FOLLOW US

મહાસત્તાઓ વચ્ચે વધી રહેલી તંગદિલી

Updated: Jan 8th, 2022


- વિચાર વિહાર-યાસીન દલાલ

- પુતિનના ધમકીભર્યા વલણ અને રશિયાની વધી ગયેલી તાકાતને જોતા નાટોના દેશો એની સામે ટક્કર લેવા ઈચ્છતા નથી

યુક્રેન મુદ્દે રશિયા અને અમેરિકા વચ્ચે સખત તંગદિલી પ્રવર્તે છે. યુક્રેન છેલ્લા થોડા વરસ પહેલા રશિયાથી છૂટો પડેલો  ભાગ છે. રશિયામાંથી પંદર ભાગ છૂટા પડી ગયા અને એનું વિસર્જન થયું. શ્રી ગોર્બાચોવ રશિયાનાં પ્રમુખ હતાં. પણ વિસર્જન પછી એ કયાંયના ન રહ્યાં. છેવટે રશિયા જઈને એ પ્રવચનો આપવા માંડયા. એમણે જ રશિયાનું વિસર્જન કરાવ્યું. વરસો પહેલા રશિયાનું સર્જન થયું. અને બંધારણ ઘડાયું. ત્યારે એમાં એક કલમ એવી હતી કે ભવિષ્યમાં કોઈ રાજય ધારે તો રશિયાથી છુટું પણ પડી શકશે. બન્યું એવું કે મોસ્કોના અખબારોમાં વાંચકોના પત્રો કે જે છાપવા ઉપર પ્રતિબંધ હતો. એ ઉઠી ગયો. અને પછી જે પત્રો છપાવા માંડયા એમાંથી મોટાભાગના સરકારની વિરૂધ્ધના હતાં. એ પછી ધીમે ધીમે નિયંત્રણો જેમ જેમ હટયા તેમ સરકાર વિરોધી બારી ખુલવા માંડી.

રશિયા કે જે મહાસત્તા ગણાતું હતું તે હવે એક મામુલી દેશ બની ગયો. ચેચેન્યા સિવાય બધા છૂટા પડી ગયા. પણ ગોર્બાચોવ જગ્યાએ આવેલા પુતિને બાજી સંભાળી લીધી. અને ધીમે ધીમે ફરીથી રશિયાને મહાસત્તા બનાવી દીધી. હવે અમેરિકામાં ટ્રમ્પની જગ્યાએ બાઈડન આવ્યા છે. પરિણામે દુનિયાની સત્તાની સમતુલા બદલી ગઈ છે. રશિયા હવે યુક્રેનની સાથે યુધ્ધ કરવાનું છે. એવા ભણકારા વાગી રહ્યાં છે. બાઈડન અને પુતિન વચ્ચે મંત્રણા પણ થઈ ગઈ પણ એનો કોઈ અર્થ ન રહ્યો અને તંગદિલી વધી.

આ તંગદીલી વધવાની શક્યતા ઘણા સમયથી હતી. પણ એમ ન થયું. તંગદીલી ઘટી નહીં. મંત્રણામાં યુક્રેન ઉપરાંત પરમાણું હથિયાર નિયંત્રણ પણ મુદ્દો હતો. નાટો અને રશિયા વચ્ચે પણ વિવાદ મુદ્દો હતો. બાઈડન અને પુતિન વચ્ચે અગાઉ જીનેવા ખાતે શિખર બેઠક થઈ ગઈ હતી. હવે બંન્ને મહાસત્તાના વડાઓ ફરી વખત મળવાના છે. રશિયા યુક્રેન સરહદે વધેલા તનાવના કારણે યુધ્ધની શક્યતા વધી ગઈ છે.

