સિધ્ધાંતવાદી બનીને જીવવું કે પ્રેકટીકલ બનીને?!!
- વિચાર વિહાર- યાસીન દલાલ
- આપણી ખરી સમસ્યા જ ખોટો પૈસો કમાવાની ઘેલછાની છે. આ એક ઘેલછાએ બધા મૂલ્યોનો ભંગાર કરી નાખ્યો છે
જેમણે જીવનમાં થોડી ઘણી નિષ્ઠા અને પ્રમાણિકતા બચાવી રાખી છે, એવા થોડા લોકોએ આજકાલ એક શિખામણ સતત સાંભળવી પડે છે. 'થોડા ઘણા પ્રેકટિકલ બનો સાહેબ, નહીંતર જીવી નહીં શકો. ફેકાઈ જશો.'
'પ્રેકટિકલ' શબ્દનો ગુજરાતી અર્થ વ્યવહારૂ બનવાનો થાય છે. પણ, અહી એનો અર્થ 'અપ્રમાણિકતા' 'ભ્રષ્ટાચાર' એવો કરવાનો છે 'બેઈમાન બની જાવ' એમ ખુલ્લુ કહવાને બદલે લોકો 'પ્રેક્ટિકલ' જેવો રૂપાળો શબ્દ વાપરે છે. જો વ્યવહારૂ બનવાનો જ અર્થ હોય તો જીવનમાં વ્યવહારૂ બનવામાં કોઈને વાંધો ન હોય, જે માણસ પોતાની નિરાળી દુનિયામાં જ વ્યસ્ત હોય અને સામાજિક જવાબદારી નિભાવતો ન હોય, લગ્ન, મરણ જેવા પ્રસંગે પણ જતો ન હોય, કે જે માણસ ઘરની સામાન્ય જવાબદારી પણ ઉઠાવતો ન હોય એને 'વ્યવહારૂ' બનવાનું કહેવાય તો સમજી શકાય પણ પ્રમાણિક માણસને એની નિષ્ઠા છોડીને બેઈમાનીને રસ્તે જવાની શિખામણ આપનારા લોકો વધી જાય ત્યારે એ સમાજના સ્વાસધ્યની ચિંતા થવી જોઈએ.
પરીક્ષામાં ચોરી નહીં થવા દેનાર અધ્યાપકને, ધંધામાં બીલ વગરનો માલ વેચવાનો ઈન્કાર કરનાર વેપારીને, દર્દીની આર્થિક સ્થિતિ જોઈને મફત સારવાર કરનાર ડોકટરનો દાણચોર કે માફીયા તત્વોની વકીલાત કરવાનો ઈન્કાર કરનાર વકીલને, ગીડ કે 'સ્યોર સજેશન્સ' બદલે પાઠય પુસ્તક વાંચવામાં મગ્ન બની જનાર વિદ્યાર્થીનું પૈસા લઈને કોઈ નેતા કે પક્ષનો પ્રચાર કરવાની ના પાડી દેનાર પત્રકારને કે ખોટી રજાઓ લીધા વિના ૧૧થી ૬ વાગ્યા સુધી ટેબલ પર બેસીને કામ કરનાર કર્મચારીને આવી સલાહ હવે વારંવાર સાંભળવી પડે છે.
આજના યુગમાં સંપૂર્ણપણે આદર્શ વાદી બનવું કે, સિધ્ધાંતોનો પૂરો અમલ કરવો ખૂબ મુશ્કેલ છે. એવું કરવા માગતા માણસે કાંતો ધંધો નોકરી છોડી દેવા પડે અને સંન્યાસ લેવો પડે. ડગલેને પગલે તમારે એવા પ્રસંગોનો સામનો કરવો પડે જયારે તમારા આદર્શોનું ત્રાજવું ડોલવા માંડે આદર્શનો ચુસ્ત અને જડબેસલાક અમલ કરો તો મિત્ર ગુમાવવો પડે, ઘણાની સહાનુંભૂતિ ગુમાવવી પડે. ઘણાને રોષ વહોરવો પડે, ઘણાને દુશ્મન બનાવવા પડે, અને, આદર્શ તોડી નાખો તો તમારો અંતરાત્માં બળવો કરે, અંતઃકરણ કચવાય, મનમાંને મનમાં ઘુંઘવાટ થયા કરે.
