દમણ નજીક ચેકડેમમાં ડુબી જતા બે ભાઈ સહિત ત્રણ યુવકોના મોત, ત્રણેય ન્હાવા પડ્યા હતા
રોહિત, ક્રિષ્ણા અને સંદીપ ખાડીના ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા
ખાડી કિનારે ઉભેલા અન્ય મિત્રએ બુમાબુમ કરી દીધી હતી
વલસાડ જિલ્લાના ભિલાડના પલસેત ગામ પાસેથી પસાર થતી ખાડીના ચેકડેમમાં આજે શનિવારે ન્હાવા પડેલા દમણના બે ભાઇ સહિત ત્રણ યુવાન ડુબી ગયા હતા. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ લાશકરોએ બોટની મદદથી હાથ ધરેલા રેસ્ક્યુમાં દમણની હદમાંથી ત્રણેય યુવાનના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
દમણના ખારીવાડમાં આવેલા દિવ્ય દર્શન બિલ્ડીંગમાં રહેતા ત્રણ મિત્રો રોહિત જીવણ બોરા (ઉ.વ.૩૨), ક્રિષ્ણા જીવણ બોરા (ઉ.વ.૨૫) એને સંદીપ નેગી (ઉ.વ.૨૦) અને અન્ય શખ્સ આજે શનિવારે દમણથી ભિલાડના પલસેત ગામેથી પસાર થતી બામણપુજા નજીક આવેલ દારોઠા ખાડી પર ગયા હતા. બાદમાં ચાર પૈકી રોહિત, ક્રિષ્ણા અને સંદીપ ખાડીના ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા. તે દરમિયાન એક પછી એક ત્રણેય પાણીમાં ડુબી ગયા હતા.
કિનારે ઉભેલા મિત્રએ બુમાબુમ કરી હતી
ખાડી કિનારે ઉભેલા અન્ય શખ્સે બુમાબુમ કરી દીધી હતી. બનાવને લઇ ગામલોકો દોડી ગયા હતા. ઘટનાને પગલે મોટી દમણ કોસ્ટલ પોલીસ અને ભિલાડ પોલીસ પણ પહોંચી ગયા બાદ વાપી અને દમણના લાશ્કરોએ બોટની મદદથી લાપત્તાની ખાડીમાં શોધખોળ આદરી હતી. શોધખોળ દરમિયાન થોડા થોડા સમાંયતરે મૃતદેહ બહાર કાઢ્યા હતા.
એક જ પરિવારના બે ભાઈના મોત થતા શોકની લહેર
દમણ પોલીસે ત્રણેય મૃતદેહોનો કબ્જો લઇ મરવડ સરકારી હોસ્પિટલમાં મોકલી દીધા હતા. આ ઘટનામાં એક જ પરિવારના બે ભાઇના અકાળે મોત પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.