રશિયાએ સરહદ ઉપર મોટી સંખ્યામાં હત્યારો અને લશ્કરી વાહનો ખડકી દીધા છે. આથી યુક્રેનને બીક છે કે રશિયા શિયાળામાં ગમે ત્યારે હુમલો કરી શકે છે. અમેરિકાને પણ આવી બીક છે. નિરિક્ષકોને બીક છે કે જો બંને દેશો વચ્ચેના વિવાદનો અંત લાવવામાં ન આવે તો ગમે ત્યારે યુધ્ધ ફાટી નીકળશે. યુરોપની સેનાઓ પણ હાઈ  એલર્ટ ઉપર મૂકી દેવાઈ છે. યુક્રેન કહે છે કે રશિયાની આક્રમક નિતિઓ ચાલું જ છે. અને એણે ૨૫ જેટલા સૈનિક બટાલિયનને ખડકી દીધા છે. જો કે રશિયાએ ખુલાસો કર્યો છે કે અમારી તૈયારીથી ગભરાવાની જરૂર નથી. આ તરફ નાટોદેશોની બ્લેકશી ખાતે લશ્કરી કવાયત બાદ પુતિન રોષે ભરાયા છે.

રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ નવો નથી. બંને દેશો વચ્ચે તણાવ હતો. જળમાર્ગ અને સમુદ્ર વચ્ચે જળસીમા વેંચાયેલી છે. ખરેખર તો આ વિવાદના લીધે ક્રીમિયા સંકટ વધારે ઘેરૂ બન્યું છે. ૧૯૧૪માં જયારે યુક્રેનમાં ક્રાંતિ થઈ ત્યારે રશિયાના સમર્થક મનાતા રાષ્ટ્રપતિ યાનુકોવિચે પોતાનું પદ છોડી દીધું હતું એ વખતે રશિયાએ યુક્રેનમાં હસ્તક્ષેપ કરીને પોતાની સેના મોકલી હતી. ક્રીમિયા ઉપર કબજો કર્યો હતો. સાથે રશિયાએ સ્પષ્ટતા કરી હતી કે ત્યાં રશિયન મૂળના લોકોની બહુમતિ છે. જેમના હિતોની રક્ષા કરવી એ રશિયાની જવાબદારી છે. એ જાણીતી વાત છે.  એ ક્રીમીયામાં બહુમતી રશિયનોની છે. એ પછી યુક્રેન, તાતાર, આરમેનિયન અને પોલીસ લોકોની વસ્તી છે. એ પછી ૨૦૧૪માં કીમીયન સંસદે રશિયનો હિસ્સો બનવાની તરફેણમાં મતદાન કર્યું હતું.

આ જનમત સંગ્રહને આધાર બનાવીને ૨૦૧૮માં ક્રીમીયાને રશિયામાં ભેળવી દીધું. યુક્રેન સહિત પશ્ચિમ દેશોએ રશિયાના આ પગલાનો ભારે વિરોધ કર્યો. ક્રીમીયા ૧૭મી સદીથી રશિયાનો હિસ્સો બન્યો છે. ૧૯૫૪ માં ખુશ્વેએ ક્રીમીયાને ભેટ તરીકે યુક્રેનને આપી દીધું. આ સંકેત બાદ યુનો તથા યુરોપિયન યુનિયને રશિયા ઉપર અનેક આકરા પ્રતિબંધ મૂક્યા પણ રશિયા ઉપર એની અસર થઈ નહીં. અગાઉ પણ ઠંડા યુધ્ધનો આરંભ અમેરિકા અને રશિયા વચ્ચે બીજા વિશ્વ યુધ્ધ પછી મતભેદો સર્જાતા ઉભી થઈ હતી. પછી સામ્યવાદ તરફી દેશો રશિયા સાથે ઉભા રહ્યાં. અને મૂડીવાદી દેશો અમેરિકાના પક્ષમાં ગયા. ૧૯૯૦ના દાયકામાં રશિયાનું વિભાજન થતાં એની તાકાતમાં ઘટાડો થયો. આર્થિક રીતે પણ એ કંગાળ થઈ ગયું. અમેરિકાને લડત આપી શકવાની સ્થિતિમા ન રહ્યું. મહાસત્તાના રૂપમાં અમેરિકાનો દબદબો રહ્યો.

