Get The App

એક ભૂલની અસર ક્યારેક વર્ષો સુધી ભૂંસાતી નથી

- વિચાર વિહાર- યાસીન દલાલ

- જેમ એક ભૂલ જીવનમાં લાંબા સમયની આપત્તિનું નિમિત્ત બને છે. તેમ એક સાચો નિર્ણય આવી આપત્તિમાંથી છૂટકારો પણ અપાવે છે

Updated: May 29th, 2020

GS TEAM

Google News
Google News
એક ભૂલની અસર ક્યારેક વર્ષો સુધી ભૂંસાતી નથી 1 - image


મહિનાઓના લોકડાઉન પછી પ્રજા થાકી ગઈ હતી. એમાં સરકારે અચાનક જાહેર કર્યું કે ફલાણી તારીખે લોકડાઉન ઉઠી જશે. દુકાનો ખુલ્લી ગઈ, ખરીદી માટે લોકોની લાઈન લાગી ત્યાં અચાનક જાહેરાત થઈ કે સરકારની ભૂલ થઈ છે. લોકડાઉન ચાલુ છે લોકો દુઃખી થઈ ગયા. વહીવટી તંત્રની એક ભૂલથી રાજકોટ અમદાવાદ, વડોદરા અને સુરતની પ્રજા પારાવાર પરેશાન છે.

માણસ એ મનુષ્ય છે, અને મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે. કોઈ માણસ એમ કહે કે, 'જીંદગીમાં મેં કોઈ ભૂલ જ કરી નથી'. તો કાં એની વાતમાં વિશ્વાસ નહીં કરવો જોઈએ, અને કા એને માણસ નહીં ફરિસ્તો ગણવો જોઈએ. જીવનમાં નાની મોટી ભૂલો કરે એનું નામ જ માણસ. પણ એને એ ભુલો કરવાની આઝાદી હોવી જોઈએ. અને એ ભૂલમાંથી શીખવાની એની તૈયારી હોવી જોઈએ. અલબત્ત, કયારેક એક નાનકડી ભૂલ જીવનમાં મોટી કરુણતાનું નિમિત્ત બની રહે છે.

અમેરિકાના સર્વસત્તાધીશ રાષ્ટ્ર પ્રમુખ નિકસન બહુ મહેનતે બે વાર હારી ગયા પછી, ત્રીજા પ્રયત્ને રાષ્ટ્રપતિ બન્યા અને એમની જીવનભરની મહત્વાકાંક્ષા પરી થઈ. પણ મહામહેનતે મળેલી ખુરશી સાચવતાં ન આવડી. પોતાના વિરોધીઓની જાસૂસી કરવા માટેનું કાવતરુ કરવાની ભૂલ કરી અને, એમની આખી કારકિર્દી ખતમ થઈ ગઈ. એક ભૂલ કર્યા પછી, એનો એકરાર કરવાને બદલે બીજી ભૂલો કરતા જ રહ્યા, જૂઠાણા ઉચ્ચારતા જ રહ્યા, અને અંતે સત્તા ખાવીપડી હોદ્દા પરથી ઉતરી ગયા પછી એક જૂઠા રાષ્ટ્રપતિનું કલંક લાગી ગયું. લોકો એમને મકાન ભાડે આપવા પણ તૈયાર ન હતા.

પણ, નિકસન પછી અનેક વર્ષે આવેલા રોનાલ્ડ રીંગન જયારે 'ઈશનગેટ' કૌભાંડમાં સપડાયા, ત્યારે ઈતિહાસમાંથી બોધપાઠ લીધો, અને રાષ્ટ્રની પ્રજા જોગ પ્રવચન કરીને, લોકોની માફી માંગી લીધી અને જવાબદારોને સજા થઈ, ત્યારે કોઈને બચાવવાની કોશિષ કરી નહીં.

