For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહાસત્તા બનતાં પહેલાં પાયાની સુવિધા આપો

Updated: Apr 10th, 2021


- વિચાર વિહાર- યાસીન દલાલ

- આપણા જ નાગરિકો મધ્યપૂર્વ, દક્ષિણ પૂર્વ અને સિંગાપુરમાં લાખો રૂપિયા રોકે છે. પણ ભારતમાં બહુ ઓછી રકમ રોકાય છે

થોડા સમય પહેલાં આપણા જાણીતા ટેકનોક્રેટ અને દેશની ટેલીફોનક્રાંતિના પ્રણેતા સામ પિત્રોડાએ એક ટકોર કરી હતી. એમણે કહ્યું હતું કે, પહેલા આપણે આપણી પ્રજાને પાણી, રસ્તા અને વિજળીની સુવિધા આપવી જોઈએ. આ પાયાની સુવિધાઓ વિના મહાસત્તા બનવાના સપના સેવવા એ ખોટું છે. એમની આ ટકોર સાચી છે.

૭૩ વર્ષની આઝાદી પછી દેશની પરિસ્થિતિ અત્યંત કંગાળ રહી છે. આપણને ન ગમે તેવું કરૂણ સત્ય છે. એને માટે આપણી પોતાની નબળાઈઓ જ જવાબદાર છે. કેન્દ્ર સરકારમાં ૮૦૦ રાજકારણીઓ છે અને ૩૦ રાજયોમાં ૬ હજાર રાજકારણીઓ છે. ઉપરાંત લગભગ ૨ કરોડ જેટલા સરકારી કર્મચારીઓ પણ છે. એ બધાને નિભાવવા માટે દરરોજ રૂા ૧૮૦૦ કરોડ અથવા દર વર્ષે ૬,૫૦,૦૦૦ કરોડ ખર્ચ થાય છે. બે કરોડ કર્મચારીઓ ૧૦૦ કરોડની પ્રજા ઉપર શાસન કરે છે.જે દેશમાં ઘરેલું ઉત્પાદનના ૩૦% જેવું થાય છે. 

દેશમાં આજે લગભગ ૩૦ કરોડ લોકો ગરીબીની રેખાનીચે જીવે છે. બે કરોડ લોકો સરકારી નોકરીમાં છે. ૩૨ કરોડ લોકો આ સુરક્ષિત નોકરીઓમાં લાગ્યા છે. ૩૦ કરોડ લોકો બેકાર છે. વિશ્વ બેંકની વ્યાખ્યા મુજબ વર્ષે વધુમાં વધુ ૬૫ ડોલર કમાતા હોય એવા લોકોને ગરીબ રેખા નીચે ગણવા જોઈ. આ ધોરણથી માપીએ તો ૭૫% લોકો ગરીબીની રેખાથી નીચે જીવે છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ શહેરી વિભાગમાં નાગરીકનો મહિનાનો સરેરાશ પગાર રૂા ૨૯૬/- છે. અને ગામડામાં રૂા ૨૭૬/- છે. આનો મતલબ એ થયો કે, આપણો સરેરાશ નાગરિક દરરોજના રૂા ૧૦/- માંડ કમાય છે.

આ પગારમાંથી ૨૨૦૦ કેલેરી જેટલી માંડ ખરીદી શકાય. આ આવક એકદમ ઓછી અને અપૂરતી છે. એમાંથી શિક્ષણ, આરોગ્ય, કપડા કે રહેઠાણ, કંઈ પણ ખરીદી સક્ય એમ નથી. સરકાર માપદંડ મુજબ મહિને રૂા ૧૦૦૦/- થી ૧૨૦૦/- મળવા જોઈએ પણ નાગરિકની સરેરાશ માથાદીઠ આવક એનાથી ઘણી ઓછી છે.

૧૦૦૦ વર્ષ પહેલાં ભારત અને ચીન ઉપરાંત બીજા દેશોમાં વિશ્વ વહેંચાયેલું હતું અને આ ત્રણેય વર્ગો વિશ્વની કમાણીમાંથી ૩૩% હિસ્સો મેળવતા હતાં પણ ૧૯૪૭ માં આપણે આઝાદ થયા ત્યારે ૩૩% હિસ્સો ઘટીને ૩% પર આવી ગયો હતો. અને આજે ૦.૬% જેટલો નીચો આવી ગયો છે. જે વિશ્વના કુલ ઉત્પાદનમાં ૧.૪% છે. વસતીના પ્રમાણમાં વિશ્વની વસ્તિનો ૧૭% ભાગ ભારતમાં રહે છે. એ જોતાં આપણું સ્થાન કયાં છે એનો ખ્યાલ આવી જશે. વિશ્વના વ્યાપમાં ૯૯.૫% ભાગ ભારતની બહાર ઢસડાઈ જાય છે. આનો મતલબ એ થયો કે આવતા ૨૦ વર્ષમાં આપણે આપણી નિકાસ ૧૦ ગણી વધારવી પડે. 

