'વિરાટ વિસ્ફોટ'ના ખેલ અને રેશનાલિઝમ
વિચાર વિહાર - યાસીન દલાલ
ચર્ચિલ જેવા અંગ્રેજો આપણી નબળાઈઓને બરોબર ઓળખી ગયા હતા. પરિણામે, એમણે આઝાદી આપતી વખતે આપણા નેતાઓ વિશે જે આગાહીઓ કરી, એ બધી સાચી પડી છે
તાજેતરમાં હિંદી અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા શ્રી શ્રીરામ લાગુનું દુઃખદ અવસાન થયું. તેઓ મહાન અભિનેતા હતા જ પણ એમનો મૂળભૂત રસ નાટકમાં હતો. નાટકમાંથી તેઓ મરાઠી સિનેમામાં આવ્યા અને મરાઠીમાંથી હિંદી સિનેમા તરફ વળ્યા. તેમની પહેલી હિંદી ફિલ્મ શાંતારામની 'પિંજરા' હતી.
એ પછી એમણે ચરિત્ર અભિનેતા તરીકે મહાન કામ કર્યું. 'પિંજરા'માં તેઓ નાયક હતા. એ પહેલા તેઓ ડોક્ટરની પ્રેક્ટીસ કરતા હતા અને ઈએનટી સર્જન હતા. આ પછી એમને સિનેમામાં રસ પડયો અને સિનેમામાં પણ એમણે સંખ્યાબંધ ફિલ્મોમાં અત્યંત ઉંચુ કામ કર્યું પણ મૂળ તો તેઓ રેશનાલીસ્ટ હતા. ઈશ્વરમાં માનતા નહોતા. તેઓ કહેતા કે આ દુનિયા જો ઈશ્વરે બનાવી હોય તો આટલી ખરાબ કેમ છે? એમાં આટલા બધા ભેદભાવ કેમ હોય?
શ્રીરામ લાગુ કહેતા કે બ્રહ્માંડની આ વિરાટ લીલામાં પૃથ્વી નામના એક નાનકડા ઉપગ્રહ પર માણસ જાતે બે હજાર વર્ષની ઉજવણી કરી એનું કોઈ મહત્વ નથી. કેમ કે, બ્રહ્માંડમાં આવું કોઈ આયોજન કે નિશ્ચિત લીલા જ નથી. આ તો બધા કાર્લ સેગનના શબ્દોમાં કહીએ તો એક 'વિરાટ વિસ્ફોટ'ના ખેલ છે. કોઈ જાતના પ્રયોજન વિના આકાશગંગામાં હજારો લાખો ગ્રહો, ઉપગ્રહો અને તારા ફરી રહ્યા છે.
એમાંથી કોઈ તો અકસ્માતે સળગીને નાશ પણ પામે છે, તો વળી ક્યાંક એક ગ્રહના ટુકડા થઈને એમાંથી ઉપગ્રહો પણ બને છે. કોઈ ગ્રહ ઉપર અત્યંત ગરમ હવામાન છે, તો ક્યાંક આખા ગ્રહ ઉપર બરફ છવાયેલો છે. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ હોવાથી અહીં જીવસૃષ્ટિ પેદા થઈ શકી અને એમાં પણ અણુ અને એના વિઘટનના સિદ્ધાંત પર ઘણીબધી વસ્તુઓનાં સર્જન-વિસર્જનનો આધાર છે. આ બધું છેલ્લા બસો-અઢીસો વર્ષમાં વિજ્ઞાાને આપણને શીખવ્યું.
