For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સફળતા માટે પ્રચંડ પુરુષાર્થ જરૂરી

Updated: Jul 17th, 2021


- વિચાર વિહાર- યાસીન દલાલ

- લિંકન હોય, માર્કસ હોય કે આલ્ફ્રેડ નોબેલ હોય કે પછી સ્ટીવ જોબ્સ હોય, આ બધાં જ લોકો દારૂણ ગરીબીમાંથી આગળ આવ્યા છે.

૫૬ વરસના ટૂંકા આયુષ્યમાં અનેક જીંદગી જીવી જનાર સ્ટીવ જોબ્સનું જીવન તીવ્ર ઉતાર ચડાવ અને સફળતા અને નિષ્ફળતાના નાટકીય વળાંકોથી એમની હયાતીમાં જ એ દંતકથા બની ગયા હતાં. સ્ટીવ જોબ્સ લગ્ન બ્રાહ્ય સંબંધોનું સંતાન હોવાથી તેને દત્તક આપી દેવાનું નક્કી કર્યું. પોલ અને કાર્લાએ સ્ટીવને દત્તક લઈને એને જોબ્સ અટક આપી. ૧૯૬૯માં સ્ટીફન ફોર્જનિયાક સાથેનો એનો ભેટો એક વળાંક બની ગયો. એ વખતે એમની ઉંમર ૧૨ વરસની અને હોઝની ૧૯ વરસની. આ બંનેના મિલનથી જગતભરમાં કોમ્પ્યુટર અને કોમ્યુનિકેશનની દુનિયામાં ક્રાંતિ લાવનાર એપલ કંપનીના મૂળ નંખાયા.

૧૯૭૪માં વિડીયો ગેમ્સ બનાવતી કંપની અટારિમાં એણે નોકરી લીધી. અટારિનો માલિક જોબ્સ માટે આદર્શ બની ગયો. એણે જોબ્સને એપલ શરૂ કરવાની પ્રેરણા આપી. પર્સનલ કોમ્પ્યુટીંગમાં એપલ એક સીમાચિંહ્ન બની ગયું. ૩૦ વરસની ઉંમરે એ કરોડપતિ બની ગયો. 'ટાઈમ'ના મુખપુષ્ઠ ઉપર એને સ્થાન મળ્યું. આઈપોડ, આઈપેડ, આઈટયુન્સ અને સાક્લાઉડ જેવી સેવાઓ ાપીને ૨૧મી સદીના પહેલા કાયદાનું સુકાન તેણે પોતાના હાથમાં લીધું. છેલ્લા થોડા વરસ કેન્સરથી પીડાયા અને સિતારો બુલંદીને હતો ત્યારે નિવૃત્તિ લીધી. 

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વિશ્વના મહાન નેતા અબ્રાહ્મ લિંકનનો જન્મ ૧૮૦૯ માં એક તદ્ન ગરીબ કુટુંબની ઝૂંપડીમાં થયો હતો. એમના પિતા એક મામૂલી ખેડૂત હતાં. વારંવાર જીવનનિર્વાહ માટે એમને ગામ બદલવું પડતું. એમનો ખોરાક તદ્ન સદો હતો. એમના ઘર પાસેથી અવારનવાર ગુલામોનું ટોળુ પસાર થતું. આ ગુલામોના હાથ પાછળથી બાંધેલા હતાં. લિકંનની ઉંંમર સાત વરસની થઈ ત્યારે એમનું કુટુંબ રોજીરોટીની તલાશમાં ઈન્ડિયાનામાં આવ્યું. એમણે નદીકાંઠે લાકડાની એક કેબિન બનાવી. ધીમેધીમે જમીનનો એક ટુકડો સરકાર તરફથી એમને મળ્યો.

૧૭ વરસની ઉંમરે અબ્રાહ્મને નોકરીમાં જોડાવું પડયું. પગાર રોજનો માત્ર ૩૭ સેંટ હતો. ૧૮૩૦માં એમનું કુટુંબ ફરીથી હિજરત કરીને ઈલિનોઈસ આવ્યું. ૧૮૩૨ માં એમણે રાજકારણમાં જોડાવાનો નિર્ણય લીધો. વિધાનસભાની ચૂંટણી એમણે લડી પણ હારી ગયા. ૧૮૩૪માં એમણએ ફરીથી ચૂંટણી લડી અને જીત્યા પણ ખરા એજ અરસામાં એક યુવતી સાથે એમણે લગ્ન પણ કર્યા. વિધાનસભામાં ચૂંટાઈને એમણે ગુલામીની પ્રથા નાબૂદ કરતો ઠરાવ મૂકયો.