રાત્રે ઊંઘ ન આવે... બરોબર છે, આજે તમે ઈસુખ્રિસ્ત, મહાત્મા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી હઝરત ઉંમર બનીને જીવી ન શકો, પણ, એનો મતલબ એ નથી બની જવું. બબલુ શ્રાવાસ્તવ બની જવું, કે હર્ષદ મહેતા બની જવું. અતિ ચુસ્ત આદર્શવાદી ન બની શકાય. તો કઈ નહીં, પણ સાવ ઢીલા પોચા, વાતવાતમાં સમાધાન સ્વીકારી લેનારા, કોઈ આવીને ખરીદી જાય એની રાહ જોઈને બેઠેલા, તદ્દન કાળજી વિનાના કાયર બની જવાની શી જરૂર છે? સિધ્ધાંતનુ ંપાલન પાણીમાં લાઠીની જેમ પણ કરી શકાય, કયારેક પાણીમાં કોઈ લાઠી મારે તો સહેજ તરંગ જન્મે, પણ ફરી પાણી એનું એજ...
માત્ર અતિધાર્મિકતા આપણું દુષણ નથી. અતિ ધાર્મિકતા પણ હવે આપણને ભારે પડી ગઈ છે. વિશ્વ વિખ્યાત ભાશાસાસ્ત્રી ચોજાસ્કી ભારત આવ્યા ભારત જેવા ગરીબ દેશમાં સંપત્તિ અને પૈસાનું જે બેફામ પ્રદર્શન અને જે ભોગવિલાસ એમણે જોયા એથી અચંબામાં પડી ગયા. એમણે કહ્યું કે આટલી હદે એશોઆરામ અને અમન ચમન તો અમેરિકા જેવા ધનિષ્ઠ દેશમાં પણ નથી જોવા મળતા. આપણે એ કયારે સમજશું કે જરૂરથી વધુ પૈસો મેળવીને સંઘરી રાખવો એ મોટામાં મોટો દેશદ્રોહ છે.
આવો પૈસો કોઈને કામ આવતો નથી. માત્ર બાથરૂમની છતમાં કે ઘરમાં બનાવેલા ચોરખાનાઓમાં એ પૈસો બંધ પડયો રહે છે. જયાં ૪૦ ટકા વસ્તીને બે ટંકનું ભોજન મળતું ન હોય ત્યાં આ રીતે વગર કમાયેલું ધન એકઠું કરીને નિષ્ક્રિય રાખી મુકવું એ આર્થિક દ્રષ્ટિએ પણ ભારે નુકશાનકારક છે. આવું નાણું બહાર આવે તો રાષ્ટ્રના ઉત્પાદન વધારામાં અને ઉદ્યોગોના વિકાસમાં એનો ઉપયોગ થઈ શકે.
કહેવાનો અર્થ એ નથી કે પૈસો કમાવાનું છોડીને વૈરાગી બની જવું, પૈસો આજની સમાજવ્યવસ્થાનું કેન્દ્ર છે. પૈસો કમાઈને ઘર વસાવવાની મત્વાકાંક્ષા ન હોય તો બધી આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓ બંધ પડી જાય. માણસે પૈસો કમાવાની અને એમાં વધારો કરવાની ઈચ્છા રાખવી જ જોઈએ. માણસ પાસે જીવન જરૂરી સગવડો હોવી જ જોઈએ. આધ્યાત્મિકતાનો દંભ કરીને આવી સુખસગવડોથી ભોગવવામાં નર્યો દંભ છે. પણ ધનેચ્છા ધનલાલસામાં બદલે ત્યારે ખરી આપત્તિ શરૂ થાય છે. આવો પૈસો બીજાઓને કામ આવતો હોય તો પણ વસુલ છે.
પણ મોટે ભાગે ધનિકો આવા પૈસાનો પોતાના અને સંતાનોના ભોગવિલાસમાં જ દુર્વ્યય કરતા હોય છે. પાણીનો બગાડ, વીજળીનો બગાડ જેટલો વાંધાજનક છે, એટલો જ વાંધાજનક પૈસાનો બગાડ છે. જેના બગડી ગયેલા સંતાનો મહિને હજારો રૂપિયા ઉડાડતા હોય એવો ધનિક એક ભારે મુશ્કેલીમાં મુકાયેલા મિત્રને માટે પાંચ પૈસા કાઢવા પણ તૈયાર હોતો નથી.
પ્રાયોગિક સંઘના અંબુભાઈ શાહે એક પ્રસંગ ટાંકયો હતો. એક ઉદ્યોગપતિ સાથે પ્રમાણિકતાથી વ્યવસાય કરવાની વાત ચાલતી હતી. ઉદ્યોગપતિનું કહેવું હતું કે, દેશમાં કાયદાઓ અને નિયમોનું બંધન એટલુ મજબૂત છે અને અમલદારોનો ત્રાસ એટલો બધો છે કે, પ્રમાણિકતાથી ધંધો કરવાનું શક્ય જ નથી ખૂબ દલીલો પછી અંબુભાઈને લાગ્યું કે ઉદ્યોગપતિની વાતમાં પરિસ્થિતિને સ્વીકારી લેવાની લાચારી કરતાં પણ વધુ તો પાંગળો બચાવ કરીને પોતાની વૃત્તિને ન્યાયી ઠેરવવાની વાત જ વધુ હતી. નીતિનિયમો અને બંધનો દરેક દેશમાં હોય છે.