આ સંદર્ભમાં આઈન્સ્ટાઈન જેવા વૈજ્ઞાાનિકને મિલેનિયમની શ્રેષ્ઠ પ્રતિભા ઘોષિત કરવામાં આવે, એ બધી રીતે યોગ્ય કહેવાય. વાસ્તવમાં આ સહસ્ત્રાબ્દીની સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિ જ વિજ્ઞાાન અને ટેકનોલોજીની છે. ખગોળવિજ્ઞાાનથી માંડીને તબીબી ક્ષેત્ર સુધી આધુનિક વિજ્ઞાાને જે પ્રગતિ કરી છે એ પ્રગતિ ન થઈ હોત તો આપણામાંથી મોટા ભાગના તો આ નવી સદી જોવા માટે જીવતા પણ ન રહ્યા હોત. એક જમાનામાં સરેરાશ આયુષ્ય ૪૦થી ૪૫ વર્ષનું હતું.
આજે સુધરેલા દેશોમાં તો એ વધીને ૯૦-૯૫ વર્ષે પહોંચ્યું છે અને હજી આ પ્રગતિની કૂચ સતત ચાલુ જ છે. મનુષ્યનું વૃદ્ધત્વ રોકવા અને એને કાયમ માટે યુવાન રાખવાના પ્રયોગો પણ સફળ થાય એવી પૂરી શક્યતા છે. એટલું જ નહીં, હૃદયથી કિડની સુધીના શરીરના મોટાભાગના અંગઉપાંગોની અદલાબદલી પણ હવે શક્ય બનવાની છે. કૃત્રિમ લોહી બનાવવાના પ્રયોગો ચાલુ છે અને જીવશાસ્ત્રની મદદથી એવા બીજા અવનવા પ્રયોગો ચાલી રહ્યા છે.
જેની વાત પણ અત્યારે અત્યંત રોમાંચક લાગે છે અને ઈન્ટરનેટ ઉપર લોકો પોતાની શારીરિક તકલીફનું વર્ણન કરે છે અને દુનિયાભરમાંથી ડોકટરો એના ઉપચાર બતાવે છે. આપણા માટે તો છેલ્લાં પાંચ-સાત વર્ષમાં કમ્પ્યુટર અને ઈન્ટરનેટ આપણા ઘરઆંગણે આવ્યાં, એ જ આ સદીની કે સહસ્ત્રાબ્દીની સૌથી મોટી ઉપલબ્ધિ છે. આપણામાં જો થોડી દીર્ઘદ્રષ્ટિ, સૂઝ અને થોડું વ્યવસ્થિત આયોજન હોય તો આ નવી શોધખોળોની મદદથી દેશની કાયાપલટ કરી શકીએ.
એક સામયિકે સહસ્ત્રાબ્દીની શ્રેષ્ઠ પ્રતિભાનું સર્વેક્ષણ કર્યું તો એમાં મુદ્રણ વિદ્યાની શોધ કરનાર જ્હોન ગુટેનબર્ગનું નામ નીકળ્યું! અને વાત પણ સાચી છે. ગુટેનબર્ગે જો મુદ્રણકળાની શોધ ન કરી હોત તો આ લેખ વાચકોને વાંચવા ન મળી શકત અને આટલાં બધાં દૈનિકો અને સામયિકોની અજાયબ દુનિયા આપણી નજર સામે ઊઘડી જ ન હોત. વાસ્તવમાં ગુટેનબર્ગની આ એક શોધ પછી જ માનવજાતની પ્રગતિનાં દ્વાર ખુલ્યા છે, એમ કહી શકાય.
૧૪૫૦માં મુદ્રણ કળાની શોધ થઈ, એ પહેલાં માણસ કાગળ ઉપર સાદી શાહીથી લખી શકતો એટલું જ. ગુટેનબર્ગને વિચાર આવ્યો, કે આ રીતે લહિયાઓ બાઈબલની નકલો તૈયાર કરે એમાં ખૂબ સમય લાગે છે. એના કરતાં લખાણની એકસરખી અનેક નકલો છાપી શકાય એવું કંઈક વિચારવું જોઈએ. એમાંથી મુદ્રણની કળા વિકસી. પહેલાં પુસ્તકો છપાયાં, પછી દૈનિકો શરૂ થયાં અને ૧૮૯૫માં લુમિયેર ભાઈઓએ સિનેમાની શોધ કરી અને માધ્યમોની દુનિયામાં એક ક્રાંતિ આવી ગઈ.
