- અમદાવાદથી મુંબઇ જતી બસનું ટાયર ફાટયા બાદ આગ લાગી
- લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો : હાઇવે પર ટ્રાફિક જામ થયો
- બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ : મુસાફરોને અન્ય વાહનમાં મોકલાયા
વાપી,તા.20 ઓક્ટોબર 2023,શુક્રવાર
પારડી હાઇવે પર ગઇકાલે ગુરૂવારે મધરાતે અમદાવાદથી મુંબઇ જતી ખાનગી લકઝરી બસમાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. લાશકરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે તમામ મુસાફરોનો બચાવ થયો હતો. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.
પ્રાપ્ત માહિતિ અનુસાર ભાગ્યલક્ષ્મી એસી ટ્રાવેલ્સની લક્ઝરી બસ (નં.એઆર.01-પી-8189) અમદાવાદથી મુસાફરો ભરી મુંબઇ રવાના થઇ હતી. ગઇકાલે ગુરૂવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે પારડીના ખડકી હાઇવે પર ફ્લાય ઓવર પર બસનું ટાયર ફાટયા બાદ અચાનક આગ લાગતા ચાલકે સર્તકતા વાપરી બસ રોડ સાઇડ પર ઉભી કર્યા બાદ બસમાં સવાર તમામ 18 મુસાફરોને હેમખેમ ઉતારી લીધા હતા. આગ લાગતા જ મહિલા સહિતના મુસાફરોના જીવ ટાવર ચોટી ગયા હતા. સદનસીબે તમામને બચાવ થયો હતો.

ઘટનાને પગલે લોકો અને પોલીસની ટીમ દોડી ગઇ હતી. પોલીસે સલામતીના ભાગરૂપ બ્રીજ પર આવાગમન બંઘ કરી દીધી હતી. વાપી, પારડી અને વલસાડના ચાર બંબા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા મામલતદાર અને ટીમ પણ પહોંચી ગઇ હતી. આગને કારણે ટ્રાફિક જામ થયો હતો. પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે.
બસમાં આગ લાગતા મુસાફરોનો તો બચાવ થયો હતો પણ માલ સામાન બીને ખાખ થઇ ગયો હતો. મહિલા મુસાફરોએ સામાન બળી જતા ભારે આક્રોશ ઠાલવ્યો હતો. મહિલા સુરતથી માલસામાનના પાર્સલો બસમાં ભરી મુંબઇ જઇ રહ્યા હતા. તમામ મુસાફરોને અન્ય વાહનોમાં મુંબઇ રવાના કરાયા હતા.