પણ એ ઠરાવ નામંજૂર થયો. દરમિયાન એક સારા વક્તા તરીકે એ ખ્યાતનામ બની ચૂકયા હતાં. એક વકીલ તરીકે પણ એમણે ખૂબ નામના મેળવી હતી. એમનો દેખાવ બિલકુલ આકર્ષક નહોતો. મિત્રોએ એમને દાઢી વધારવાની સલાહ આપી જે એમણે તરત સ્વીકારી પણ લીધી. ૧૮૬૦માં રિપલ્બિકન પાર્ટીએ એમને પ્રમુખ પદ માટે ઊભા રાખ્યા. દરમિયાન અમેરિકામાં ઉત્તર અને દક્ષિણ વચ્ચે આંતરવિગ્રહ શરૂ થઈ ચૂકયો હતો. લિંકન ૬ નવેમ્બર, ૧૮૬૦ના રોજ પ્રમુખપદની ચૂંટણી જીતી ગયા. અમેરિકાના કેટલાંક રાજયોએ અમેરિકાની સાથે રહેવાનો નિર્ણય કર્યો, તો બીજા કેટલાક છૂટા પણ પડી ગયાં. લિંકન ફરીથી ચૂંટાઈ આવ્યા.  આંતરયુધ્ધ સમાપ્ત પણ થઈ ગયું.

એમણે યુધ્ધમાં પકડાયેલા કેદીઓને છોડી મુકવાનો હુકમ કર્યો અને આમ એક મહાન નેતા તરીકે ઈતિહાસમાં એમનું નામ અમર થઈ ગયું. ફરીથી ચૂંટાયા એના છ અઠવાડિયામાં જ એમની કરુણ હત્યા થઈ ગઈ. અમેરિકા અને વિશ્વના ઈતિહાસમાં એક મહાન મુત્સદ્દી નેતા તરીકે એમને આજે યાદ કરવામાં આવે છે. એમણે ઔપચારિક શિક્ષણ લીધું નહોતું, આપબળે જ એ મહાન વક્તા બન્યા હતાં એમની હ િંમત અને ધીરજ પણ અદ્ભુત હતી એમના મૃત્યુ પછી એમના પ્રત્યે સહાનુભૂતિનું પ્રચંડ મોજું ફરી વળ્યું. ઉત્તર અને દક્ષિણ અમેરિકાની પ્રજા વચ્ચે થોડી ઘણી કડવાશ હતી એ પણ ભૂલાઈ ગઈ.

વિના વિચારોની દ્રષ્ટિએ બે છાવણીઓમાં સ્પષ્ટ રીતે વહેંચી દેવાની વિચારધારા આપનાર મહામાનવનું નામ હતું 'કાર્લ માર્કસ' એમણે વર્ષો સુધી જર્મનીમાં આવેલા હાઈડવર્ગના પુસ્તકાલયમાં બેસીને દુનિયાભરની ફિલસૂફીઓનો અભ્યાસ કર્યો હતો. માર્કસનો જન્મ ૧૮૦૮માં જર્મનીમાં રાહીનલેન્ડ ખાતે થયો હતો. ૧૮૩૫માં બોન યુનિવર્સિટીમાં દાખલ થયા હતાં. એમણે પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું. પત્રકાર તરીકે એ સરકાર વિરોધી ઉગ્ર ટીકા કરતા હતાં. પરિણામે એમના અખબાર ઉપર સેન્સરશીપ લાદવામાં આવી હતી. એનાથી અકળાઈને એમણે દેશ છોડવાનો નિર્મય લીધો હતો.

