Get The App

સોનવાડા આશ્રમશાળાના આચાર્ય અને શિક્ષકો સામે છેવટે ગુનો દાખલ

- બાળકોને રૂમમાં પુરી દીધા બાદ માર મારવાના કેસમાં

Updated: Feb 1st, 2019

GS TEAM

Google News
Google News
સોનવાડા આશ્રમશાળાના આચાર્ય અને શિક્ષકો સામે છેવટે ગુનો દાખલ 1 - image

- ઠંડીમાં બાળકોને ઠંડા પાણીએ નવડાવ્યા હતા

- ૧૨ કલાક પરસેવો પડાવ્યા બાદ ડુંગરી પોલીસે ફરિયાદ નોંધવી પડી

વલસાડ, તા. 1 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

વલસાડના સોનવાડા ગામે આવેલી આશ્રમ શાળાના શિક્ષકે ૩૭ વિદ્યાર્થીઓને એક રુમમાં પુરી ઠંડા પાણીએ નવડાવ્યા હતા અને પછી માર મારી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. આ આખો મામલો ડુંગરી પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે મોડે-મોડે આશ્રમશાળાના શિક્ષક અને આચાર્ય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. 

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સોનવાડા ગામ સ્થિત હળપતિ સેવા સંઘ, બારડોલી સંચાલિત આશ્રમશાળામાં રહી અભ્યાસ કરતા ધરમપુર પંથકના ૩૭ વિદ્યાર્થીઓને એક રુમમાં પૂરી દીધા બાદ એક વિદ્યાર્થીને કોઇ રસ્તો ન મળતાં તેણે એ રુમમાં જ શૌચક્રિયા કરવી દીધી હતી. જેનાથી ઉશ્કેરાયેલા સ્કૂલના શિક્ષક બાલકૃષ્ણ ટંડેલે પહેલાં તમામ વિદ્યાર્થીઓને શિયાળાની સવારમાં ઠંડા પાણીથી નવડાવ્યા હતા અને ત્યારબાદ તમામને પીઠ પર ઢોર માર માર્યો હતો. 

જેની જાણ વાલીઓને થતાં વાલીઓનું ટોળું પહેલા ધરમપુર પોલીસ મથક અને પછી ડુંગરી પોલીસ મથકે પહોંચ્યું હતુ. જ્યાં ડુંગરી પોલીસે તેમને ૧૨ કલાક સુધી પરસેવો પડાવ્યા પછી બનાવ સંદર્ભે આશ્રમશાળાના શિક્ષક બાલકૃષ્ણ ટંડેલ અને આચાર્ય નરેશ પટેલ વિરુદ્ધ નાના બાળકોને માર-મારવાનો ગુનો દાખલ કર્યો છે.