બ્રહ્માંડની ઉત્પતિ કેવી રીતે થઈ?
- વિચાર વિહાર- યાસીન દલાલ
- આઈન્સ્ટાઈન કહે છે કે બ્રહ્માંડ આપણને મળેલી સૌથી મૂલ્યવાન પ્રાપ્તિ છે પણ એ હજી પ્રાથમિક અને બાલ્યાવસ્થાની છે
બ્રહ્માંડની ઉત્પતિ કેવી રીતે થઈ એ વિશે હજી જાતજાતના તર્કવિતર્ક ચાલ્યાજ કરે છે. ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ એક તર્ક આપે છે અને કયામતની કલ્પના રજુ કરે છે તો વૈજ્ઞાાનિકો એને સ્વીકારતા નથી અને પ્રાચીન સંસ્કૃતિઓની વાત આગળ કરે છે. હજારો વરસો પહેલા મેસોપોટેમીયા અને ઈજીપ્ત તથા ગ્રીસમાં સંસ્કૃતિ હતી અને માણસ પહેલા વાનર હતો એવું પ્રતિપાદિત થાય છે. સ્ટીફન હોકિન્સ જેવા નિષ્ણાંતો બીગબેંગ થીયરીને આગળ કરે છે તે કહે છે કે બ્રહ્માંડ કે પૃથ્વી એ કોઈ ઈશ્વરની દૈવી રચના નથી તેમ કોઈ ઈશ્વરી વ્યવસ્થા પણ નથી. પદાર્થના મૂળભૂત ગુણધર્મના જડ પરિબળોના સંચાલનનું આપોઆપ નિપજેલું પરિણામ છે એની પાછળ કોઈ સભાન યોજના હતી જ નહીં.
અફસોસ એ વાતનો છે કે આઈન્સ્ટાઈન કહે છે કે બ્રહ્માંડ આપણને મળેલી સૌથી મૂલ્યવાન પ્રાપ્તિ છે પણ એ હજી પ્રાથમિક અને બાલ્યાવસ્થાની છે. અફસોસ એ છે કે આઈન્સ્ટાઈન જેવા મહાત્માએ જેને અતિશય મૂલ્યવાન ગણાવી એને આપણા માણસો સમજી શકતા નથી.
હંમેશા બને છે તેમ સ્ટીફન હોકીન્સનો આજના વૈજ્ઞાાનિકોએ વિરોધ કર્યો અને એમ કહ્યું કે બ્રહ્માંડનું અસ્તિત્વ અકસ્માત થઈ ગયું. વૈજ્ઞાાનિકો એમ કહે છે કે આ સૃષ્ટિઈશ્વરની કુશળતાપૂર્વકની અને બુધ્ધિપૂર્વકની ડીઝાઈન છે. ધર્મશાસ્ત્રીઓ અને સામાન્ય માણસ એમ કહે છે કે, દુનિયા ઈશ્વરે બનાવી છે શું ઈશ્વર આવી દુનિયા બનાવે જયાં ચારેબાજુ પરપિડન જોવા મે એક પ્રાણીની મહામોંઘી જીંદગી તે અન્ય પ્રાણીનો બે ટંકનો ખોરાક હોય.
આવી પરપિડનનો આનંદ માણતી વ્યવસ્થા કદી ઈશ્વરની હોય જ નહીં, શેતાનની હોય. ઈશ્વર તો પરમદયાળુ છે અને સર્વ શક્તિમાન છે અને બીજીબાજુ ઉપર કહ્યું તેમ એક પ્રાણી બીજા પ્રાણીને ખાઈ જાય એ ઈશ્વરની રચના કેવી રીતે હોય? અહીં સંસારમાં કોઈના ચલાવ્યા વિના કશું ચાલતું જ નથી તો એવી માન્યતા સાચી હોય તો એમાં ઈશ્વરની કલ્પના કયા ફીટ બેસે?
ઈશ્વર છે કે નહીં એ વિશે માણસે હજારો વરસ ચિંતન કર્યું છે. આપણા એક ઋષિ ચાર્વાકે કહ્યુું છે કે, 'ઋણમ કૃતવા પિબેત ધૃતમ'. મતલબ કે કરજ કરીને પણ ઘી પીવું અને બીજી કોઈ ચિંતા કરો નહીં. આ વાક્ય આપણા જ એક ઋષિમુનિનું છે અને હજારો વર્ષ પહેલાનું છે. આપણે ત્યાં વરસો જૂની ઋષિમુનિ પરંપરા છે અને ચાર્વાકને એક અતિ ધાર્મિક દેશમાં પેદા થવા છતાં હેરાન કરવામાં આવ્યા નહોતા કે પરપીડિત પણ કરવામાં નહોતા આવ્યા. તો પ્રશ્ન એ છે કે અત્યારે આપણા દેશમાં ઈશ્વરને આટલો બધો પૂજવામાં શા માટે આવે છે અને નાસ્તિકોને કેમ સ્વીકારવામાં આવતા નથી.