૧૮૪૩માં પેરિસ જતા રહ્યા હતાં. ત્યાંથી ૧૮૪૭માં એ લંડન ખાતે સ્થાયી થયા હતાં. લંડનમાં જ રહીને એમણે સામ્યવાદનો ઢંઢેરો બહાર પાડયો હતો. અહીં એંજેલ્સ સાથે એમણે મૈત્રી થઈ હતી. એંજલ્સ સાથે દિવસો સુધી સામ્યવાદ અંગે એમણે લાંબી ચર્ચાઓ કરી હતી. ૧૮૪૮માં ફ્રાંસમાં બળવો ફાટી નિકળ્યો ત્યારે એ બેલ્જિયમમાં હતાં. ત્યાં એમની ધરપકડ કરીને એમને લંડન મોકલી દેવામાં આવ્યા. ૧૮૬૭માં એમણે 'દ કેપિટલ' ના ત્રણ ભાગ લખ્યા. આ પુસ્તકમાં એમણે સામ્યવાદની વિસતૃત ચર્ચા કરી છે. માર્કસને ખાતરી થઈ કે માનવ જાતનાં બધા દુઃખોનું મૂળ મૂડી છે. જયાં સુધી માણસને પેટભર ખાવાનું ન મળે ત્યાં સુધી બધું જ નકામું છે.

એમણે એમ પણ કહ્યું કે, કોઈપણ કારખાનાનું ઉત્પાદ એના શ્રમજીવીઓની મદદથી થાય છે. આ શ્રમજીવીઓને એમન મહેનતનો બદલો મળવો જ જોઈએ. તો જ માલિક મજૂર વચ્ચેના સંબંધો સારા રહી શકે. ૫૬ વરસની ઉંમરે એમનું આરોગ્ય કથળી ગયું. એમને લિવરની બીમારી થઈ ગઈ, એમની પત્નીનું કેન્સરમાં અવસાન થતાં એ નૈતિક રીતે ભાંગી પડી. ૧૮૮૩ માં એમની મોટી દીકરી પણ મરી ગઈ. એમને વધુ એક આઘાત લાગ્યો, એ લંડન પાછા ફર્યા. ૧૮૮૩ માં જ  ૭૭ વરસની ઉંમરે એમનું અવસાન થયું. પણ એમનો સામ્યવાદ વરસો સુધી અર્ધી દુનિયામાં ગાજતો રહ્યો. 

ડાયનેમાઈટના શોધક આલ્ફ્રેડ નોબેલનું જીવન અત્યંત વિરોધાભાસોથી ભરેલું છે. વિનાશક શાસ્ત્રોની શોધ કરનાર માણસ જ મરતાં પહેલા એમની અબજો રૂપિયાની મિલ્કત વિશ્વ શાંતિ માટે દાનમાં આપી જાય એ ઘટના જ વિરલ અને નવાઈજનક છે. આલ્ફ્રેડ નોબેલનો જન્મ સ્ટોકોહમમાં ૧૮૩૩માં થયો હતો. એમનું કુટુંબ ત્યારે સાવ સાધારણ સ્થિતિનું હતું. એમને પિતાએ દેવાળું કાઢયું હતું. આ પછી એ કમવા માટે ફીન્ડલેન્ડ જતાં રહ્યા હતાં.

ચાર વરસ પછી એમણે સુરંગની શોધ કરી હતી. આ શોધ ખાણો માટે ખુબ ઉપયોગી હતી. રશિયાના રાજા  ઝારે આ વાત સાંભળીને એને એમને રશિયા બોલાવી લીધા ત્યાં તેમણે સુરંગનું કારખાનું સ્થાપવામાં મદદ કરી. એમને ત્રણ પુત્રો હતાં. જેમાં આલ્ફ્રેડ સૌથી વધુ અણગમતો હતો. ઝાર તરફથી એમને એમની સેવાઓ બદલ ચંદ્રક મળ્યો. એવામાં યુરોપના એક દેશમાં યુધ્ધ ફાટી નીકળ્યું અને નોબેલ કુટુંબને શસ્ત્રો બનાવવાનો મોટો ઓર્ડર મળ્યો. અચાનક એમનાં કારકાનામાં મોટી આગ લાગી અને કારખાનું એમાં ન્ષ્ટ થઈ ગયું. આ પછી નોબેલ કુટુંબ સ્ટોકહોમ પાછુ ફર્યું. આલ્ફ્રેડે સુરંગ બનાવવાના પ્રયોગો ચાલુ રાખ્યા. એણે નાઈટ્રોગ્સરીન નામનું નવું જ ઉત્પાદન તૈયાર કર્યું.