ઠંડા યુધ્ધનો અંત આવ્યો અત્યારે રશિયા વિરૂદ્ધ અમેરિકા અને યુરોપના દેશોની જૂથબંધી રચાઈ ગઈ. ફરીથી ઠંડુ યુધ્ધ થાય એવી શક્યતા છે. છેલ્લા થોડા સમયથી રશિયાની તાકાતમાં સતત વધારો થઈ રહ્યો છે. યુરોપમાં રણનિતિ સંબંધો બદલાઈ રહ્યાં છે. વરસ પહેલા રશિયાએ યુક્રેનના ક્રીમીયા ઉપર કબજો જમાવ્યો છે. ત્યારથી યુરોપ અને બાલટિક દેશો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે. સિરિયાના ગૃહ યુધ્ધમાં રાષ્ટ્રપતિ હસદને સાથ આપીને રશિયાએ મધ્યપૂર્વમાં અમેરિકા અને યુરોપના દેશોને લલકાર્યા હતાં. અફઘાનિસ્તાનમાં પણ એ ફરીથી ઘૂસવાની તૈયારીમાં છે. ચીન સાથે મળીને આંતરરાષ્ટ્રિય મંચ ઉપર અમેરિકાને સકંજામાં લેવાની એ તક ગુમાવતું નથી. આમ દિવસે દિવસે રશિયા વધુને વધુ તાકાતવાળું બનતું જાય છે. સિરિયાની સફળતા પછી રશિયા ફરી વખત યુક્રેન તરફ નજર કરી રહ્યું છે. એક જમાનામાં રશિયાની પહોંચ માત્ર જળમાર્ગો જ હતી. હવે રશિયાએ સીધી પહોંચ બનાવવા સમુદ્રધુની ઉપર એક પુલ બનાવ્યો છે. અજોવ સાગર જમીનથી ઘેરાયેલો છે. અને તેમાં કાળા સમુદ્રથી જ પ્રવેશ થઈ શકે છે. રશિયાએ યુક્રેનના ક્રીમીયા ઉપર કબજો જમાવ્યો ત્યારથી જ સમગ્ર યુરોપ અને બાલ્ટીક દેશો ચિંતિત છે. રશિયાએ સિરિયામાં અસદને સાથ આપીને બધાને લલકાર્યા છે. એ સાથે જ દક્ષિણ એશિયામાં સક્રિયતા વધી ગઈ છે. રશિયા તેના નવા બનાવેલા પુલના માધ્યમથી યુક્રેનના બંદર ઉપર આવજા કરતા જહાજો ઉપર નજર રાખે છે. યુક્રેન એનો વિરોધ કરે છે. આને માટે રશિયા પોતાની સુરક્ષાનું કારણ આગળ ધરે છે.

એનું કહેવું છે કે યુક્રેનના કટ્ટર પંથીઓ દ્વારા પુલ ઉપર હુમલાનું જોખમ છે. અજોવ સમુદ્ર ક્રીમીયાની પૂર્વમાં યુક્રેનની દક્ષિણમાં છે. તેના ઉત્તરમાં યુક્રેનના બે બંદરો આવેલા છે. આ બંને બંદરો યુક્રેનની અર્થવ્યવસ્થા માટે અત્યંત જરૂરી છે. ખરેખર તો પુલનીચેથી સમુદ્ર પરિવહનનું નિયંત્રણ કરીને રશિયા યુક્રેનની અર્થવ્યવસ્થા પોતાના નિયંત્રણમાં લઈ લેવાના પ્રયાસ કરે છે.

