સંપૂર્ણ નિરપેક્ષ નથી એનું ચોક્કસ સમયે ચોક્કસ સંજોગોમાં જ મહત્વ છે.
માણસના 'દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા' આ કહેવત દંભી માણસ માટે સર્જાઈ છે. એ જ રીતે 'માંગ્યા વિના મા પીરસે નહીં' એ કહેવત પણ નોંધપાત્ર છે. બહુ બોલકા માણસો માટે 'હોઠ સાજા તો ઉત્તર ઝાઝા' એમ કહેવાય છે.
ક્યારેક કોઈ માણસ દુઃખી હોય અને વધુ દુઃખ આવે તો 'પડયા પર પાટુ' જેવું લાગે છે. 'ક્યાં ગ્યાતા તો ક્યાંય નહીં' એ કહેવત પણ અમુક સંજોગોમાં ઉચિત છે. કેટલાક શહેરોમાં દરેક હોટલમાં બોર્ડ મારેલું હોય છે. 'આજે રોકડા તો કાલે ઉધાર' તેમજ 'ઉધાર મહોબ્બત કી કેચી હૈ' એ કહેવત પણ અમુક સંજોગોમાં ઉધારીયાઓ માટે યોગ્ય જવાબરૂપ છે.
'સો કા હુઆ સાઠ, આધે ગયે નાઠ, તીસમેં દેના ક્યા ઔર લેના ક્યા' આ કહેવત પણ રમુજી છે અને છતાં અમુક સંજોગોમા બરાબર લાગુ પડે છે. એ જ રીતે વારંવાર આવી પડતા મહેમાન માટે 'માન ન માન મૈ તેરા મહેમાન' બોલાય છે. હમણા એક ફિલ્મ આવી હતી. 'મેરે બાપ પહેલે આપ' આમાં સરસ કોમેડી છે. કેટલીક કહેવતો પાછળ આખી વાર્તા હોય છે. 'ગધેડી પણ ગઈ અને ફાળીયું પણ ગયું'. કેટલીકવાર દ્રષ્ટાંત કથાઓ પણ હોય છે.
ચૂંટણી વખતે પરિણામ આવવાના હોય તો કેટલાક છાપા આગાહી કરે છે તો કેટલાક છાપા આ ચૂંટણી ભર્યું નાળીયેર છે એમ કહીને બતાવે છે કે પરિણામ અનિશ્ચિત છે. કેટલીકવાર છાપાઓ કહે છે અને સર્વેક્ષણો કહે છે એનાથી ઉંધા જ પરિણામ આવે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટાભાગના આગાહીકારો કહેતા હતા કે હિલેરી ક્લિન્ટન જીતશે પણ જીતી ગયા ટ્રમ્પસાહેબ.
આમ ક્યારેક 'ભર્યા નાળીયેર' જેવું પરિણામ નાળીયેર ખુલે ત્યારે જણાય છે કે પરિણામ ધાર્યા મુજબ આવ્યું કે નહીં. 'હાથના કર્યા હૈયે વાગ્યા' એ કહેવત પણ રસપ્રદ છે. ક્યારેક કોઈ માણસનું ધાર્યુ ન થાય અથવા કોઈ ફિલ્મમાં લલીતા પવાર કે બિંદુ જેવા પાત્રો ખટપટ કરતા હોય અને એનું ધાર્યું પરિણામ ન આવે ત્યારે આ ઉક્તિ યાદ આવે છે. 'રાંડયા પછીનું ડહાપણ' આ કહેવત પણ કેટલીકવાર ઉચિત લાગે છે. કેટલાક માણસો કેટલાક પગલાં લે છે અને પછી પસ્તાય છે ત્યારે આ કહેવત યાદ આવે છે.
એ જ રીતે 'એ વીલ વીલ ફાઈન્ડ એ વે' એટલે કે 'મન હોય તો માળવે જવાય' કેટલાક માણસો માથે હાથ દઈને બેઠા હોય છે અને જીવનમાં કાંઈપણ કરતા અચકાય છે. એમને આ કહેવાત લાગુ પડે છે. શૈલેન્દ્રના કહેવા મુજબ 'નાદા હૈ જો બૈઠ કિનારે પૂછે રાહ વતનકી, ચલતા જીવનકી નિશાની રૂકના મૌત કી નિશાની' આ એક લીટી ઘણું કહી જાય છે.
કેટલીકવાર માણસ હતાશ અને નિરાશ થઈ જાય છે ત્યારે એમને ક્યાંકને ક્યાંકથી સધિયારો મળી જાય છે. આ સધિયારો ગીત અથવા કહેવત રૂપે પણ હોય છે. દા.ત. અભિનેતા મનોજકુમાર શરૂઆતમાં નિષ્ફળ જતો હતો એટલે આપઘાતના વિચાર કરતો હતો ત્યારે જ એને વિચાર આવ્યો કે 'રેશ્મી રૂમાલ' ફિલ્મમાં મેં પોતે જ ગાયું છે. 'ગર્દીશ મેં હો તારે, ના ગભરાના પ્યારે, ગર તું હિંમત ન હારે તો હોંગે વારે ન્યારે' આવા અનેક દાખલા આપી શકાય.
ગુરુદત્તની ફિલ્મોમાં આવી નિરાશા ઠેર ઠેર જોવા મળે છે. એણે 'પ્યાસા'માં ચિત્કાર કરીને કહ્યું હતું કે 'દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ.' માણસ સમય મુજબ વલણ બદલે ત્યારે કહેવત આવે છે કે 'સમય વર્તે સાવધાન'. એ જ રીતે 'મનની મનમાં રહી ગઈ' એ કહેવત પણ ત્યારે કહેવાય છે કે માણસે ધાર્યુ હોય કંઈ અને તે ન થાય.