Get The App

કેટલાક દેશોમાં હજી ગુલામી અકબંધ છે

- વિચાર વિહાર- યાસીન દલાલ

- હજી દુનિયાના ઘણા દેશો ગુલામીમાં સબડે છે. એમને એમાંથી બહાર કેમ કાઢવો એ પ્રશ્ન છે

Updated: Jun 27th, 2020

GS TEAM

Google News
Google News
કેટલાક દેશોમાં હજી ગુલામી અકબંધ છે 1 - image


અત્યારે ભારત અને ચીન વચ્ચે તનાવની પરિસ્થિતિ પ્રવર્તે છે. ૬૨માં ભારત અને ચીન વચ્ચે યુધ્ધ પણ થયું હતું હવે અત્યારે લદાખમાં ફરીથી તંગદિલી પેદા થઇ છે. બન્ને દેશોના સૈનિકોની ખુવારી પણ મોટાપાયે થઇ છે. અત્યારે બન્ને દેશો વચ્ચે શાંતિની વાટાઘાટો ચાલે છે. બન્ને દેશો સામસામા સાચા ખોટા દાવા કરતાં રહે છે. આમાં ક્યો દાવો સાચો અને ક્યો ખોટો એ કહી શકાતું નથી. જો કે વિશ્વના રાજકારણમાં ચીનની છાપ ખરાબ છે. 

ચીન વિષે એમ કહેવાય છે એ હંમેશા ખોટું બોલે છે અને ખોટો પ્રચાર કરે છે. ૬૨માં ચીન સાથે યુધ્ધ થયું ત્યારે પણ વિશ્લેષકો કહે છે કે ચીને જ હુમલો કર્યો હતો અને તિબેટ ઉપર પણ ચીને કબ્જો કર્યો હતો. હિમાચલ પ્રદેશની સરહદને અડીને તિબેટ આવેલું છે અને ત્યાંના ધર્મશાળાના નામના ગામ ખાતે હજી દલાઇલામામાં ધામો નાંખીને પડયા છે. મૂળ દલાઇલામામાં ચીનની ગુલામીમાંથી છૂટવા ભાગી ગયા હતા. 

ગુલામીની વાત આવી છે તો એ પણ જાણી લઇએ કે અડધી દુનિયા અને અડધા દેશો હજી પણ ગુલામ છે. અમેરિકામાં ગુલામીની પ્રથા વરસો સુધી કાયદેસર હતી. અબ્રાહમ લિંકને મહામહેનતે એ પ્રથા નાબૂદ કરાવી હતી. હેરીયટ બિચર સ્ટોવેએ આના ઉપર 'અંક ટોમ્પ કેબિન'  નામની નવલકથા લખી હતી જે આજે પણ સાહિત્ય રસિકોમાં વંચાય છે. આપણે ત્યાં એટલે કે ભારત જેવા ગરીબ દેશમાં વેઠની પ્રથા હતી પણ ગુલામીની પ્રથા હોય એવા દાખલા મળતા નથી.

હમણાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે લગભગ ચાલીસ વરસ સુધી એડવો કેસિના મંત્ર તરીકે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવ્યું છે કે લગભગ અડધા કરતાં પણ વધારે દેશોએ હજી સુધી ગુલામીને ગુનો ગણ્યો નથી લગભગ તમામ દેશોમાંથી લોકોના કાનૂની માલિકીપણાને રદ કરવામાં આવ્યું છે પણ હજી ઘણા દેશોમાં ગુલામીને ગુનો ગણવામાં આવતો નથી પણ અડધા વિશ્વમાં ગુલામીને ગુનો ગણવામાં આવતો નથી.

