Updated: May 8th, 2023
- ફાયર બ્રિગેડના 7 થી વધુ બંબા ઘટના સ્થળે પહોંચી લાશકરોએ ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી
વાપી,તા.8 મે 2023,સોમવાર
પારડી જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં ગઇકાલે રવિવારે રાત્રે ભિષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. જો કે આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી.
પ્રાપ્ત માહિતિ અનુસાર પારડી જીઆઇડીસીમાં કલાનિધી ફોમ નામક કંપની આવેલી છે. ગઇકાલે રવિવારે મધરાતે આ કંપનીમાં અચાનક આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગને પગલે આજુબાજુમાં આવેલી કંપનીના કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે પારડી, અતુલ, વલસાડ, વાપી સહિતના વિસ્તારના 7 થી વધુ બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
લાશકરોએ ભિષણ આગ પર કાબુ મેળવવા હાથ ધરેલી કવાયતમાં ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જો કે આ પહેલા માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી ફેલાઇ જતા લોકોમાં પણ ગભરાટ મચી ગયો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. આગ કયા કારણોસર લાગી તે કોઇ કાતણ બહાર આવ્યું નથી. એફએસએલની તપાસ બાદ જ કારણ બહાર આવી શકશે. હાલ શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગવાયું છે.