આવી રહેલી ચૂંટણીઓમાં કોણ ફાવશે?


- વિચાર વિહાર-યાસીન દલાલ

- બધે ભર્યા નાળિયેર જેવી સ્થિતિ છે. કોઈને દેશની સ્થિરતાની કાંઈ પડી નથી. બધાં પોતપોતાના સ્વાર્થ સાધવામાં લાગી ગયા છે. કોઈને લાંબા ગાળાનું આયોજન કરવું નથી

દેશમાં જુદા જુદા રાજયોમાં ચૂંટણીની મોસમ છે. દિવસે દિવસે એમાં ગરમી આવતી જાય છે. યુ.પી.વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં એક પ્રધાને એક પત્રકારને તમાચો મારવાની કોશિશ કરી. પણ બાજુમાં ઉભેલા બીજા નેતાએ એમ કરવા ન દીધું. પણ એ દરમ્યાન પહેલાં પ્રધાને ગાળ બોલી દીધી હતી. આ સમાચાર દિલ્હી પહોંચી ગયા પણ ધારણા મુજબ એમની ઉપર કોઈ પગલા લેવાયા નહીં. 

સંસદમાં આ મુદે ભારે ધમાલ થઈ. એક ધારાસભ્ય કક્ષાની વ્યક્તિ આ રીતે જાહેરમાં ગાળ બોલે અથવા તમાચો મારવા હાથ ઉગામે એ લોકશાહી માટે શરમ જનક કહેવાય. એ પ્રધાન ઉપર તરત જ પગલાં લેવાવા જોઈએ. પણ એમ થયું નહીં. યુ.પી.ની ચૂંટણીમાં લખીમ પુરી ખીરીમાં એક હત્યા થઈ ગઈ. આ હત્યા પ્રધાનના પુત્રએ જ કરી હતી. આમ છતાં એ છટકી ગયા જો કે દિવસે દિવસે આ મામલામાં એ વધુને વધુ ફસાતા ગયાં. હત્યામાં પ્રધાનપુત્ર ઉપરાંત એમના બીજા મિત્રો પણ સંડોવાયા હતાં. પાછળથી પ્રધાનપુત્રનું નામ ગાજયું. પ્રધાન પાસે છટકવાનો બીજો રસ્તો જ નહોતો. પણ એનો અર્થ એ નથી કે કોઈ આરોપીનો એ બચાવ કરે અથવા પત્રકારને મારવાનો પ્રયત્ન કરે. આ બધું કર્યા પછી એ ખૂદ છટકી ગયા. 

યુ.પી.માં નાટકીય ઘટનાઓ બની છે. એક વરસથી ચાલતું કિસાન આંદોલન પુરૂ થયું છે. અને કિસાનો પોત પોતાના ઘેર જવા રવાના થઈ ગયા છે. નેતા શ્રી ટીકેત સહિત બધા ખેડૂતો પોતપોતાના ગામ જવા ઉપડી ગયા છે. મોટે ભાગે એમાં પંજાબીઓ વધારે હતાં. બીજી બાજું ગઠબંધનોની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી પંજાબમાં મુખ્યપ્રધાનપદે હતા, એ કેપ્ટન અમરીન્દરસિંઘે નવો પક્ષ રચ્યો છે. અને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. આ તરફ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે એમના કાકા શ્રી શિવપાલ યાદવ સાથે જોડાણ કર્યું છે. શ્રી શિવપાલ યાદવ અત્યાર સુધી એમનાથી છૂટા પડીને સ્વતંત્રપણે ચૂંટણી લડવાના મૂડમાં હતાં. પણ પ્રજાનો મુડ જોઈને એમને બુધ્ધિ સુઝી અને એ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શ્રી અખિલેશ યાદવ સાથે જોડાણ કરી દીધું આમ બંને એક જ કુટુંબના સભ્ય છે. દરમ્યાન મુસ્લિમ મતો મેળવા શ્રી ઓવૈસીનો ઘોંઘાટ ચાલું છે. એ દરરોજ નવા નવા પક્ષ સાથે જોડાણ કરતા રહે છે. એમની વાણી સખત તીખી છે. અને દરરોજ નવા નવા ધડાકા કરતા રહે છે. દરમ્યાન ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એવું બોલ્યા કે અત્યાર ેદેશના વડાપ્રધાન પદે શ્રી જીણા હોત તો વધારે સારૂ હોત. દરમ્યાન બીજા એક નેતાએ પણ આવો જ બફાટ કર્યો. અને વાતાવરણ ગરમાગરમ થઈ ગયું. 

