For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વેબસાઈટના માધ્યમથી ગેમના બહાને જુગાર રમાડી છેતરપિંડી કરતી ટોળકીના બે સાગરિત પકડાયા

Updated: Apr 12th, 2023

Article Content Image

- દમણ પોલીસે સતત 15 દિવસ સુધી હાથ ધરેલી શોખધોળમાં આરોપીને આંધ્રપ્રદેશ અને પંજાબથી દબોચી જેલભેગા કરાયા

- 40 એટીએમ કાર્ડ, 60 પાસબુક-ચેકબુક અને 7 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

વાપી,તા.12 એપ્રિલ 2023,બુધવાર

દમણ ગેમ્સ ડોટ ઈન નામક વેબસાઈટ થકી મોટાપાયે જુગાર રમાડી લોકોની ગુપ્ત માહિતી મેળવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનારી આંતરરાજય ટોળકીના બે સાગરિતોને પોલીસે આંધ્રપ્રદેશ અને પંજાબથી પકડી પાડી દમણ લાવ્યા બાદ જેલભેગા કર્યા છે. આરોપી પાસેથી 40 એટીએમ કાર્ડ, 60 બેંક પાસબુક, ચેકબુક અને 7 મોબાઈલ જપ્ત કર્યા છે. પોલીસે આરોપીના 78 બેંક ખાતામાં રૂ.1.30 કરોડ ફીઝ કર્યા છે. આરોપી સામે 1671 સાયબર ક્રાઈમના ગુનાઓ નોંધાયા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દમણગેમ્સ ડોટ ઈન નામક વેબસાઈટ થકી ઓનલાઈન જુગાર રમાડવાની સાથે લોકો પાસેથી ગુપ્ત માહિતી મેળવી આર્થિક નુકશાન પહોંચાડી ગેરકાયદે નેટવર્ક ચલાવાતું હોવાની પોલીસને મળેલી માહિતીના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ ગંભીર કેસમાં પોલીસે ગુનાના મુળ સુધી નેટવર્ક ચલાવનારાને ઝબ્બે કરવા સઘન તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસે ગુનાના મુળ સુધી પહોંચવા જુદી જુદી ટીમો બનાવી દેશના અલગ અલગ રાજયોમાં રવાના કરી હતી. 

પોલીસે વેબસાઈટ થકી ચાલતી ગેરકાનુની પ્રવૃત્તિ અંગે હાથ ધરેલી તપાસમાં અનેક બેંક ખાતાનું નિરીક્ષણ અને અન્ય માહિતી એકત્રિત કરી હતી. પોલીસે સતત 15 દિવસ સુધી હાથ ધરેલી કવાયત દરમિયાન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી નેટવર્ક ચલાવતા કનુરી દુર્ગાપ્રસાદ (ઉ.વ.22) અને પંજાબથી સવર્ણ સિંહ (ઉ.વ.37)ને સ્થાનિક પોલીસની મદદથી પકડી પાડયા હતા. બંને આરોપીઓને દમણ લાવ્યા બાદ જેલભેગા કરાયા છે. 

આરોપી પાસેથી 46 એટીએમ કાર્ડ, 7 મોબાઈલ અને 60 બેંક પાસબુક અને ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ અને અન્ય સાગરિતો દ્વારા દેશના અલગ અલગ રાજયોમાં ગેરકાયદે પ્રવૃત્તિનું નેટવર્ક ચલાવી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

આરોપીના 78 બેંક ખાતામાં રૂ.1.30 કરોડ ફીઝ કર્યા

દમણ પોલીસે દેશના જુદા જુદા રાજયોમાં વેબસાઈટ થકી ગેરકાનુની પ્રવૃત્તિ કરનારા બે મુખ્ય આરોપીઓને ભારે જહેમત બાદ પકડી પાડયા હતા. પોલીસે આ મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરવા સતત હાથ ધરેલી કવાયત દરમિયાન અનેક માહિતીઓ હાથ લાગી હતી. એટલું જ નહીં પણ આરોપીઓના અનેક બેંક ખાતાની વિગતો હાથ લાગી હતી. આરોપીઓ દ્વારા બેંક મારફતે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરાતું હતું. પોલીસે આરોપીઓના 78થી વધુ બેંક ખાતામાં જમા કુલ રકમ રૂ.1.30 કરોડ ફીઝ કરાવી હતી.

આરોપી સામે દેશભરમાં 1671 ગુના નોંધાયા હતા

વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન જુદી જુદી ગેમના બહાને દેશવ્યાપી જુગાર રમાડી લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનારી ટોળકીના બે આરોપી પકડાયા બાદ અનેક ચોકાવનારી માહિતી બહાર આવી છે. આરોપી દ્વારા ગેમના બહાને લોકોને વિશ્વાસમાં લઈ બેંકની વિગત ચતુરાઈથી મેળવી કરતબ પણ અજમાવતા હતા. પકડાયેલા બંને આરોપી અને સાગરિતો સામે અત્યાર સુધીમાં 1671 સાઈબર ગુના નોંધાઈ ચૂકયા છે. 

ફિલીપિન્સથી આખુ નેટવર્ક ચલાવાતું હતું

દમણ પોલીસે દેશવ્યાપી વેબસાઈટ થકી ગેમના બહાને ચાલતા મસમોટા જુગાર અને લોકો સાથે છેતરપિંડી કરવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસના હાથ પકડાયેલા બંને આરોપીની પૂછપરછમાં આ નેટવર્કમાં અન્ય લોકોની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. આ મસમોટુ નેટવર્ક ફિલીપિન્સથી મુખ્ય સૂત્રધાર સંચાલન કરતો હોવાનું બહાર આવ્યું છ. પોલીસ મુખ્યસૂત્રધાર સહિત અન્ય આરોપીને પકડવા અને આ મસમોટા નેટવર્કના મુળ સુધી પહોંચવા કવાયત આદરી છે.

Gujarat