વલસાડઃ ગાયિકા વૈશાલી બલસારાની હત્યાનો ભેદ ઉકેલાયો, પૈસા ન આપવાં પડે એટલે કાસળ કાઢી નાખ્યું
- વૈશાલીએ બબીતાને 25 લાખ રૂપિયા આપ્યા હતા જે પરત ન કરવા પડે એટલે 8 લાખમાં સોપારી આપી દીધી
વલસાડ, તા. 03 સપ્ટેમ્બર, 2022, શનિવાર
વલસાડની પ્રખ્યાત સિંગર વૈશાલી બલસારાની ચકચારી હત્યાના કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત તા. 28 ઓગષ્ટના રોજ પારડી પાર નદીના કિનારે પડતર જગ્યામાં મારૂતી બલેનો કારમાંથી શંકાસ્પદ સ્થિતિમાં વૈશાલીનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસને કારમાંથી ચાવી અને વૈશાલીનો ફોન નહોતા મળ્યા અને સુરત સિવિલમાં પોસ્ટમોર્ટમ દરમિયાન ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. LCB, SOG, પારડી અને સીટી પોલીસની કુલ 8 ટીમોએ સીસીટીવી ફુટેજ અને સાક્ષીઓની પુછપરછ દ્વારા હત્યાનું કારણ જાણવામાં સફળતા મેળવી છે.
25 લાખ ન આપવા પડે એટલા માટે હત્યા
વૈશાલી સાથે છેલ્લે તેની મિત્ર બબીતા જીજ્ઞેશ કૌશિક જોવા મળી હતી અને તેણીએ જ વૈશાલીની હત્યા કરાવી દીધી હતી. વૈશાલીએ બબીતા પાસેથી રૂપિયા 25 લાખ જેટલી માતબર રકમ લેવાની હતી અને વૈશાલી દ્વારા કડક ઉઘરાણી કરવામાં આવી રહી હતી. આ કારણે બબીતાએ પૈસા ન આપવા પડે એટલે અન્ય રાજ્યના કોન્ટ્રાક્ટ કિલરની મદદથી વૈશાલીની હત્યા કરાવી હતી.
બબીતાએ 8 લાખ રૂપિયા આપીને વૈશાલીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. તેણે પૈસા આપવાના બહાને વૈશાલીને સાંજના સમયે વશીયર ખાતે ડાયમંડ ફેક્ટરી પાસે બોલાવી હતી. ત્યાર બાદ પોતે બનાવના સ્થળથી એકાદ કિલોમીટર દૂર ઉભી રહી હતી.