ઉત્તરાખંડમાં પણ ચૂંટણીઓ યોજાવાની છે. ત્યાંના મુખ્યપ્રધાને પણ ધારાસભ્યોનો ટેકો ગુમાવ્યો અને લઘુમતીમાં આવી ગયા. હાઈકમાન્ડનું તેડું આવતા દિલ્હી દોડી ગયા. અને હાઈકમાન્ડની સુચના મુજબ રાજીનામું ધરી દીધું એમની જગ્યાએ આવેલ એમની ઉપર પણ તરત જ અસ્થિરતાના વાદળ ઘેરાવા માંડયા.

દરમ્યાન સમાજવાદી પાર્ટીના અનેક નેતાઓને ત્યાં ઈન્કમટેકસનાં દરોડા પડયા છે. લખનઉ અને મેનપુરી જેવા ગામોમાં  ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને એમના સાથીઓને ત્યાં દરોડા પાડી અને તપાસ કરી હતી. શ્રી જીતેન્દ્ર યાદવ, મઉના ઉપરાંત રાજીવરાય સહિત એક ડઝન નેતાઓને ત્યાં દરોડા પડયા હતાં. આ દરોડામાં ભારે હંગામો થયો હતો. પોલીસ બોલાવવી પડી હતી. રાજીવરાયને ત્યાં દરોડા પડયા ત્યારે એમના ટેકેદારો એમના કાર્યાલય ઉપર પહોંચી ગયા હતાં. શ્રી અખિલેશ યાદવ તથા જીતેન્દ્ર યાદવના ત્યાં પણ દરોડા પડયા હતાં. જો કે આ દરોડામાં શું મળ્યું એની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં જીતવા માટે ભાજપે બનાવેલા નિષાદ પાર્ટીના પ્રમુખશ્રી સંજયનિષાદ નારાજ થઈ ગયા છે. નિષાદ અનુંસુચિત જાતિમાં સમાવેશ કરીને અનામત આપવાની જાહેરાત કરી નહીં એટલે સંજયે યોગી આદિત્યનાથને પત્ર લખીને આ વચનની યાદ અપાવી છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સપા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે મામુલી દરોડાથી સપા પરેશાન કેમ થાય છે! ખરેખર ચોરકી દાઢી મેં તીનખા હૈ. શું કોઈ વિચારી શકે કે પાંચ વરસમાં સંપત્તિ ૨૦૦ ગણી વધી શકે. પોતાના ખાસ લોકોને ત્યાં પડેલા દરોડા પછી અખિલેશ યાદવે કહ્યું હતું કે મારા ફોન ટેપ કરાય છે. કેટલાક અધિકારીઓ ચાપલુસી ખાતર મારા ફોન ટેપ કરે છે. અને સાજે નવરા હોય ત્યારે નિરાંતે ટેપ સાંભળે છે. આ દરોડા ભાજપની અકળામણ બતાવે છે. ભાજપ જાણે છે કે ચૂંટણી માં હારી જવાની છે. શ્રી  નરેન્દ્ર મોદીએ ગોવાના ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે આજે ગોવા આઝાદ થયું એને ૬૦ વરસ થયા એક ફલાયપાસ્ટ પરેડ એમણે નિહાળી હતી. અને કહ્યું હતું કે સરદાર પટેલ આજે હોત તો ગોવા વહેલું આઝાદ થઈ ગયું હોત. એમણે રાજયની સ્વતંત્રતા માટે લડત લડી હતી. આ લડત ૧૯૬૧માં પોર્ટુગલ શાસનમાંથી આપણા લશ્કરે ગોવાને મુક્ત કરાવ્યું હતું. નિર્માતા કે અબ્બાસે આ વિષય ઉપર સાત હિન્દુસ્તાની નામની ફિલ્મ પણ ઉતારી હતી. અમિતાભ બચ્ચનનું એ પહેલું ચિત્ર હતું. એ પછી રેશમાં ઔર શેરામાં એ બીજીવાર ચમક્યા હતાં. એ પછી 'પડાસન' અને એ પછી એ 'ઝંઝીર'માં ચમક્યા હતાં.

યુ.પી.નો જંગ જીતવા અત્યારે રાહુલ ગાંધી પ્રિયંકા પણ મેદાનમાં છે. એ બન્નેની સભાઓમાં મોટી મેદની એકઠી થાય છે. આ જોઈને ભાજપના સ્મૃતિ ઈરાની  મુંઝાયા છે. અત્યારે તેઓ અમેઠીના સાંસદ છે. એમણે કહ્યું છે કે મેદની એકઠી કરવા પુરૂષોને ધાબડા અને સ્ત્રીઓને સાલ અપાય છે. એ એક મહિલાનો વિડિયો સંભળાવે છે. બે રૂપિયાના કૂતરા ખાય એવા બિસ્કીટ આપે છે.