આ દેશોમાં ગુલામીને ગુનો ગણવાનો કોઇ કાયદો અસ્તિત્વમાં આવ્યો નથી. ૯૪ દેશોમાં તો ગુલામી પ્રથા માટે કોઇ કાર્યવાહી પણ થતી નથી કે આરોપીઓને સજા પણ થતી નથી. ૨૦૩૦ સુધીમાં આધુનિક ગુલામીને ગુનો ગણીને ભૂંસી કાઢવાની કોશિષ કરવાની જરૂર છે. આ બધા દેશોમાં ૯૬ ટકા જેટલા દેશોમાં તો ઘરેલું માનવ તસ્કરી વિરોધી કાયદા અસ્તિત્વમાં છે પણ એમાં ઘણા કાયદા શોષણના પ્રકારો ઉપર અંકુશ મુકવામાં નિષ્ફળ નીવડે છે. 

ગુલામી હજી રદબાતલ થઇ નથી અને એવા લોકો છે કે જેઓ ગુલામીમાં જીવવા માટે ટેવાઇ ગયા છે.મોરિસિયસમાં વારસાગત ગુલામીમાંથી લોકોને બહાર કાઢવા માટે સ્વૈચ્છિક સંગઠનોએ ગેરસરકારી કક્ષાએ ઘણા પ્રયાસો કર્યા  હતા. મોરિસિયસમાં ૧૩મી સદીથી ગુલામોની ખરીદી અને વેચાણ પ્રથા ચાલુ છે. ગુલામોમાં મજૂરો અને ઘરેલું નોકરો તથા પશુપાલકો હતા. તેમની પાસે પોતાનું સ્વતંત્ર જીવન નહોતું. તેઓ તેમના માલિકો પર  નિર્ભર રહેતા.

ગુલામી કાયદેસર રદબાતલ થઇ છતાં આમ હતું. ૯૪ દેશમાં ગુલામી ઉપર પ્રતિબંધ મુકતો કાયદો જ નથી. ૧૭૦ રાજ્યો ગુલામીને મળતી આવતી પ્રથાઓને ગુનો ગણવામાં નિષ્ફળ ગયા છે. ૧૧૨ દેશોએ બળજબરીથી કરાવતી વેઠ ઉપર પ્રતિબંધ નથી. ૯૪ દેશોમાં ગુલામી ઉપર પ્રતિબંધ નથી. ૧૮૦ દેશોએ દાસ પ્રથા ઉપર પ્રતિબંધ મુક્યો નથી. ૧૭૦ દેશો ગુલામીને મળતી આવતી પ્રથાઓમાં ગુનો ગણવામાં નિષ્ફળ નિવડે છે. કહેવા પૂરતું માનવ તસ્કરી ગેરકાયદે છે પણ આ વાસ્તવિક સમસ્યા છે.

શારિરીક શોષણ અને દેહ વેપારથી માંડીને બંદૂઆ મજુર સુધી માનવ તસ્કરી થાય છે. ડ્રગ્સ અને હથિયારો બાદ માનવ તસ્કરી દુનિયાનો ત્રીજો મોટો સંગઠીત ગુના છે. ૮૦ ટકા માનવ તસ્કરી દેહ વેપાર માટે થાય છે. એશિયાની વાત કરીએ તો ભારત માનવ તસ્કરીનો ગઢ ગણવામાં આવે છે આ તમામ દેશોને દર વરસે ૩૩ કરોડ લોકો એક ઠેકાણેથી બીજે ઠેકાણે પ્રવાસ કરતા હોય છે.

ગુલામી જાતજાતની હોય છે. કોઈ દેશ બીજા દેશના અમુક ભાગને ગેરકાનૂની રીતે કબ્જામાં રાખીને એના ઉપર શાસન કરે એને પ્રચ્છન્ન ગુલામી કહેવાય. બ્રિટને ૧૮૫૭માં ભારતને જીતી લીધું હતું. ૧૯૪૭ સુધી એટલે કે પૂરા ૯૦ વરસ બ્રિટિશરોએ ભારત ઉપર એકચક્રી શાસન ચલાવ્યું. જો કે વચ્ચે ફ્રેન્ચ લોકો પણ આવી ગયા એ સિવાય પોર્ટુગીઝ પણ આવી ગયા.

