For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશનું આજનું ચિત્ર નિરાશાજનક

Updated: May 8th, 2021


- વિચાર વિહાર-યાસીન દલાલ

- મોટા ભાગના નેતાઓ ભ્રષ્ટ છે, બીનકાર્યક્ષમ છે અને દીર્ઘ દ્રષ્ટિ વગરના છે

દેશના રાજકારણથી માંડી અને વિવીધ ક્ષેત્રોની વર્તમાન સ્થિતિ જોઈને લાખો સમજુ નાગરિકો સતત ચિંતા અને નિરાશા અનુભવી રહ્યા છે. રાજકારણ, અર્થકારણ, સિનેમા એમ અનેક ક્ષેત્રોમાં ચિત્ર તદ્દન નિરાશા જનક જોવા મળે છે. જયા જુઓ ત્યા મૂલ્યોનું મોટું પતન દ્રષટિગોચર થાય છે. જુની પેઢીના લોકો તો આ પરિસ્થિતિથી નિરાશ થાય જ પણ આશ્ચર્ય એ વાતનું છે કે નવી પેઢી પણ આજની પરિસ્થિતિથી સખત નારાજ છે એટલુ જ નહીં પણ એ ભારોભાર આક્રોશની લાગણી અનુભવે છે એક પ્રકારના ભ્રમનિરસનની લાગણીએ અનુભવી રહી છે. દેશની કેટલીક કોલેજના વિદ્યાર્થીઓના થયેલા સર્વેક્ષણથી આનો ખ્યાલ આવે છે. એમાંયે નેતાગીરીની બાબતમાં તો એ ભારે નિરાશ છે. એમને પૂછવામાં આવ્યુ કે, '' દેશની વર્તમાન નેતાગીરીની બાબતમાં તમને શું ખોટું જણાય છે ? '' જવાબમાં યુવાનોએ સામો પ્રશ્ન કર્યો કે, ''નેતાગીરીની બાબતમાં શુ ખોટુ નથી ? ''

દેશની આઝાદીને આજે ૭૪ વર્ષ પૂરા થઈ ગયા છે. કોઈપણ દેશ આ ઉમરમા પુખ્ત અને પરિપકવ બનવો જોઈએ. પણ આ સર્વેક્ષણના પરિણામો ઉપરથી જણાયું કે આમ થયું નથી. બલ્કે દેશ અત્યારે ત્રિભેટે આવીને ઉભો છે. આ  સર્વેક્ષણ વર્તમાન રાજકીય સમીકરણો કરતા વધુ તો લાંબા ગાળાની નેતાગીરીની જરૂરિયાત ઉપર આધારિત હતું. એમાં દેશની જુદી જુદી કોલેજોમાં ૪૦૦ વિદ્યાર્થીઓને આવરી લેવાયા હતા. આમા દિલ્હી, મુંબઈ, કલકતા અને બેંગ્લોરની કોલેજોનો સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓને એમના પ્રિય નેતાઓની યાદી આપવાનું કહેવામાં આવ્યું હતું. એમાં હાલની નેતાગીરી ઉપરાંત એ પણ પૂછવામાં આવ્યું હતું કે તમે કયા પ્રકારના નેતાઓને પસંદ કરશો ?

પરિણામો ઉપરથી જણાયું કે આજે પણ ગાંધીજી લોકપ્રિય નેતાઓમાં પ્રથમ ક્રમે આવે છે એમને મળેલા મતોની ટકાવારી ર૩% હતી જે પ્રમાણમાં ઓછી કહેવાય આશ્ચર્ય એ વાતનું છે કે વિદેશોમાં આજે પણ ગાંધીજીની લોકપ્રિયતા વધુ ને વધુ ઉંચે જઈ રહી છે ત્યારે આપણા દેશમાં એ સતત નીચે જઈ રહી છે. સદી પૂરી થઈ ત્યારે અમેરિકા અને જર્મનીમાં થયેલા  સર્વેક્ષણોમાં ગાંધીજી વિશ્વના ઉત્તમ નેતાઓના એક તરીકે ઉપસી આવ્યા હતા. પણ કમનસીબે એમના પોતાના જ વતનમાં આજે એ એટલા લોકપ્રિય નથી જેટલા હોવા જોઈએ.

ગાંધીએ દેશને આઝાદી અપાવી હતી એટલું જ નહીં પણ અસ્પૃશ્યતા નિવારણ, કોમી ભાઈચારા, ગરીબી અને બેરોજગારી ક્ષેત્રે પણ એમણે નોંધપાત્ર પ્રદાન કર્યુ હતું. એમના બધા સિધ્ધાંતો સાથે સંમત ન થઈએ તો પણ એમની પ્રમાણિકતા, સાદગી અને લોકોને ખેંચવાની કુશળતાનો તો સ્વીકાર કરવો જ પડે પણ છેલ્લાં કેટલાંક સમયથી દેશમાં કેટલાક જથ્થો તરફથી સતત એમને જુદા ચિતરવાનો પ્રયાસ થાય છે. આ પ્રચારનો ભોગ યુવા પેઢી બની હોય એમ પણ બને..

