app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

અવનવી શોધખોળોથી જીવન આસાન કરનાર મહાનુભાવો

Updated: Aug 14th, 2021


- વિચાર વિહાર-યાસીન દલાલ

- જ્ઞાનની અને શોધખોળની પ્રક્રિયાની કોઇ સીમા રેખા હોતી નથી. જે પ્રશ્નો આજે અનુત્તર છે

જે એકવીસમી સદીના ગુણગાન ગાતા આપણે થાકતા નથી અને દિનરાત વૈજ્ઞાનિક શોધખોળો વડે શક્ય એટલા આધુનિક યંત્રો અને ઉપકરણો વડે ભૌતિક સુખસગવડો માંગીએ છીએ, એનો પાયો છેક અઢારમી સદીમાં અને વિજ્ઞાનની બાબતમાં પંદરમી સદીમાં મંડાયો હતો. આજે આપણે માધ્યમોની જે ચળકાટભરી દુનિયામાં વિશ્વભરના ટેલિવીઝન કાર્યક્રમો માણીએ છીએ, અને મનગમતી ફિલ્મોનો આનંદ લઈએ છીએ, અને સોફામાં બેઠાબેઠા રીમોટ કંટ્રોલ વડે બટન દાબીને ચેનલો બદલીએ છીએ અને એરકન્ડીશન્ડ કમરામાં બેસીને વિશ્વના કોઈપણ ભાગમાં ઉપગ્રહની મદદથી વાત કરી શકીએ છીએ એ બધી શોધખોળો રાતોરાત કોઈ ચમત્કારથી થઈ નથી પણ સદીઓની મહેનત અને એમાં પણ જાતે ખુવારી વહોરીને દુનિયાને સુખી કરવાની મરજીવા જેવી શહાદત ભાવના કામ કરી ગઈ છે. આપણે જે શોધખોળની આંટીઘૂંટી પણ પૂરી સમજી શકતા નથી, એ શોધ કરવામાં એમને કેવું દિમાગ ચલાવ્યું હશે અને કેટલી મહેનત કરી હશે, એ વિચારવાની આજના ઝડપના યુગમાં આપણને કયાં ફુરસદ છે? એ વિરાટ પ્રતિભાઓ, એ મહાન કલાકારો, વૈજ્ઞાનિકો કોણ હતા? કોઈ બહારના ગ્રહના માણસો હતા?

આજે માહિતીનાં વિસ્ફોટના યુગમાં આપણે જીવીએ છીએ પણ એની શોધ કરનાર મહાનજીવો સાથે વાત કરી શકતા નથી, કે એમને ધન્વયવાદ આપી શકતા નથી ૫૫૦ વર્ષ પહેલા જર્મનીના મેન્ઝ શહરમાં જહોન ગુટેનબર્ગ નામની એક માથાં ફરેલ ખોપરીએ ટાઈપની શોધ ન કરી હોત તો. આજે માહિતી અને માધ્યમોની એક પ્રચંડ પ્રગતિ શક્ય બની ન હોત. માધ્યમોની વિકાસ યાત્રાના પાયાના પથ્થર જેવા ગુટેનબર્ગે કઈ રીતે આ શોધ કરી? એ તો એક મામુલી સોની હતો, એણે એક સરખા અક્ષર પાડવા માટે સતત મથામણ કરી. પહેલાં પોલાદનો ઉપયોગ કર્યો અને લાકડાની મદદથી અક્ષરો કોતરવા માંડયા માટીનો ઉપયોગ કર્યો અને એમાં અક્ષરને કોતરીને આજુબાજુ ગરમ સીસું રેડયું.

આ રીતે પડેલા અક્ષરનો વારંવાર ઉપયોગ થઈ શકે અને એનાથી બીબાઢાળ અક્ષરો પડી શકે. એ આકારોનો એક જ પંક્તિમાં ગોઠવો અને વાક્યો બનાવો એના પર શાહી રેડો અને કાગળ પર ઉતારો. આ શોધ એણે કરી બાઈબલ છાપવા માટે પણ લોકોએ આ પધ્ધતિથી છાપેલું બાઈબલ જોઈને કહ્યું, 'આ તો એક સરખું બીબાઢાળ ડુપ્લીકેટ બાઈબલ છે! આ તો જોવાની મઝા આવતી નથી.' આમ એક મહાન શોધનું મહત્વ ત્યારે લોકો પીછાણી શક્યા જ નહીં.