હજી પોર્ટુગીઝ લોકોના શાસનનો પૂરાવો દાદરા, નગર હવેલી અને ગોવામાં જોવા મળે છે. જો કે ફ્રેન્ચ લોકો વહીવટમાં ઉદાર હતાં. એક વાઈસરોયે ગેર વહીવટ ચલાવ્યો અને ફરીયાદ ફ્રાંસ સુધી ગઈ કે તુરંત એમણે ડુપ્લેને પાછો બોલાવી લીધો. એ જ રીતે પોંડીચેરી ઉપર વરસો સુધી ફ્રાંસનું શાસન હતું. હવે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે.

આપણે આઝાદી માટે વરસો સુધી સંઘર્ષ કર્યો. આપણો આઝાદી સંગ્રામ લાંબો ચાલ્યો. ૧૮૫૭ માં બહાદુરશાહ ઝફરનાં નેતૃત્વમાં બળવો થયો પણ અંગ્રેજોએ કડક હાથે એ ડામી દીધો અને બહાદુરશાહ ઝફરને કેદ કરીને રંગૂન લઈ ગયા જયાં એમનું વરસો પછી અવસાન થયું. લાલ કિલ્લો પણ બ્રિટિશરોએ પોતાના હાથમાં લઈ લીધો. સ્વાતંત્ર્ય સંગ્રામનું સુકાન મહાત્મા ગાંધીના હાથમાં હતું જે એમણે બરાબર નિભાવ્યું. અંતે ૪૮માં ૩૦, જાન્યુઆરીએ એમની હત્યા થઈ અને આપણે એક પીઢ નેતા ગુમાવ્યા. આપણી આજુબાજુ હજી કયાંક લોકશાહી અને કયાંક રાજાશાહી શાસન પ્રવર્તે છે. નેપાળમાં કયારેક રાજાશાહી અને કયારેક લોકશાહી હોય છે.

પાકિસ્તાનમાં લશ્કરી શાસન અને ચૂંટાયેલ સરકાર વચ્ચે આવજા થતી હોય છે. ઉત્તરપૂર્વમાં કોરીયા, વિયેટનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા ફિલિપીન્સ આ બધા દેશોમાં રાજાશાહી અથવા તો સરમુખત્યારશાહી ચાલતી રહે છે. ઈન્ડોનેશિયામાં વચ્ચે સુકર્ણો પુત્રીનું શાસન હતું. ફિલિપીન્સમાં અકીનો નામના બળવાખોર નેતાનું શાસન હતું. એને ઉથલાવી નાખ્યા પછી પણ એમનાં પત્નીએ બળવો કર્યો અને શાસન લઈ લીધું.

સામાન્ય રીતે સરમુખત્યારો એકાધિકારવાદી અને ક્રૂર હોય છે. કંબોડીયામાં ખમેર રુજનું શાસન ત્યાંના ઈતિહાસનું એક અત્યંત કાળું પ્રકરણ છે. આ શાસકે કોઈજાતના કારણ વિના હજારો નિર્દોષ નાગરિકોની કતલ કરી હતી અને શંકા જાય કે આ ભાઈ અમેરિકા તરફી છે એટલે તરત એને જેલમાં નાંખે અથવા રીબાવીને મારી નાંખે. ચીન તરફી લોકોની પણ એણે આવી જ હાલત કરી. આપણે ત્યાં ભૂતકાળમાં ઉત્તર પૂર્વમાં સાત રાજયો તરીકે ઓળખાતા પ્રદેશમાં પણ આવી જ સ્થિતિ હતી. નાગાલેન્ડ હોય કે મિઝોરમ હોય, મેઘાલય હોય કે સિક્કીમ હોય બધે વહીવટી તંત્ર જેવું કાંઈ હતું જ નહીં. ત્યાંના આદિવાસી વિસ્તારોમાં રાજાશાહી હતી.