ક્રીમીયન ક્ષેત્રમાં રશિયા અને યુક્રેનવચ્ચે વધી રહેલ તંગદીલી વચ્ચે રશિયાએ ફરી વખત આ ક્ષેત્રમાં પોતાના પ્રભુત્વનો દાવો કર્યો છે. આ તરફ કાળા સમુદ્ર અને અજોવ સમુદ્રમાં પણ રશિયાની તાકાત વધી છે. ખાસ કરીને કાળા સમુદ્ર અને અજોવ સમુદ્રમાં પણ તેનો રૂતબો વધ્યો છે. ક્રીમયન ક્ષેત્રમાં રશિયાની આક્રમકતાએ દુનિયાના ફલક ઉપર અમેરિકાની તાકાતને લલકારી છે. ચિંતાની વાત એ છે કે અમેરિકા સહિત બીજા પશ્ચિમી દેશોએ રશિયાને નિયંત્રણમાં રાખવા અણુ મિસાઈલો ખડકી દીધી છે. એવામાં રશિયન સૈન્યની હિલચાલ જોતા ફરીથી ઠંડુયુધ્ધ શરૂ થવાની શક્યતા વધી છે. એમાં રશિયાને ચીનનું પીઠબળ છે. આગામી સમયમાં રશિયા અને ચીનની દોસ્તી વધુ મજબૂત બને એવા એંધાણ છે. પુતિનના ધમકીભર્યા વલણ અને રશિયાની વધી ગયેલી તાકાતને જોતા નાટોના દેશો એની સામે ટક્કર લેવા ઈચ્છતા નથી. નાટોનું કહેવું છે કે રશિયાને વિખૂટુ પાડવું જરૂરી છે. વિવાદ કરવાનો કોઈ ફાયદો નથી. કેમ કે હાલના સંજોગોમાં પુતિનને આ વાત સમજાય તેવી નથી.

રશિયાને વાતચીતના ટેબલ ઉપર લાવવા માટે પશ્ચિમ દેશોએ ભારે મથામણ કરવી પડશે. હાલ તો પુતિન સંઘર્ષ અને તાકાત વધારવા માંગે છે. એક બાજું પુતિન આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું મહત્વ વધારીને પશ્ચિમી દેશો માટે મુશીબત બની ગયા છે. રશિયાની અંદર પુતિનની પકડ મજબૂત બનતી જાય છે.

આમ યુધ્ધનાં વાદળ ઘેરાઈ રહ્યાં છે. અમેરિકા અને રશિયા વચ્ચેની મંત્રણા બાદ નાટોના સભ્યદેશો પણ રશિયા સાથે બેઠક યોજે એવી શક્યતા છે. આ બેઠકમાં યુરોપિયન દેશો રશિયા સમક્ષ પોતાની ચિંતા રજૂ કરશે. બાઈડન અને પુતિન વચ્ચેની મંત્રણામાં યુક્રેન ઉપરાંત પરમાણું શસ્ત્રો વિષે પણ ચર્ચા થશે. પુતિન સાહેબ હાલમાજ ભારતની મુલાકાતે આવી ગયા. આપણા વડાપ્રધાન શ્રી મોદીએ એમની સાથે વાતચીત પણ કરી જો કે એમાં દ્વિપક્ષી પ્રશ્નો ચર્ચાયા હોવાની શક્યતા વધારે છે. રશિયા પાસે આપણે શસ્ત્રો ખરીદવાના અનેક કરાર કર્યા છે. એમાં મિસાઈલ ઉપરાંત નાના મોટા શસ્ત્રો સામેલ છે. જો કે રશિયા પાસેથી આપણે ખરીદેલા મીગ, મીગ હેલીકોપ્ટરો એક પછી એક તૂટી રહ્યાં છે. તાજેતરમાં જ મદ્રાસ પાસે એક હેલીકોપ્ટર તૂટી પડયું એમાં આપણા લશ્કરી વડા શ્રી રાવત માર્યા ગયાં.

Gujarat
English
Magazines