કેન્દ્રીય પ્રધાન શ્રી નિતીન ગડકરીએ વિશ્વાસ દર્શાવ્યો છે કે ફરીથી યુ.પી.માં સત્તા ઉપર આવશે. દરમ્યાન ભાજપમાં સત્તા ઉપર કોણ આવે એની યાદવાસ્થાળી શરૂ થઈ ગઈ છે. યુ.પી.માં મેનલેન્ડ અને બનારસમાં શ્રી મોદીએ પ્રચાર કર્યો હતો અને કહ્યું હતું કે આ એક પછાત વિસ્તાર છે. ભાજપ સત્તા ઉપર આવશે તો એનો પણ સર્વાંગી વિકાસ કરવામાં આવશે. આ તરફ શ્રી મોદીએ પોતાના મત વિસ્તાર બનારસનો પણ પ્રવાસ કર્યો હતો. અને કહ્યું હતું કે અહી કોઈ ઔરંગઝેબ આવશે તો પણ ફાવશે નહીં એમણે આ પ્રવાસ કર્યો ત્યારે ભાગે ભીડ જામતી હતી. એમણે કહ્યું હતું કે, અત્યાર સુધી આ વિસ્તારનો કોઈ વિકાસ થયો જ નથી અમે આવશું તો ચોક્કસ વિકાસ કરશું. બનારસમાં એમણે બધા મંદિરોના દર્શન પણ કર્યા હતાં. અને ભાજપની જીતની પ્રાર્થના કરી હતી.

પંજાબમાં શ્રી નવજયોત સિધ્ધુ વારંવાર સમાચારોમાં ચમકતા રહે છે. હવે એ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બની ગયા છે. મુખ્ય પ્રધાન બીજાને ફાળે ગયું છે. દરમ્યાન જુદા જુદા પ્રદનો ઘોંઘાટ કર્યા કરે છે.

ગોવાની પણ ચૂંટણી માથે છે. ગોવા નાનકડું રાજય છે. કુલ બેઠકો માંડ ૬૦ જેટલી છે. અત્યારે ત્યાં ભાજપનું શાસન છે. પણ ત્યાં વારાફરથી બંને પક્ષોનું શાસન આવે છેને જાય છે. આવામાં ત્યાં ટી.એમ.સી. અને આપ પાર્ટીએ પણ ઝુકાવી દીધું છે. દરરોજ કોઈ કોંગ્રેસમાં આવે છે. અને કોઈ ટી.એમ.સી.માં આવે છે. તો કોઈ આપમાં જાય છે. 

આમ દેશભરમાં આયા રામ ગયા રામની બોલબાલા છે. આ બધામાં શું થાય એ કોઈ કહી શકતું નથી. કદાચ બધે પ્રવાહી પરિસ્થિતિ પણ સર્જાય. બધે ભર્યા નાળિયેર જેવી સ્થિતિ છે. કોઈને દેશની સ્થિરતાની કાંઈ પડી નથી. બધાં પોતપોતાના સ્વાર્થ સાધવામાં લાગી ગયા છે. કોઈને લાંબા ગાળાનું આયોજન કરવું નથી. કારણ કે એમને એ ગમતું નથી. આ બધા ટૂંકી બુધ્ધિના ઉપાયો છે. સંખ્યાબંધ પક્ષો જયાં હોય અને જયાં સંખ્યાબંધ જોડાણ અસ્તિત્વમાં હોય ત્યાં ભવિષ્યની ફીકર કોણ કરે. મહારાષ્ટ્રમાં શિવસેનાએ પહેલી વખત કોંગ્રેસ અને કોંગ્રેસ (એસ) સાથે જોડાણ કર્યું છે. પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને ગોવા જેવા રાજયોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ગુજરાતથી શરૂઆત થઈ ચૂકી છે. મુખ્યપ્રધાન ઉપરાંત આખું પ્રધાનમંડળ જ  બદલાઇ ગયું છે. પંચાયતોની ચૂંટણી પણ થઈ ગઈ છે. આવામાં વરસાદ આવે અને એની આગાહી શક્ય નથી હોતી એવું જ ચૂંટણીનું છે.

City News

Sports

RECENT NEWS