આપણે ત્યાં નિયમો જરા વધુ પડતા કડક અને જડ છે. આપણે ત્યાં સરકારી અમલદારોનો ત્રાસ પણ વધુ છે. પણ, એનો અર્થ એ તો નથી જ કે એ અંકુશોને આડ બનાવીને કરચોરી, ભેળસેળ કે નિયમના ઉલ્લંઘનને મોકળું મેદાન આપી દેવું અને પોતે આ બધું તો ફરજીયાત કરવું પડે છે. એવો મિથ્યા સંતોષ લઈને હાથ ખંખેરી નાખવો.
આપણા દેશમાં હજી એવા સંખ્યાબંધ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ છે જ જે કરચોરી નથી કરતા ભેળસેળ નથી કરતા બીલ વગર માલ નથી વેચતા અને છતાં સુખી છે. ફરક એટલો પડે કે આવા સીધા રસ્તે ચાલનારને આગળ આવતાં થોડો સમય વધુ લાગે ધંધો જમાવવામાં થોડી મહેનત વધુ પડે. લાંચરૂશ્વતથી દૂર રહવાને લીધે કામ કરાવવામાં થોડી તકલીફ પડે અને થોડો સમય લાગે.
પણ, દેશ, સમાજ અને અર્થતંત્રનો ઢાંચો ટકાવવો હોય તો એને માટે આટલી કીંમત પણ આપણે ન ચૂકવીએ? સાચી વાત એ છે કે આપણને સૌને વગર મહેનતે, રાતોરાત માલદાર બનવાની ઉતાવળ જાગી છે. લાખ મેળવનાર દસ લાખ મેળવવા ઈચ્છે છે. કરોડવાળા દસ કરોડ મેળવવા માંગે છે આમ, ધનિકોનો પૈસો કોઈ મહેનત વગર વધતો જ રહે છે અને ગરીબોના ભાગ્યમાં ચીંથરા વીણાવાનું જ બચે છે. વગર કમાયેલો પૈસો જયારે સમાજમાં વધી જાય ત્યારે પછી એ પૈસાનું બિભત્સ પ્રદર્શન થતું જ રહે છે.
ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત અપનાવીને દરેક પૈસાદાર માણસ દસ ગરીબનો ઉધ્ધર કરે તો આ દેશની ગરીબી દસ વર્ષમાં હટી જાય અબજો રૂપિયા જમીનની સટ્ટાખોરીમાં રોકતો માણસ જો દસ ઝુંપડાવાસીને નાનકડું ઘર બાંધી આપવાની પ્રતિજ્ઞાા લે તો પણ એની મૂડી ખલાસ થવાની નથી, પણ દેશની ગરીબી જરૂર ઓછી થશે. આપણે ભાષણોમાં દયા અને કરૂણાનો મહિમા કરતાં થાકતા નથી, પણ જીવનમાં એનો અમલ બિલકુલ કરતા નથી એવો અમલ થતો હોત તો આ દેશમાં આટલી દારૂણ ગરીબી અને બેહાલી હોય ખરા?
આપણી ખરી સમસ્યા જ ખોટો પૈસો કમાવાની ઘેલછાની છે. આ એક ઘેલછાએ બધા મૂલ્યોનો ભંગાર કરી નાખ્યો છે. વેપારી હોય, કર્મચારી હોય કે ડોકટર કે વકીલ હોય, બધાને નીતિનિયમો તોડીને ધન એકઠું કરી લેવું છે. પછી, ખોટા બચાવ માટે દલીલો શરૂ થાય પણ એમાં અંદરની પ્રતીતિ હોતી નથી.
પંજાબ એન્જિનિયરીંગ કોલેજમાં એક અધ્યાપકે નોકરીમાંથી રાજીનામું આપ્યું પણ, એમનું પ્રોવિડન્ટ ફંડ મેળવતાં મુશ્કેલી પડવા માંડી, એમણે સંબંધિત કલાર્કને ૫૦૦ રૂપિયાની લાંચ આપી અને એમનું પી.એફ. એમને મળી ગયું. દિલ્હીમાં એક ભાઈ ખોટા રસ્તે વાહન હંકારીને જતા હતા. પોલીસે રોકયા, એટલે એમણે ૫૦ રૂપિયા આીપને છુટકારો કર્યો.