ભૂલ એમણે પણ કરી, પણ, ભૂલની સજા ભોગવવાનો વારો ન આવ્યો. ભારતમાં શ્રીમતી ઈંદિરા ગાંધીએ, સત્તા બચાવવા માટે ૧૯૭૫ માં કટોકટી લાદી અને લોકશાહીને ગળે ટૂંપો દીધો. પણ, એમને એ ભૂલની પ્રજાએ એવી સજા કરી કે વર્ષો સુધી જાહેરમાં બોલતા રહ્યાં કે, 'હવે હજાર વર્ષમાં પણ કદી કટોકટી ફરીથી લાદવાની કોશિષ નહીં કરૂ?' ઈતિહાસની એક નાનકડી ભૂલ કયારેક સમગ્ર રાષ્ટ્રને માટે ભારે આપત્તિજનક બની જાય છે.

૧૯૭૩માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખપદે કે, કામરાજ હતા, અને એમની સેન્ડીકેટ મોરારજી દેસાઈને વડા પ્રધાન બનવા દેવા માંગતી નહોતી. લાલબહાદુરના અવસાન પછી વડાપ્રધાન પદ ખાલી પડયું હતું. અને તત્કાળ કોઈની નિમણુંક અનિવાર્ય હતી. અંતે, એમણે સમય પસાર કરવા માટે એક વચગાળાનો નિર્ણય લીધો અને શાસ્ત્રી કેબીનેટમાં માહિતી ખાતાનું મહત્વ વિનાનું ખાતુ ધરાવતા ઈંદિરા ગાંધીને વડાપ્રધાન બનાવી દીધા! એમની મારફત સિન્ડિકેટ રાજય કરે અને દરમિયાન નવા વડાપ્રધાનનો નિર્ણય લેવાય, એવી મૂળ  યોજના હતી.પણ, આ એક ભૂલ કોંગ્રેસને અને દેશને ભારે પડી ગઈ. કોંગ્રેસના જ ભાગલા પડયા. ઈંદિરાબેને એમને સત્તા સ્થાન બેસાડનારલોકોને જ હાંકીકાઢયા. અને પૂરા ૧૭ વર્ષ શાસન કર્યું, બેંકોનું અને વિમાનું રાષ્ટ્રીયકરણ કર્યું અને ચારે બાજુ લાયસન્સ પરમીટનું સામ્રાજય સ્થાપી દીધું.

ભ્રષ્ટાચારનો માર્ગ મોકળો બન્યા,જાહેર જીવનમાંથી નિતિમત્તાનું ધોવાણ થઈ ગયું. પક્ષીય શિસ્તના કૂરચા ઉડી ગયા. અબજો રૂપિયાનું સંરક્ષણ બજેટ અને અબજો રૂપિયાની કટકી શરૂ થઈ ગઈ. આજે આપણે ચારેબાજુ દેશને સમસ્યાઓથી ઘેરાયેલો જોઈએ છીએ. એના મુળમાં આ એક ભૂલ રહેલી છે.

એટલે સુધી કે કોમવાદને પણ એમણે જ ભડકાવ્યો અને વોટબેંકની ખતરનાક નીતિ શરૂ કરી. અને ચૌધરી ચરણસિંઘ તેમ ચંદ્રશેખર, વડાપ્રધાન પદની ખુરશી પર બેસવાની ઉતાવળમાં કોંગ્રેસનો ટેકો મેળવવાની ભૂલ કરી બેઠા. અને ઈતિહાસમાં સત્તાલોલુપ માનવો તરીકે કુખ્યાત બની ગયા. ચરણસિંઘની ભૂલ નજર સામે હોવા છતાં ચંદ્રશેખર એ જ ભૂલ દોહરાવી.