એમ કહેવાય છે કે, બૌધ્ધ અને જૈન ધર્મમાં ઈશ્વરની વિભાવના છે જ નહી એમની ફિલોસોફી છે પણ થોડી જુદી છે. ભગવાન બુધ્ધ મધ્યમ માર્ગ ઉપર ભાર મૂકે છે અને કહે છે કે કોઈ ઋષિમુનિ કહેતા હોય અથવા કોઈ ગ્રંથ કહેતું હોય તો એને માનવાને બદલે તમારો અંતરાત્મા કહેતો હોય એમ કરો. આ વાક્ય કેટલાક બિલીવરને ન ગમે પણ વાસ્તવિકતા આ છે કે જે આપણા અંતરાત્મા કહે એમાં માનવાનું.
એક બીજી ફિલોસોફી પ્રારબ્ધવાદની છે એ કહે છે કે તમારા નસીબમાં જે લખેલું છે તે થઈને જ રહેશે. જો હું પડી જવાનો હોઉ તો પડી જ જઈશ. કર્મોના પરિણામ મળવાના જ છે. બીજીબાજુ વિજ્ઞાાન કહે છે કે કોઈ વસ્તુ પૂર્વ નિર્મિત નથી જે બનવાની સંભાવના હોય છે તે માત્ર સંભાવના જ છે તે જો નુકશાનકારક હોય તો દરમ્યાનગીરી કરીને ઓછી નુકશાનકારક બનાવી શકાય છે. અગાસી ઉપર જો કોઈ બાળક પડી જાય એવી સંભાવના હોય તો ઉંચી ગ્રીલ કરીને એને નિવારી શકાય છે.
ઘણા પ્રારબ્ધવાદીઓ ઘણીવાર દુર્ઘટના બનવાની શરૂઆત થાય તો તેને આગળ વધતી અટકાવવા દરમ્યાનગીરી કરતા નથી અને નાહકના દુર્ઘટનાનો ભોગ બને છે, કોઈ રોગચાળો થતો અટકાવવો હોય તો ચોક્કસ પગલા લઈને એને અટકાવી શકાય છે પણ આપણી પ્રજા સમયસર પગલા લેતી નથી અને હાથે કરીને દુઃખી થાય છે. એલોપેથીક પધ્ધતિ રોગને આગળ વધતો અટકાવે છે. જીવનમાં દુર્ઘટનાઓ તો બનવાની જ છે પરંતુ એને પ્રારબ્ધ ઉપર છોડી દઈને દુઃખી થવાને બદલે પુરષાર્થથી અને વૈજ્ઞાાનિક પધ્ધતિથી એને અટકાવવી જ જોઈએ.
આપણી વચ્ચે ઈશ્વરનો ખ્યાલ ઘુસી ગયો છે એના કારણમાં જીવનની અનિશ્ચિતતા છે જે માણસ માંડ ભણ્યો હોય અને એને માંડ નોકરી મળે એ પણ અનિશ્ચિત હોય એ પ્રારબ્ધમાં માન્યા સિવાય કરે પણ શું? આફ્રિકા અને એશિયામાં ગરીબ દેશમાં કશું નિશ્ચિત નથી પરિણામે લોકો ઈશ્વરમાં વધારે માને છે. ઈંગ્લેન્ડના ૬૫% લોકો નાસ્તિક છે એટલે કે ઈશ્વરમંા માનતા નથી બીજા અનેક લોકો એવા જે માને છે. દુનિયાના અનેક મહાપુરુષો આવા જ હતા અને છે.
જવાહરલાલ નહેરૂ પણ આવા જ હતાં એ કહેતા કે હું જયારે યુ.પી.માં ગ્રામ્ય વિસ્તારમાં ફરું છું અને લોકોના દુઃખદર્દ જોઉ છું ત્યારે મને માન્યામાં જ નથી આવતુ કે આવી દુનિયા ઈશ્વરે બનાવી છે હા. બીજા કોઈએ બનાવી હોય એ શક્ય છે. બર્ન્ટાન્ડ રસેલ પણ આમ જ કહેતા. જો સમાજમાં અનિશ્ચિતતાઓ ઓછી થાય તો ઈશ્વરને યાદ કરવાની જરૂર જ ન રહે. કોરોનાની મહામારી અટકાવવી હોય તો એના ઉપાયો કરવા જોઈએ. મોઢા ઉપર માસ્ક પહેરવું જોઈએ, બે વ્યક્તિ વચ્ચે ત્રણથી ચાર ફુટનું અંતર રાખવું જોઈએ અને વારંવાર હાથ ધોવા જોઈએ. આ ઉપાયો ન કરીએ અને કોરોનાથી માણસ મરી જાય તો કોઈને દોષ દેવાનો અર્થ નથી. આમાં ઈશ્વર શું કરે? ખરેખર તો આમાં ઈશ્વર કયાંય વચ્ચે આવતો જ નથી.
એમ જમાનામાં શીતળાનો રોગ જીવલેણ મનાતો એ રોગ થાય એટલે માણસ મરી જ જાય. આપણા દેશમાં આ રીતે શીતળાના રોગનો ભોગ બનેલ છેલ્લા દર્દી જાણીતી અભિનેત્રી ગીતાબાલી હતી એ પછી આ રોગ કોઈને થયો નથી કારણ કે એની રસી શોધાઈ ગઈ છે.