રાજા અને બીજા રાજા વચ્ચે જમીન મકાન વિશે ઝઘડો થાય અને એ લોકો યુધ્ધે ચડે એ પછી તરત જ એકબીજાના સૈનિકોના માથા વાઢી લેવાતા અને માથા એના મહેલમાં વિજયના પ્રતિકરૂપે રાખી મુકાતા. હવે એ પ્રથા બંધ થઈ ગઈ છે પણ ચાલુ હતી ત્યારે એ કેટલી બરબર હશે એનો ખ્યાલ આવી શકે છે. જો કે ઉત્તર ભારતમાં ગ્રામ્ય પ્રદેશોમાં હજી લોકશાહી નથી. ગ્રામ પંચાયતે બધી સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે અને કોઈ આંતરજ્ઞાાતિય લગ્ન કરે એટલે પંચાયત તદન બરબર બનીને યુવક યુવતીને જાહેરમાં ફાંસીએ ચડાવે છે અથવા કોરડા મારવાની સજા કરે છે.

આવી કેટલીય ઘટનાઓ દરરોજ ટી.વી. ઉપર આવે છે અને લોકો એને જોઈને ભૂલી જાય છે. આવું તો ચાલ્યા કરે એમ માનીને લોકો કાંઈ કરતા નથી. આ એવો દેશ છે કે જયાં અતિ પ્રાચીનકાળમાં સંસ્કૃતિ ધબકતી હતી. એમ ગળ રાજયના હિમાયતીઓ કહે છે. આવી જ પધ્ધતિ વરસો પહેલા ગ્રીસમાં પણ હતી અને આવી જ પધ્ધતિઓ દુનિયાના મોટાભાગના દેશોમાં છે.

આપણે ત્યાં આવડું મોટું ન્યાયતંત્ર છે છતાં આવી અંધકાર યુગની પધ્ધતિઓ શા માટે ચાલુ હશે એ કોઈ કહી શકતું નથી. અવારનવાર કયાંક સાને ગુરૂજી અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહાપુરૂષો આવી જાય છે. આંબેડકર પણઆવા જ વિરાટ નેતા હતાં છતાં હજી આ દેશમાં છૂતઅછૂત કે જ્ઞાાતિવાદ તેમજ કોમવાદના દૂષણો માથું ઉચકે છે એ હકીકત છે.

આઝાદી એ માનવનો મૂળભૂત અધિકાર છે. ગુલામી એ આપણી કમનસીબી છે. અગાઉ કહ્યું તેમ હજી દુનિયાના ઘણા દેશો ગુલામીમાં સબડે છે. એમને એમાંથી બહાર કેમ કાઢવો એ પ્રશ્ન છે. ખાસ કરીને આફ્રિકાના ઈથોપીયા જેવા દેશો આનો દાખલો છે. દક્ષિણ આફ્રિકા કે જયાં નાનજી કાલિદાસ જેવા ભારતીયો ધંધામાં છે ત્યાં પ્રશ્નથી પણ એ સિવાય નાના નાના દેશોમાં અને પછાત દેશોમાં ઘણા પ્રશ્નો છે.

બુરકીના ફાસો જેવા દેશો આનો દાખલો છે. રોડેસીયા કે ઝાંમ્બાવે ભૂતકાળ થઈ ગયા પણ હજી ત્યાં આધુનિકતા દેખાતી નથી. ઉત્તર ધ્રુવ તેમ અમેરિકાથી આગળ વસેલા કોલમ્બીયા જેવા દેશો પણ હજી પાછળ છે. આ બધા દેશોમાં પરિવર્તનનું ચક્ર કેટલી ઝડપે આગળ વધે એના ઉપર ભવિષ્યના વિશ્વનો આધાર છે.

Tags :