એ પછી વીસમી સદી આવી અને રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, ગ્રામોફોન, ગ્રામોફોન રેકર્ડ, એવી અવનવી શોધો થતી જ રહી અને સદીઓ સુધી ગુફાઓમાં રહેનાર માણસ એકાએક હવામાં ઊડવા લાગ્યો અને દરિયાના પાણી ઉપર સ્ટીમરમાં તરવા લાગ્યો. બધી રીતે વિચારીએ તો આ સહસ્ત્રાબ્દી વિજ્ઞાાન અને ટેકનોલોજીને ફાળે જ જાય છે. એમાં પણ છેલ્લાં ૪૦૦ વર્ષમાં એવી જબરદસ્ત શોધખોળ એટલી ઝડપથી થઈ છે કે, એ પહેલાંના લાખો વર્ષ માણસે કઈ રીતે વિતાવ્યાં હશે એની કલ્પનાથી ગ્લાનિ થઈ આવે.
૧૯૦૧માં માર્કોનીએ રેડિયો બનાવ્યો. ૧૯૦૩માં રાઈટ બંધુએ વિમાનની શોધ કરી. ૧૯૦૭માં આર્થર ડોને ફેકિસમિલ બનાવ્યું. ૧૯૨૬માં ગોડાર્ડે રોકેટ તૈયાર કર્યું અને ચંદ્ર ઉપર પહોંચવા માટેના કાર્યક્રમનું શિલારોપણ થઈ ગયું. ૧૯૩૩માં રડારની શોધ થઈ. ૧૯૩૮માં ઝેરોક્ષ મશીન બન્યું. એ જ વર્ષે બોલપેન બની.
૩૯માં હેલિકોપ્ટર આવી ગયું. ૪૦માં લોહી સંઘરવાની પદ્ધતિ વિકસતા બ્લડ બેંકો અસિત્વમાં આવી. ૧૯૪૬માં જ્હોન મેકલીએ વહેલું ડિજિટલ કમ્પ્યુટર વિકસાવ્યું. ૧૯૪૭માં પોલોરોઈડ કેમેરા બન્યો. ૫૬માં વીસીઆર આવી ગયું. ૧૯૬૨માં આર્થર કલાકૃની કલ્પના સાકાર થઈ, અને પહેલું કોમ્યુનિકેશન સેટેલાઈટ 'ટેલસ્ટાર' બન્યું. ૧૯૭૨માં પોકેટ કેલ્ક્યુલેટર બન્યાં. ૧૯૭૫માં પર્સનલ કમ્પ્યુટર આવ્યું. ૧૯૭૬માં નાસાએ પ્રતમ સ્પેશ શટલ બનાવ્યું. ૧૯૭૯માં વોકમેન બન્યું.
અને, વિજ્ઞાાનની આ શોધ-સિલસિલાની સમાંતરે તબીબી વિજ્ઞાાને પણ અવનવી તરક્કી ચાલુ જ રાખી,
અને, આ બધી જ શોધખોળો અમેરિકા, જર્મની, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ અને ઓસ્ટ્રિયામાં થઈ છે. એમાં ભારત, ચીન, પાકિસ્તાન કે ઈન્ડોનેશિયા ક્યાંય આવતા નથી. 'હમદોનો' નામની ફિલ્મમાં એક ગીત હતું. 'બરબાદિયોં કા શોગ મનાના ફઝૂલ થા, બરબાદયો કા જશ્ન મનાતા ચલા ગયા..' આપણી સ્થિતિ પણ કંઈક આ પ્રકારની છે. આપણો છેલ્લા એક હજાર વર્ષનો ઈતિહાસ વિદેશી આક્રમણો અને ગુલામીનો ઈતિહાસ છે.
