Updated: May 4th, 2023
- મોબાઇલ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી અને અન્ય આરોપીના કોવિડ ટેસ્ટ કરાવી રૂમમાં બેસાડયા હતા
- અરોપી હથકડીમાંથી હાથ સેરવી ચાલુ ટ્રેનમાં બેસી જતા પોલીસ પણ ચઢી ગઇ પણ આરોપી હાથ નહી આવ્યો
વાપી,તા.04 મે 2023,ગુરૂવાર
વાપી રેલવે પોલીસ ચોકીમાંથી મોબાઇલ ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી હથકડી હાથમાંથી સેરવી પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. આરોપી ચાલુ મેમુ ટ્રેનમાં ચઢી જતા પોલીસ જવાન પણ ચઢી ગયો પણ આરોપી રોંગ સાઇટથી ચાલું ટ્રેને ઉતરી પલાયન થઇ ગયો હતો. ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી.
વાપી રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુનામાં રાહુલ ઉર્ફે કાલીયા ગોપાલ ઠાકુર (ઉ.વ.૨૨, રહે. વિરાર, મુંબઈ)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી રાહુલ કાલીયા અને અન્ય આરોપી સંજય રામસુખ કોરી (ઉ.વ.૩૪, રહે. ગીતાનગર, વાપી)ને ગઈકાલે મંગળવારે વાપી, ચલા સીએચસીમાં કોરોના ટેસ્ટ કરાવવા સરકારી વાહનમાં પોલીસ લઈ ગઈ હતી. બંને આરોપીના કોરોના ટેસ્ટ કર્યા બાદ રેલવે પોલીસ મથકે લવાયા હતા. બંને આરોપીને એક રૂમમાં બેસાડી ભોજન આપ્યું હતું. રૂમમાં પોલીસ હાજર નહીં હોવાથી બે પૈકી એક આરોપી રાહુલ કાલીયાએ હથકડીમાંથી હાથ સેરવી ભાગી ગયો હતો.
આરોપી રાહુલ કાલીયો પ્લેટફોર્મ પરથી ભાગતા પોલીસ જવાનોએ પણ તેનો પીછો કરતા પ્લેટ ફોર્મ નંબર 1 પરથી પસાર થતી ચાલુ મેમુ ટ્રેને ચઢી જતાં પોલીસ જવાન પણ ટ્રેનમાં ચઢી ગયો હતો. જો કે રાહુલ કાલીયો રોંગ સાઈડે ઉતરી પલાયન થઈ ગયો હતો. પોલીસ જાપ્તામાંથી આરોપી ભાગી છૂટતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આરોપીને પકડવા પોલીસે ચોમેરે નાકાબંધી ગોઠવી શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન હતી. રેલવે પોલીસે આરોપી રાહુલ કાલીયા સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.