પણ આશ્ચર્યની વાત એ છે કે ગાંધી અને પછી ત્રીજો ક્રમ હિટલરનો આવે છે. એને ૧૭% યુવાનોએ પસંદ કર્યો છે. એ લોકોએ હિટલરે જે ભયાનક ત્રાસવાદનું શાસન ચલાવ્યું અને વિશ્વ યુધ્ધમાં કરોડો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા એની ચિંતા કર્યા વગર હિટલર ઉપર પસંદગી ઉતારી છે. આજના યુવાનો માને છે કે નેતાગીરીમાં આક્રમકતા અને ક્રિયાશીલતા હોવી જરૂરી છે.

એ લોકો કોઈ વિચારસણીને ગૌણ ગણે છે. અને માને છે કે રાષ્ટ્રો સત્તા એ વર્ચસ્વથી જ ટકે છે. આ પ્રશ્નાવલિમાં પસંદગીની વિશ્વનેતાગીરી અને ભારતીય નેતાગીરી એમ બન્ને વિષે પૂછવામાં આવ્યું હતું અને વિશ્વ નેતાગીરીની બાબતમાં વિદ્યાર્થીઓએ ગાંધીજી પછી હિટલર ઉપર પસંદગી ઉતારી હતી. દિલ્હી અને મુંબઈના વિદ્યાર્થીઓએ તો સર્વાનુમતે હિટલરને પસંદ કર્યા હતો અને એને મહાન દેશભકત તરીકે ઓળખાવ્યો હતો. એટલુ જ નહીં એની સિધ્ધિઓને ઉત્કૃષ્ટ ગણાવી હતી. એના બધા અપકૃત્યોને માફ કરી દીધા હતા.

એમના મત  મુજબ હિટલરમાં મહાન નેતા બનવાના બધા જ ગુણો હતા. એટલું જ નહીં પણ લોકોને બળપૂર્વક પોતાની પાછળ ચલાવવાની આવડત પણ હતી. કલકત્તા અને બેંગ્લોરમાં પણ હિટલરની પસંદગી થઈ હતી. કેમ કે એ લોકો માને છે કે હિટલરમાં આક્રમક રાષ્ટ્રવાદનું તત્વ હતું નેપોલિયનને પણ એ લોકો પસંદ કરે છે અને માને છે કે એનામાં ધ્યેય સિધ્ધ કરવાની આવડત હતી કેટલાક વિદ્યાર્થીઓએ તો હિટલરની સાથે બિસ્માર્ક અને મુસોલીનીની પણ પ્રશંસા કરી હતી કલકત્તાના વિદ્યાર્થીઓએ સુભાષબાબુને પસંદ કર્યા હતા ત્યાંની સેંટ ઝેવીયર્સ કોલેજના અનેક વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે સુભાષબાબુ જીવનના અંતિમ શ્વાસ સુધી લડી લેતા હતા. એમની જેમ જ કેટલાક લોકોએ ભગતસિંઘ ઉપર પસંદગી ઉતારી હતી અને એવું કહ્યું હતું કે દેશને આઝાદી ભગતસિંઘે જ અપાવી હતી.

યુવાનોની પસંદગીમાં ઝડપી ગતિ અને મતલબ પૈસા કમાવવાની વૃતિ મુખ્ય હતી પરિણામે એમણે બીલ ગેઈટ્સને પણ પસંદ કર્યા હતા. પસંદગીનું કારણ પૂછવામાં આવતા એમણે સ્પષ્ટ કર્યુ હતું કે બીલ ગેઈટ્સને પૈસા કેમ કમાવા એ સારી રીતે આવડે છે. કેટલાંક વિદ્યાર્થીઓએ સોનિયા ગાંધીને પણ બીલ ગેઈટ્સની હરોળમાં મૂકયા હતા. 

બીન રાજકીય વ્યકિતઓની યાદીમાં મેઘા પાટકર, બાબા આમટે અને મધર ટેરેસા મોખરે રહતા હતા. એ પછી કે.આર.નારાયણમૂર્તિ, મુકેશ અંબાણી, અઝીમ પ્રેમજી, સુબતો રોય અને એકતા કપૂર મોખરે રહ્યા હતા. આ બધામાં એમણે વહીવટી આવડતનો ગુણ જોયો હતો. એકતા કપૂરની એમણે એટલા માટે પસંદગી કરી હતી કે એને પૈસા કમાતા આવડે છે. 

દેશમાં તમે કયા પ્રકારની નેતાગીરી પસંદ કરો છો એવા પ્રશ્નોના જવાબમાં યુવાનોએ કહ્યું હતુ કે, ભ્રષ્ટ નેતાગીરીને ઘરે બેસાડી દેવી જોઈએ. એમની જગ્યાએ યુવા અને ગતિશીલ નેતાગીરી આવવી જોઈએ. એક વિદ્યાર્થીએ કહ્યું હતુ કે વ્યવહાર નીતિથી દેશ એક રહી શકયો છે ભારતમાં નેતાગીરીની ખામીઓ કઈ એવા પ્રશ્નના જવાબમાં યુવાનોએ કહ્યું હતુ કે મહાન નેતાઓ ઈતિહાસમાં ગુમ થઈ ગયા છે.