આ ઉત્પાદનની વિશેષતા એ હતી કે, નાના પ્રમાણમાં કોઈ સ્ફોટક પદાર્થ ફોડવામાં આવે તો એને પગલે બીજા સંખ્યાબંધ ધડાકા થઈ શકે છે. આમાંથી જ એણે સંખ્યા બંધ શોધખોળો કરી અને એક મોટું કારખાનું સ્થાપ્યું. એક દિવસ આ કારખાનામાં અચાનક એક ધડાકો થયો, જેમાં ચાર માણસો માર્યા ગયા. આમાં એના નાના ભાઈનો પણ સમાવેશ થતો હતો. પણ આથી આલ્ફ્રેડ બિલકુલ ગભરાયો નહીં અને એણે પ્રયોગો ચાલુ જ રાખ્યા. 

પણ ધક્કાથી એના મનમાં પસ્તાવાનું બીજ રોપાઈ ગયું. દરમિયાન એને એના ઉત્પાદનની પેટન્ટ મળી ગઈ હતી. નોબેલ કુટુંબે આ દરમિયાન લાકડા ઉપરના પ્રયોગોથી પ્લાયવુડની શોધ પણ કરી દરમિયાન વિદેશ પ્રવાસ કરતાં કરતાં એને જાણવા મળ્યું કે એના ઉત્પાદનતી લોકો ખૂબ ગભરાઈ ગયા હતાં. દરમિયાન એણે એના ઉત્પાદનને ડાઈનેમાઈટ એવાર્ડ પણ મળ્યો. એ ખૂબ સમૃધ્ધ પણ બન્યું. બારથા નામની એની મિત્ર એને વરસોથી જાણતી હતી પણ એણે આર્થર નામના મિત્ર સાથે લગ્ન કરી લીધાં. વરસો પછી બારથા અને આર્થર એને ફરી મળ્યાં. ત્યાં સુધીમં બારથા વિશવશાંતિ માટે કામ કરતી થઈ ગઈ હતી. બારથા આલ્ફ્રેડને મળી ત્યારે કલાકો બંને વચ્ચે શાંતિની ચર્ચા થતી રહી અને એમાંથી જ નોબેલ પ્રાઈઝનો જન્મ થયો. આલ્ફ્રેડ ત્યાં સુધીમાં અબજો રૂપિયા કમાઈ ચુકયો હતો. આ બધી સંપત્તિ ટ્રસ્ટ બનાવીને એને સોંપી દીધી.

આ સંપત્તિના પાંચ ભાગ પાડવામાં આવ્યા. સંપત્તિના વ્યાજમાંથી દર વરસે સાહિત્ય, શાંતિ, ફિઝિક્સ એમ જુદા જુદા વિષયો માટે ઈનામો જાહેર કરાયાં આલ્ફ્રેડના મૃત્યુ પછી વહીવટી કારણોસર ૫ વરસ સુધી કોઈ ઈનામ જાહેર થઈ શક્યું નહીં. એ પછી નિયમીત દર વરસે ઈનામો જાહેર થતાં રહ્યાં છે. એકવાર શાંતિ માટેનું ઈનામ મારથાને પણ મળ્યું હતું. કેટલીકવાર ઈનામોની બાબતમાં વિવાદ પણ થતો રહ્યો છે. ઓસિસ્કી નામના એક જર્મનને શાંતિ માટેનું ઈનામ જાહેર થયું ત્યારે નાજીઓએ એની સાથે ઉગ્ર વાંધો લીધો. પરિણામે એ ઈનામ લેવા કોઈ આવ્યું નહીં. નાઝીઓના જુલ્મથી ઓસિસ્કીનું અવસાન થયું.

ટૂંકમાં, દરેક મહાપુરૂષોના જીવન પાછળ પ્રચંડ પુરૂષાર્થની એક કથા છુપાયેલી હોય છે. આ બધા મહાપુરૂષોએ ૧૯મી અને ૨૦મી સદીમાં વિશ્વભરમાં પ્રચંડ પ્રભાવ પાથર્યો છે. એમની આ કથા જાણીએ તો દરેકને જીવનમાં આગળ આવવાની પ્રેરણા મળે લિંકન હોય, માર્કસ હોય કે આલ્ફ્રેડ નોબેલ હોય કે પછી સ્ટીવ જોબ્સ હોય, આ બધાં જ લોકો દારૂણ ગરીબીમાંથી આગળ આવ્યા છે. એમને એક સૂત્રને બાંધનાર એક જ તત્વ છે અને એ તત્વનું નામ છે પુરૂષાર્થ અને મહેનત.

Gujarat