કોરોના વચ્ચે ધરમપુર-કપરાડાનાં ગામડાંઓમાં પાણીની સમસ્યા શરૃ
-દોઢથી બે કિ.મી. પાણી લેવા જવુ પડે છે
-પાણીના ટેન્કરની સુવિધા પુરી પાડવા લોકોની માંગ
વલસાડ
વલસાડ જિલ્લાના અંતરીયાળ જંગલ વિસ્તાર ધરમપુર અને કપરાડા તાલુકામાં અનેક ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા શરૃ થઈ છે.લોકોએ પાણી લેવા માટે દોઢ થી બે કિ.મી. એકમાત્ર કુવા ઉપર ચાલીને પાણી લેવા જવાની નોબત આવી છે.
વલસાડ જિલ્લાનાં કપરાડા અને ધરમપુર તાલુકા જંગલ અને આદિવાસી વિસ્તાર છે. અહીં સૌથી વધુ વરસાદ પડે છે. જેમાં કપરાડા ગુજરાતનું ચેરાપુંજી ગણાય છે. ૧૫૦ થી ૧૭૫ ઈંચ વરસાદ પડતો હોવા છતાં પણ એપ્રિલ મહિના બાદ અહીંની આદિવાસી પ્રજાએ પાણી માટે વલખા મારવા પડે છે. તેમાં પણ આ બન્ને તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલ ગામોની હાલત અત્યંત દયનીય થાય છે. એપ્રિલ મહિનામાં કુવાઓમાં પાણીનું સ્તર નીચે જવા માંડે છે અને મે મહિના શરૃ થતાં લગભગ કુવા સુકાઈ જાય છે. જેને લીધે ખાસ કરીને પીવાના પાણીની ભયંકર પરિસ્થિતિ ઊભી થાય છે. મહિલાઓએ ઝરણાંમાં એકત્ર થયેલા પાણી લેવા માટે લાઈનો લગાવીને કલાકો સુધી રાહ જોવી પડે છે.
બન્ને તાલુકાઓમાં અનેક સ્થળોએ પીવાના પાણી માટે હેન્ડપંપ બનાવવામાં આવ્યા છે. પરંતુ ઘણી જગ્યાઓએ પાણીનું સ્તર એટલું નીચું હોય છે કે ૩૦૦ ફૂટ ખોદવા છતાં પણ પાણી આવતુ નથી. જેમાં કારણે અનેક બોર પણ નકામાં થઈ ગયા છે. ગામોમાં પાણી મેળવવા માટેનું એકમાત્ર સાધન કુવાઓ છે. જેમાં પાણીનું સ્તર ઓછુ થઈ જતાં મહિલાઓએ એક બેડું પાણી લેવા માટે પણ કલાકો બેસવું પડે છે. અને મહિલાઓએ જ્યાં કુવામાં પાણી હોય તેવી જગ્યાએથી પાણી લેવા માટે એક સાથે ત્રણ ત્રણ બેડા ઉંચકીને પાણી લેવા જવાની નોબત આવે છે. વણખાસ ગામની ૪૦૦ની વસ્તી સામે માત્ર ૧ જ કુવો છે. તે પણ સુકાઈ જાય છે.
કપરાડા અને ધરમપુર તાલુકાની પીવાના પાણીની વષોર્થી ચાલી આવતી ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની રાજ્ય સરકાર કે સ્થાનિક રાજકારણીઓએ જરા પણ દરકાર લીધી નથી. દર વર્ષે મહિલાઓ અને લોકોની બુમરાણ થતાં તાલુકા પંચાયત દ્વારા ટેન્કર દ્વારા પાણી પહોંચાડીને સંતોષ માની લેવામાં આવે છે. જ્યારે આ કોર્ષ કોરોના મહામારી વચ્ચે મે શરૃ થઈ જવા છતાં પણ ટેન્કર દ્વારા પાણી નહીં પહોંચતા મહિલાઓની હાલત કફોડી બની છે. અને તાત્કાલિક પીવાના પાણીની ટેન્કર દ્વારા સુવિધા પુરી પાડવાની માંગ ઉઠી છે.