ગુટેનબર્ગનું બહુમાન થયું કે એને આ શોધ માટે આર્થિક મદદ મળવી તો રહી પણ આ શોધ કરવામાં એ ખુંવાર બરબાદ થઈ ગયો. એ ભારે કરજમાં ડૂબી ગયો. એક વકીલ પાસેથી એણે નાણાં ઊછીના લીધેલા અને એની આ શોધની મદદથી પ્રથમ બાઈબલ છપાતું હતું ત્યાં જ વકીલે નાણાં પાછા માંગ્યા! અને ગુટેનબર્ગ પૈસા આપી ન શક્યો એટલે એના ઉપર કોર્ટમાં કેસ થયો એની દુકાન જતી રહી એનું પ્રેસ જપ્ત થયું અને બાઈબલની છાપેલી ૨૦૦ નકલો પણ અદાલતે લઈ લીધી! ગુટેનબર્ગ બરબાદ થઈ ગયો. ૧૦ વર્ષ દારૂણ ગરીબીમાં ગાળીને એ મરી ગયો. એને કોઈએ પૈસો ન આપ્યો, ન એની શોધ બદલ એની કોઈકદર કરી! આથી ઉલટું એણે છાપેલી બાઈબલની નકલોને 'સસ્તી નકલ' કહીને વખોડી કાઢી! આજે એણે છાપેલી 'બાઈબલ' ને દુનિયા અત્યંત કલાત્મક મુદ્રણના નમુના તરીકે પ્રશંસે છે!

માર્કોનીનું નામ દુનિયામાં રેડિયો મોજાના પ્રસારણ માટે પ્રખ્યાત છે. ઈટાલીના એક નાનકડા ગામમાં એણે આ માટે વર્ષો સુધી વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા હતાં. પણ ઈટાલીની પ્રજા અને સરકારએ કશું જ ભયંકર શોધી રહ્યો છે એમ માનીને એને પરેશાન કરી રહી હતી. એ ઈટાલી છોડીને ઈંગ્લેન્ડ ગયો પણ સરહદ પર સરકારી માણસોને એનો સામાન તપાસ્યો અને એના બધા સાધનો તોડીફોડી નાંખ્યા  તૂટેલા યંત્ર? અને તૂટેલા દિલ સાથે એ ઈંગ્લેન્ડ આવ્યો અને એ ભંગારમાંથી એક ક્રાંતિકારી શોધની ભેટ આપી ૧૯૦૧માં ન્યુ ફાઉન્ડેલેન્ડમાંતી એટલાંટિક સમુદ્ર ઉપર વિશ્વનો પહેલો વાયરલેસ સંદેશો પ્રસારિત કર્યો. 

પશ્ચિમી કલાસિકલ સંગીતની દુનિયાનું એક અમર નામ છે, મોઝાર્ટ, બે સદી પહેલાં મોઝાર્ટનું અવસાન થયું. વિયેનાના એક ખ્યાતનામ સંગીત વિવેચક કહે છે. 'જો વોલ્ફગાંગ આમાદુસ મોઝાટેનું મૃત્યું ૨૦૦ વર્ષ પહેલાં ન થયું હોત અને આજે પણ એ જીવતા હોત તો આજની દુનિયા તો એમને પરેશાન જ કરીને એમની સંગીત પ્રતિભાને ખતમ કરી નાખતા.' આ વાક્યમાં આજના સાંસ્કૃતિક અધઃપતનના જમાના ઉપર એક તીખો કટાક્ષ છે અને સંગીતની દુનિયામાં જે વ્યાપારીકરણ પ્રવેશી ગયું છે.

૧૭૯૨માં મોઝાર્ટનું અવસાન થયું એના છ વર્ષ પચી વિયેનામાના ડેન્માર્કના એલચી જયોર્જ નિકોલસ વોક નિસાન મોઝાર્ટની વિધવા કોન્રનાન્ઝને મળે છે. એને મોઝાર્ટનું ચરિત લખવું હતું. એણે મોઝાર્ટના જીવનની બધી જ માહિતી એકત્ર કરી અને એમાં એને મોઝાર્ટની સંગીત પ્રતિભાનું એક જબરદસ્ત કારણ મળી ગયું.

એણે 'મેડિકલ રેકર્ડ' તપાસ્યું અને એમાંથી એને મોઝાર્ટના ખાસ પ્રકારના 'કાન'ની વિગત મળી આવી. એણે પોતાના ચરિતમાં નોંધ્યું છે. 'આમ તો મોઝાર્ટનો ચહેરો એના પિતાને મળતો આવતો હતો, પણ એના કાન ખાસ પ્રકારના હતા. એનો આકાર વિશિષ્ટ હતો. સામાન્ય માણસના કાનથી એ આકાર તદ્ન જુદો હતો. મોઝાર્ટના એક દીકરાને પણ આ કાન વારસામાં મળ્યા છે.'