હવે તો જેવું કોઈ બાળક અવતરે એટલે તરત એને જાતજાતની રસીઓ અપાય છે. એમાં શીતળાની રસીનો પણ સમાવેશ થાય છે. આટલી બધી વૈજ્ઞાાનિક શોધખોળો થઈ એટલે જ માણસ આટલો સુખ સગવડવાળો બન્યો છે. ન્યૂટને ગુરુત્વાકર્ષણની શોધ કરી સ્ટીવન્સને આગગાડીની શોધ કરી, અત્યારે શેરીમાં ફરો તો ઝાડુવાળા કે શાકભાજીવાળાના હાથમાં પણ મોબાઈલ ફોન હોય છે એ જ રીતે મોબાઈલ ફોનની અંદર જાતજાતની સુવિધાઓ હોય છે.
સ્ટેમસેલના ઉપયોગથી અસાધ્ય રોગોનું પણ નિદાન થઈ શકે છે. માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો હવે મંગળ ઉપર પણ જઈ આવશે. અત્યારે આપણા નાગરીકમાં સરેરાશ આયુષ્ય ૬૭ વરસ છે. આઝાદી સમયે એ માત્ર ૪૦ હતું. હજી આપણે ત્યાં જેમ જેમ પીવાનું પાણી શુધ્ધ મળશે અને લોકોને સારો ખોરાક મળશે એમ આયુષ્ય વધતું જવાનું. આફ્રિકામાં સરેરાશ આયુષ્ય ૪૦થી ૪૫ છે.
રેશનાલીઝમ એ કોઈ વાદ નથી તે ભૌતિકવાદ છે. ધર્મનો વિરોધ પણ નથી. બુધ્ધિ અને તર્કનો સમાનાર્થી નથી એક દ્રષ્ટિબિંદુ છે. વૈચારિક ચળવળ છે કોઈપણ સમસ્યા વિશે વાસ્તવિક પુરાવાઓના સંદર્ભમાં તટસ્થ અને વસ્તુલક્ષી દ્રષ્ટિએ વિચારવાની પધ્ધતિ એટલે રેશનાલીઝમ. એ બુધ્ધિને અને વિવેકને પ્રાધાન્ય આપે છે. એમાં કોઈ નૈતિક ધોરણો નથી કે ગમાઅણગમા નથી જે વિચારમાં આવો વિવેક ન હોય તે ઈરેશનલ કહેવાય. આમ સાચા અર્થમાં આ વિચારધારા વહેમ, અંધશ્રધ્ધા, કટ્ટરતા કે આધ્યાત્માવાદી વિચારધારાનો વિરોધી છે.
આ વિચારધારા અનુભવ,સત્ય તથા તથ્ય ઉપર ભાર મૂકે છે. વિજ્ઞાાન અને વૈજ્ઞાાનિક અભિગમનો એ રાજમાર્ગ છે. સત્યશોધનનો એ વિધાયક રસ્તો છે. ભૂતપ્રેતમાં એ માનતો નથી,યોગીઓને થતો દિવ્ય આનંદ અહી થતો નથી. ચમત્કારો તથા અલૌકિક અનુભવ અહીયા નથી. આત્મા મોક્ષ કે પુનઃજન્મ અહીંયા નથી. સાચો રેશનાલીસ્ટ સાંપ્રદાયિક કે બંધીયાર ન હોય એ ખુલ્લા મનવાળો અને માનવતાવાદી હોય.
અત્યારે આપણા દેશમાં વૈચારિક કટોકટી ચાલે છે. લોકો આધુનિક બનવાને બદલે પછાત બને છે. શાળામાં પ્રવેશ પણ જાતિના આધારે અપાય છે. મહારાષ્ટ્રમાં જયોતિબા પુલ્લે અને બીજા સુધારાવાદીઓની મહેનત એળે ગઈ છે. લોકો ઈશ્વરમાં માને એનો વાંધો નહી પણ અંધશ્રધ્ધામાં માનવું એ ખોટું છે. ખેડુતો ચોમાસામાં આધુનિક ટેકનીક અપનાવવાને બદલે આકાશ તરફ જોતા રહે અને ભડલી વાક્યોની રાહ જુએ એ ખરાબ છે.
હવે જો કે સજીવ ખેતીનું ચલણ વધવા માંડયું છે. પણ આપણે ત્યાં ખેતીનોે વિકાસદર હજી ખૂબ જ નીચો છે. બ્રહ્માંડની રચના કોણે કરી એ અંગે વહેમ અને અંધશ્રધ્ધાથી નહી ચાલે એના માટે નક્કર ફિલોસોફી જોઈએ. થોડા સમય પહેલા પેરિસમાં વિશ્વના જાણીતા વૈજ્ઞાાનિકોએ એક પ્રચંડ ધડાકો કરેલો આ ધડાકો સંશોધન માટેનો હતો. આવા ધડાકા ચાલુ જ રહેવા જોઈએ તો જ બ્રહ્માંડની ઉત્પતિનું રહસ્ય જાણવા મળશે.