જેમ એક ભૂલ જીવનમાં લાંબા સમયની આપત્તિનું નિમિત્ત બને છે. તેમ એક સાચો નિર્ણય આવી આપત્તિમાંથી છૂટકારો પણ અપાવે છે. ઈલ્યાસુસ્લોવ નામના ગૃહસ્થને ધુમ્રપાનની ભયંકર ટેવ પડી ગઈ રાત, દિવસ, ઓફિસમાં, ઘરમા ંએમને ધૂ્રમ્રપાન કરનારને હોટલમાં પ્રવેશ નથી મળતો, તેમ જાહેર સમારંભોમાં પણ પ્રવેશબંધી છે. એરપોર્ટ ઉપર પણ સિગારેટ પીવાની મનાઈ એટલે સુધી કે હવે તો  અમુક કંપનીઓ સિગારેટ પીનારાને નોકરી પણ નથી આપતી! એનો મેડિકલ ઈન્સ્યુરન્સ પણ કોઈ કંપની ના લે.

આવા સાર્વત્રીક બહિષ્કારની વચ્ચે ઈલ્યાએ ધુ્રમપાન છોડવાનું નક્કી કર્યું, પણ આખા શરીરમાં નિકોટીનનું ઝેર ફેલાઈ ગયું હોય ત્યાં એને એકદમ છોડવાનું ભારે મુશ્કેલ બને જ અંતે, એમણે કોમ્પ્યુટરની મદદ લીધી અમેરિકામાં કેટલીક કંપનીઓએ એવા કોમ્પ્યુટર બનાવ્યા છે, જે માણસની ટેવની અભ્યાસ કરીને ધીમેધીમે બે ધુ્રમ્રપાન વચ્ચે કેટલો ગાળો રાખવો, અને કઈ રીતે, વધારતો જવો એ સૂચવે છે. ઈલ્યાએ આ કોમ્પ્યુટરની મદદ લીધી, અને આજે એ સંપૂર્મપણે ધુ્રમ્રપાનથી મુક્ત છે.

પણ,સિગરેટની ટેવ છોડી ત્યાં સુધીમાં એણે ૪૫ વર્ષમાં ૩૨૮૫૦ એની પાછળ વેડફી નાખ્યા હતાં. એક ભૂલ કરી ગયા પછી, એને સુધારવા માટે જો યોગ્ય સમયે યોગ્ય નિર્મય લેવાય તો એનાં દુષ્પરિણામોને નિવારી શકાય છે. પણ, જયારે બે સમયવયસ્ક મિત્રો કે સંબંધીઓ વિષે ભૂલ એ વિવાદનું નિમિત બને ત્યારે પ્રશ્ન એ થાય છે કે કોણ ભૂલ સ્વીકારે? અને, કોણ પહેલ કરે? કયારેક બંને પક્ષ સમજતાં હોય કે બંને એ થોડી થોડી ભૂલ કરી છે પણ અંદરનો અહંકાર એના સ્વીકારમાં અંતરાય બને છે.

ગાંધીજીએ આત્મકથામાં પોતાની નાની ભૂલો મોટી અને હિમાલય જેવડી ભૂલોનો એકરાર કર્યો છે. પોતાની ભૂલોને 'હિમાલય જેવડી ભૂલ' કહવામાં જે સચ્ચાઈ અને નિરાભિમાન છે, એ સચ્ચાઈ અને એ નિરાભિમાન બધા માણસો કેળવી શકતા નથી. 'કેટલાક માણસો તો પોતાની ભૂલોનો બચાવ એ રીતે કરે છે જાણે એ પોતાના વારસાનું રક્ષણ કરી રહ્યા હોય!' આ વાકય એડમંડ બર્કનું છે, અને કેટલું સાચુ વાક્ય છે! વાસ્તવમાં, ભૂલ કરી નાખ્યા પછીએનો નિખાલસ એકરાર કરી લેવાથી એ ભૂલની ધાર બૂઠ્ઠી થઈ જાય છે.