આપણી પડોશમાં રહેલું ચીન આપણા કરતાં પણ મોટુ ંછે. એની સાથે સરખામણી કરવાથી ચિત્ર સ્પષ્ટ થશે. વિશ્વ બેંકના જણાવ્યા મુજબ ભારતની માથાદીઠ આવક ૪૪૦ ડોલર છે. ત્યાં ચીનની આવક એનાથી બમણી એટલે કે ૮૦૦ ડોલર છે. વિશ્વ બેંકની વ્યાખ્યા મુજબ વ્યક્તિદીઠ દરરોજનો ૧ ડોલર ગરીબીની રેખા માટે ગણવો જોઈએ આ માપદંડથી ચીનમાં માત્ર ૩% વસતી ગરીબીની રેખાની નીચે જીવે છે અને ભારતમાં ૩૦થી ૪૦% વસતી ગરીબીની રેખાની નીચે જીવે છે.

અર્થતંત્રની વાત કરીએ તો ચીન આપણાં કરતાં ૩૦% ભાગ ખેતીમાં રોકાયેલો હોવા છતાં આપણું કૃષિ ઉત્પાદન વિશ્વના બીજા દેશો કરતાં ઘણું જ ઓછું છે. ચીનમાં ખેતી લાયક જમીન આપણા કરતાં ઓછી હોવા છતાં એનું ઉત્પાદન બમણું છે. આપણા દેશમાં જંગી નદીઓ અને તળાવો હોવા છતાં આ સ્થિતિ છે. જો પૂરતું ધ્યાન આપીએ તો ભારત કૃષિ ઉત્પાદનમાં પહેલો નંબરે આવી શકે.

શિક્ષણની વાત કરીએ તો ચીનમાં ૯૯% બાળકો નવ વર્ષ માટે શાળા ેજાય મતલબ ત્યાં સાક્ષારતાનો દર લગભગ ૧૦૦% જેવો છે. ત્યારે આપણે ત્યાં એ દર માંડ ૫૦-૬૦% છે. ચીનનું પોલાદનું ઉત્પાદન વર્ષે ૧૩ કરોડ ટન છે. આપણે ત્યાં માંડ ૯.૫ કરોડ ટન થાય છે. આપણે ત્યાં ૩ કરોડ ટન ખનિજ તેલ નીકળે છે. ત્યારે ચીનનો આંકડો ૧૬ કરોડ ટનનો છે. કોલસાની વાત કરીએ તો ભારતમાં ૩૦ કરોડ ટન કોલસચો બને છે. ત્યારે ચીનનો આંકડો ૧૩૦ કરોડ ટનનો છે. આપણે ત્યાં ૨.૭ કરોડ ટેલિફોન લાઈનો છે. ત્યારે ચીનમાં ૨૪ કરોડ છે.

આપણા દેશમાં ૭.૫ કરોડ ટી.વી. સેટ છે. ત્યારે ચીનમાં ૪૦ કરોડ ટી.વી.સેટ છે. આપણી નિકાસ ૪ અબજ ડોલરની છે. ત્યારે ચીનની નિકાસ ૨૬ અબજની છે. આપણા દેશમાં દર વર્ષે ૨૫ લાખ પ્રવાસીઓ આવે છે. ત્યારે ચીનમાં એ આંકડો ૬ કરોડનો આંકડો છે. આપણા દેશમાં ૪૮ અબજ રુપિયાની વિદેશી થાપણો છે. જયારે ચીનમાં એ આંકડો ૩૧૨ અબજનો છે. ચીનની વસતી દર વર્ષે ૧ કરોડ જેટલી વધે છે. આપણા દેશમાં ૨ કરોડ વધે છે. આપણી માથાદીઠ આવક ૪૪૦ ડોલરનાં છે. જયારે ચીનનો આંકડો ૯૯૦ ડોલરનો છે. ભારતમાં એક કુટુંબનાં સભ્યની સંખ્યા ૯.૫૨ ની છે. ત્યારે ચીનમાં એ જ સંખ્યા ૩.૬૩ની છે. 

આ આંકડાઓ બતાવે છે કે વિશ્વનાં અર્થતંત્રમાં આપણું સ્થાન કયાં છે ચીનની કક્ષામાં આવવા માટે આપણને ૧૦૦ વર્ષ લાગે એમ છે. અમેરિકાની માથાદીઠ આવક ૩૨૦૦૦ ડોલરની છે. એટલી અમેરિકાની સમકક્ષ બનવા માટે હજારો વર્ષ લાગી જાય. ચીનમાં દર વર્ષે આપણા કરતા ૩૦% વધુ પ્રવાસીઓ આવે છે. ભારત કરતાં ચીનમાં ૬૦ ગણા વધુ પ્રવાસીઓ આવે છે. ચીનમાં દર વર્ષે ૪ લાખ હોટલોમાં રુમો ઉમેરાય છે.