આપણે પ્રજા તરીકે એટલા બધા વિભાજિત હતા અને એટલા બધા વિકવાદોમાં પડેલા હતા કે કોઈનો પણ મુકાબલો કરી શક્યા નહીં. પચાસ અંગ્રેજો કેરળના કાંઠે ઊતર્યા અને જોયું કે અહીં તો કેશવિહીન વિપ્ર વનિતાનું કૃષિ ક્ષેત્ર પડયું છે. પરિણામે, ધીમે ધીમે બે-પાંચ હજાર અંગ્રેજોએ પચાસ કરોડની પ્રજાને ગુલામીની જંજીરમાં જકડી લીધી. અંગ્રેજો આપણા નાગરિકોને ચાપલૂસી બદલ રાયબહાદુર કે સરનો ઈલકાબ આપતા અને આપણે હરખાઈ જતા.
ચર્ચિલ જેવા અંગ્રેજો આપણી નબળાઈઓને બરોબર ઓળખી ગયા હતા. પરિણામે, એમણે આઝાદી આપતી વખતે આપણા નેતાઓ વિશે જે આગાહીઓ કરી, એ બધી સાચી પડી છે. આટલી હદે પરાજિત પ્રજા જ્યારે ભૂતકાળનું વિશ્લેષણ કરવા બેસે ત્યારે એમાંથી બોધપાઠ લેવા જોઈએ અને ભવિષ્યમાં એનું પુનરાવર્તન ન થાય એનાં પગલા વિચારવાં જોઈએ. પણ, આપણે તો આપણી સંસ્કૃતિની પોકળ મહાનતાનાં ગુણગાન ગાવામાં જ મશગૂલ છીએ.
નવા વરસની ઉજવણીને પૃથ્વી પર વસતા કરોડો ગરીબ, બેકાર અને ઘરબાર વિનાના લોકોને શી લેવાદેવા છે? મુંબઈ કે અમદાવાદની હોટલોમાં કરોડોના ઉજવણીના તમાશા યોજાય ત્યારે એ શહેરની ઝૂંપડપટ્ટીમાં રહેનારા અને ઠંડીથી ધૂ્રજતા વંચિતોને માટે તો એમની એ એક વધુ ક્રૂર મશ્કરી જ છે.
નવી સદીમાં દરેક સુખી માણસ બીજા દસ દુઃખી માણસોનો ઉદ્ધાર કરવાની પ્રતિજ્ઞાા લેશે ખરો? વૈભવી બંગલામાં રહેતા ધનાઢ્ય દસ-વીસ ઝૂંપડાંવાસીઓને નાનું રહેવાનું ઘર અપાવવામાં મદદરૂપ થશે ખરો? દર વર્ષે વાવાઝોડામાં ઘરબાર ગુમાવતા લાખો કાંઠાવાસીઓનો ઉદ્ધાર થશે ખરો? રસ્તા પર અકસ્માતમાં જાન ગુમાવનારા અને ઘાયલ થનારા હજારો રાહદારીઓને સારા રસ્તા મળશે? નળમાં દાખલ થઈ જતું ગટરનું પાણી બંધ થશે?
દેશની સડકો પર અને કારખાનાઓમાં મજૂરી કરનારા ૩ કરોડ બાળમજૂરોનો ઉદ્ધાર આપણે આ સદીમાં કરવાનો સંકલ્પ કરી શકવાની સ્થિતિમાં છીએ? મુંબઈ અને કલકત્તાની ઝૂંપડપટ્ટીમાં શરીર વેચતી લાખો વેશ્યાઓને માટે આ સદી શું લાવી છે? આ વિકરાળ પ્રશ્નોનો જવાબ નવી સદી માંગી રહી છે. આ સમસ્યાઓ ઊકલી શકે તેમ છે, જરૂર છે થોડી સંવેદનાની અને થોડા શ્રમની. અંગત સ્વાર્થ અને સત્તાની લાલચમાંથી બહાર આવીને વિચારીશું તો કંઈક નક્કર કરી બતાવવાનું સાહસ મળશે.