ક્યારેક આપણે ખૂબ નિખાલસ અને નમ્ર દેખાવા માટે નાની નાની ભૂલો અને શરતૂચકનો સામેથી એકરાર કરી લેતા હોઈએ છીએ ! આવો માણસ કોઈ બહુ મોટી ભૂલ કરે ત્યારે પોતાના બચાવમાં દલીલ કરશે કે, હું તો હંમેશા મારી નાની ભૂલ પણ સ્વીકારી લઉં છું, તો પછી આમા શા માટે ન સ્વીકારું ? પણ, અહીં મારી ભૂલ છે જ નહીં ! પણ, ભૂલ કરવી, કે સ્વીકારવી, એમાં ક્યાય બનાવટી તર્ક કે વિકૃત દલીલબાજીનું સ્થાન નથી. ભૂલ એ ભૂલ જ. અલબત્ત, એ ભૂલ ઈરાદાપૂર્વક થઈ છે કે બિલકુલ ગેર સમજમાં કે પછી નિર્દોષભાવે જ થઈ છે, એ મુદ્દો જરૂર ધ્યાનમાં લેવો જોઈએ.

ક્યાંક મારી ભૂલ થઈ જશે તો ? એવા ભયથી કેટલાક લોકા કોઈ નિર્ણય જ લેતા નથી, અને જેમાં નિર્ણયો લેવા પડે એવા હોદ્દા પર પણ બેસતા નથી. પણ, કોઈ નિર્ણય ન લેવો કે બિલકુલ નિષ્ક્રિય બનીને બેઠા રહેવું, એના કરતાં તો ભૂલ ભરેલો પણ નિર્ણય લેવો સારો.

મહત્ત્વાકાંક્ષી માણસોને નિર્ણયો લેવા જ પડે છે, અને નિર્ણયો લઈએ એટલે ભૂલ થવાની સંભાવના આપોઆપ જ વધી જાય. ભૂલ કરીએ તો જ એ સુધારવાની તક મળે અને આમ કરતાં કરતાં જ માણસ પ્રગતિને માર્ગે આગળ વધે. અને ભૂલ યુવાનીમાં જ થાય, એવું જરૂરી નથી.

બુઢાપામાં પણ થાય. નિવૃત્તિને આરે પણ થાય અને ગમે તેવા બાહોશ કે ચતુર માણસો પણ ક્યારેક ભૂલ કરી શકે. હિટલર હોય કે નેપોલીયન કે પછી સિકંદર, આ બધાએ પણ ભૂલો કરી હતી અને ગાંધી, લિંકને પણ ભૂલો કરી હતી.

કોઈ માણસ કેટલો નિખાલસ, વિવેકી અને નમ્ર છે એને માપવાનો એક જ જોરદાર માપદંડ આ છે. એ પોતાની દેખીતી ભૂલનો જ માણસ ખોટો બચાવ કરતો રહે, એ નિખાલસ માણસોની યાદીમાં રહેવાને લાયક નથી. ભૂલનો એકરાર કરવો જ નહીં, પણ કેાઈ દલીલ વગર, પ્રયત્ન વગર, સામેનો માણસ એ ભૂલ તરફ આંગળી ચીંધે એ પહેલાં જ આત્મપ્રતીતિને લીધે જ જે માણસ સામેથી ભૂલ સ્વીકારે છે, એનામાં મહાનતાના બધા ગુણો છે. આવો માણસ ભૂલ કબૂલીને બેઠો ન રહે, પણ એનું પ્રાયશ્ચિત કરવા માટે થોડી શિક્ષ્ેેેાા પણ પોતાની જાતને કરે. અને જે માણસ પહાડ જેવી ભૂલો કર્યા પછી, એનો લુલો બચાવ કરતો રહે એને આત્મપ્રેરણાની દુનિયામાં રહેવાની પૂરી આઝાદી આપવી જોઈએ. અંદરથી પોતાનું અંતર જે વાત પોકારી પોકારીને કહેતું હોય એ જ વાત હોઠ પર આવે ત્યારે દાબી દેવી, એ વૃત્તિને શું કહેશું ? આવી આત્મછલનામાં જીવતા લોકોને દયા ખાઈને માફ કરી દેવા જોઈએ.

Tags :