ભારતમાં હોટલોની કુલ રુમ ક્ષમતા જ ૬ લાખની છે. આપણી વસતિ વધારાનો દર ચીન કરતાં ૩૦૦% વધુ છે. દર વર્ષે આપણેત્યાં એક ઓસ્ટ્રેલીયા જેટલી વસતિ ઉમેરાય છે. આરોગ્યની બાબતમાં પણ આપણી કામગીરી નિરાશાજનક છે. જેશમાં ૧૦,૦૦૦ સુધરાઈની હોસ્પિટલો હોવા છતાં એની ગુણવત્તા કેવી છે. એ  આપણે જાણીએ છીએ. ૩૦ ઈલેકટ્રીસીટી બોર્ડ આપણા દેશમાં છે. પણ છતાં આખા દેશમાં વિજળીની તંગી રહે છે. દિલ્હીમાં ૫૫% જેટલી વિજળી ચોરાઈ જાય છે. જયાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન કક્ષાની વ્યક્તિઓ રહેતી હોય ત્યાં આ દશા હોય તો બીજે શું થતું હશે. એની કલ્પના જ કરવી રહે.

આપણા દેશમાં વિશ્વના કોઈ દેશ કરતાં વધુ શાકભાજી ઉગે છે. જેનું પ્રમાણ ૭.૫ કરોડ ટનનું છે પણ એમાંથી ૪૦% જેટલા શાકભાજીનો નાશ થઈ જાય છે. જેની કિંમત રૂા ૫૦,૦૦૦ કરોડની થાય છે.  ભારત જેવા ગરીબ દેશમાં આ કયારેય પોસાય નહીં આપણા દેશમાં કરોડો લોકો બેકાર છે. કરોડો ખેત મજૂરોને લઘુત્તમ વેતન પણ મળતુ નથી. અનેક રાજયોમાં દરરોજ સેંકડો ખેડૂતો બેકારીમાં કારણે આપઘાત કરે છે. ત્યારે બીજી બાજુ સુરક્ષિત કર્મચારીઓ કામ ન કરે તો પણ તગડો પગાર મેળવે છે. અમેરિકા, બ્રિટન કે યુરોપના કોઈપણ દેશમાં આવી વિષમતા જોવા મળતી નથી.

આપણી કોઈપણ સરકારે વસતિ નિયંત્રણ ઉપર ગંભીરતાથી ધ્યાન આપ્યું જ નથી પરિણામે મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં લાખો લોકો ઝૂંપડામાં રહે છે. આઝાદી વખતે દેશની વસતી ૩૫-૪૦ કરોડ હતી. વધીને ૧૨૦ કરોડ થઈ ગઈ છે.એનો મતલબ એ થયો કે ગરીબોની સંખ્યા પણ વધી છે. વસતી વધે એનો વાંધો ન હય, પણ અનાજનું અને બીજી ચીજોનું ઉત્પાદન  ન વધે તો તે વસતિ બોજારુપ જ બની જાય.ખેતીલાયક જમીન ઉપર પણ બોજો વધતો જાય છે. ૧૯૬૦માં વ્યક્તિ દીઠ ૦.૨૧ હેકટર ખેતીલાયક જમીન પ્રાપ્ય હતી. ૧૯૯૯માં આંકડો ઘટીને ૦.૧૦ નો થઈ ગયો છે. એ જ રીતે પીવાના પાણીનું પ્રમાણ ઘટી રહ્યુ ંછે. ભોપાલમાં પાણી માટે હિંસક અથડામણો થઈ ગઈ. ૨૦૪૫ માં આપણી વસતી ૫૫ કરોડ જેટલી વધી ગઈ હશે ત્યારે શું થશે એની કલ્પના થઈ શક્તી નથી.

અઢી કરોડ ભારતીયો વિદેશમાં વસે છે. અને ચીનમાં વિદેશમાં વસતા નાગરીકોનું ૬૫% નું ફંડ સ્વદેશમાં આવે છે. ત્યારે આપણા દેશમાં એનું પ્રમાણ માત્ર ૧૦% છે. ચીનમાં ૩૧૨ અબજ ડોલર વિદેશી હુંડિયામણના જમા પડયા છે. જયારે આપણે ત્યાંનો આંકડો માત્ર અડતાલીસ અબજનો છે. આનો અર્થ એ થયો કે વિશ્વ કક્ષાના વહીવટને અપનાવવા સિવાય આપણે માટે કોઈ વિકલ્પ જ નથી. આપણા જ નાગરિકો મધ્યપૂર્વ, દક્ષિણ પૂર્વ અને સિંગાપુરમાં લાખો રૂપિયા રોકે છે. પણ ભારતમાં બહુ ઓછી રકમ રોકાય છે. આનું કારણ જાણવાની કોશિષ કરવી જોઈએ. ખોટ કરતા સરકારી કારખાના બંધ કરવા જોઈએ. સરકારી ઓફિસમાં કાર્યક્ષમતા લાવવી જોઈએ. નોકરશાહીના નિયંત્રણો હળવા કરવા જોઈએ. પ્રાથમિક શિક્ષણ તરફ વધુ ધ્યાન આપવું જોઈએ. શિક્ષણનો ડીગ્રી સાથેનો સંબંધ તોડવો જોઈએ.

આ બધી સમસ્યા ઉપર દેશમાં વ્યાપક વિચારણા થવી જોઈએ. અને વ્યાપક જાગૃતિ લાવવી જોઈએ.

Gujarat