કોઈને દેશના હિતની પડી નથી. કેટલાક યુવાનો તો આ બાબતમાં ખૂબ આક્રમક હતા એ લોકોનો મુખ્ય ગુસ્સો એ હતો કે મોટા ભાગના નેતાઓ ભ્રષ્ટ છે, બીનકાર્યક્ષમ છે અને દીર્ઘ દ્રષ્ટિ વગરના છે. કેટલાંક યુવાનોએ તો ''નેતા''ને બદલે ''લેતા''શબ્દ વાપર્યો છે. રાજકારણમા અભણ લોકો અને ગુનેગાર લોકો પણ ઘુસી ગયા છે. એમનામાં કોઈ જ્ઞાાન પણ નથી. વિચારો નથી અને પ્રતિબધ્ધતા પણ નથી. 

આ લોકોએ કહ્યુ હતું કે નેતા એવો હોવો જોઈએ કે જે યુવાન હોય અને ચારિત્ર્યશીલ હોય, દેશના સંચાલનમાં એનો અભિગમ ઉદાર અને આધુનિક હોવો જોઈએ. એક વિદ્યાર્થીએ કહ્યુ હતું કે સારા નેતામાં બીનસાંપ્રાદાયિકતાનો ગુણ પણ હોવો જોઈએ. એણે કોમ, નીતિ કે ધર્મના સંકુચિત વાડામાંથી બહાર આવવું જોઈએ. એ નીડર હોવો જોઈએ.

કેટલાક લોકોએ ઈતિહાસમાંથી નેતાની પસંદગી કરવાની આવી ત્યારે અબ્રાહમ લિંકનની પસંદગી કરી હતી અને એમને મહાન નેતા તરીકે ઓળખાવ્યા હતા તો બીજા કેટલાકે નેલ્સન મંડેલાને સર્વોચ્ચ નેતાના ગુણ આપ્યા હતા. અને  એમણે એમના દેશવાસીઓ માટે જે સેવા કરી અને રંગભેદ સામે જે રીતે ઝઝુમ્યા એની પ્રશંસા કરી હતી કલકતાના વિદ્યાર્થીઓએ લેનિન અને ચેદગ્વેવારાની પસંદગી કરી હતી. એ બન્ને ડાબેરી વિચારસરણી ધરાવતા હતા. યાદીમાં કેટલાક લોકોએ અશોક અને સિકંદરનો પણ સમાવેશ કર્યો હતો.

આ સર્વેક્ષણમાં એક વાત નિર્વિવાદ છે કે જુની પેઢીની જેમ નવી પેઢી પણ હાલની નેતાગીરીથી એકદમ નિરાશ છે. કેન્દ્ર અને રાજયોમાં જયાં નજર કરો ત્યાં ભ્રષ્ટ અને વામણી નેતાગીરી નજરે પડે છે. એક સમયે આ જ દેશમાં ગાંધી, સરદાર, મૌલાના આઝાદ, લાલા લજપતરાય, ગોખલે અને લાલબહાદુર શાસ્ત્રી જેવા નેતાઓ થઈ ગયા હતા. એમ માનવા પણ કોઈ તૈયાર ન થાય આ બધા નેતાઓ નખશીખ પ્રમાણિક, સજ્જન અને દેશપ્રેમથી ઉભરાતા હતા. એમની પધ્ધતિઓ કે વિચાર સરણીઓ ભલે જુદી જુદી હોય પણ એમની નિષ્ઠા અને પ્રતિબધ્ધતા શંકાથી પર હતી. અત્યારે એવા નેતાઓ નથી એમ નથી પણ એમનું પ્રમાણ અતિઅલ્પ છે.

અત્યારની નેતાગીરી દરેક વસ્તુમા ધર્મની બીન જરૂરી ભેળસેળ કરે છે આપણને એવા નેતાની જરૂર છે કે જે ધર્મને એના સ્થાને રાખે, અર્થ કારણને એના સ્થાને રાખે આપણને એવા નેતાગીરીની જરૂર છે કે જે માત્ર ચુંટણી જીતવાના ટૂંકી દ્રષ્ટિના ધ્યેયને નહીં પણ દેશના વિકાસના ધ્યેયને નજર સામે રાખીને ચાલે આપણે ત્યાં નેતાઓની જેમ જ રાજકીય પક્ષોને પણ રાફડો ફાટયો છે. કેન્દ્રમાં જુદા જુદા પક્ષો વચ્ચે વિચારસણીમાં પણ મોટુ અંતર છે. કેટલાક પક્ષો તો એક બીજાથી તદ્દન વિરોધાભાસી વિચારસણી ધરાવે છે. દેશની પ્રગતિ માટે જરૂર છે રાજકીય પક્ષોની સંખ્યા ઘટાડવાની બીજી જરૂર છે પ્રમાણિક નેતાગીરીની.

Gujarat