આ પ્રતિભાઓએ આપણને સૌને વધુ સુખી બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત મહેનત કરી, જીવનના બધાં આનંદો ભુલાવી દીધા, અને ઘરવખરી વેચીને પોતાની પ્રયોગશાળામાં પૂરાઈ રહ્યાં અને આટલી શોધખોળ પછી માણસ તો એના ઉપયોગ વડે જીવનને વધુ સમૃધ્ધ બનાવવાને બદલે વધુ વિનાશકારી વધુ ઘોંઘાટ ભર્યું, વધુ પ્રદૂષણયુક્ત જ બનાવે છે! આવું જુએ છે ત્યારે એ કલાકારોને, એ વૈજ્ઞાનિકોને આઘાત લાગે છે. એ આઘાતની અવસ્થામાં કાં એ કુદરતી મૃત્યુને ભેટે છે અને કાં આપઘાતના માર્ગે જાય છે. 

બીજા વિશ્વયુધ્ધનો વિનાશ જોઈને કંઈ કેટલાય કલાકારો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, નિરાશા અને વિકળતાના માહોલમાં ખતમ થઈ ગયા આવા  એક કલાકારનું નામ હતું સ્ટીફન ઝવાઇંગ - ૧૯૪૨માં એણે પોતાની પ્રથમ પત્ની ફેડરિકને એક લખ્યો, ''આ પત્ર તને મળશે, ત્યાં સુધીમાં હું અગાઉ કરતાં વધુ સારી અવસ્થામાં હોઇશ.'' આ પત્ર ફેડરિકને મળ્યો, ત્યારે ઝવાઇંગ મૃત્યુ પામી ચુક્યો હતો. બાજુમાં જ એની બીજી પત્ની લોટેનો મૃતદેહ પડયો હતો.

એણે પણ પતિની સાથે જ ઝેર ખાઇ લીધું હતું. મરતા પહેલા ઝવાઇંગે કેટલાક પત્રો તૈયાર કર્યા હતા, જેમાં યુધ્ધ દરમિયાન એ યુરોપના અનેક દેશોમાં રઝળતો રહ્યો. એ વખતે એને આશ્રય આપનાર બધાનો એણે આભાર માન્યો હતો. એણે લખ્યું હતું. ''મારા બધધા મિત્રો લાંબી અંધારી રાત્રિ પછી દિવસનો પ્રકાશ જોઇ શકે એવી શુભેચ્છા.''

એક નવી શોધ થાય છે અને આપણે અંજાઇ જઇએ છીએ. એક નવી વિચારસરણી પ્રગટે છે, અને આપણે ખુશ ખુશ થઇ જઇએ છીએ. હર્ષના આવેશમાં આવી જઇએ છીએ. આપણને થાય છે, બસ હવે જ્ઞાનની અને પ્રતિભાની સીમા આવી ગઇ. આનાથી આગળ હવે શું હશે?  પણ, જ્ઞાનની અને શોધખોળની પ્રક્રિયાની કોઇ સીમા રેખા હોતી નથી.

જે પ્રશ્નો આજે અનુત્તર છે. એનો આવતીકાલે જવાબ મળી જાય છે. જ્ઞાનમાં અને શોધમાં કશું છેલ્લું અને કહું અદ્યતન નથી. મુઠ્ઠીભર વિરાટ પ્રતિભાઓ દિમાગને તકલીફ આવે છે, અને અબજો મનુષ્યો એ વિરાટની વિશિષ્ટ સિધ્ધિનો ઉપયોગ અને ઉપભોગ કરીને સુખ માણે છે, સગવડ ભોગવે છે. આ થોડા અસામાન્ય માનવો ન હોત તો, આપણે કરોડો સમાન્ય માણસો હજી ભુતકાળના અંધકાર યુગમાં સબડતા હોત.

આ બધી વિરાટ પ્રતિભાઓની સિધ્ધિઓનો સરવાળો એટલે આજનું આપણું મીની સગવડવાળું જીવન, આપણે સતત જીવન અસાર છે, સંસાર માયા છે, ઇચ્છા તો દુઃખની મા છે, જેવા સુત્રોનું રટણ કરીએ છીએ, અને થોડી માથા ફરેલી પ્રતિભાઓ  આ સૂત્ર બાજુથી કંટાઇને, થોડી સ્વતંત્ર બુધ્ધિ ચલાવે છે, એ લોકો થોડા પ્રશ્નો કરે છે, થોડી શંકા કરે છે અને એ શંકામાંથી એક અદ્ભુત શોધ જન્મ લે છે. આ બધા વિરાટો જો શ્રધ્ધા અને આસ્થાના ઘોંઘાટમાં સપડાઇ ગયા હોત તો આપણી જેમ વામન જ રહેત.

Gujarat