Get The App

વાપીમાં પારડીની વિદ્યાર્થિની ધોરણ 12ની પરીક્ષામાં નાપાસ થતા આપઘાત કરતા ચકચાર

Updated: May 2nd, 2023

GS TEAM


Google News
Google News
વાપીમાં પારડીની વિદ્યાર્થિની ધોરણ 12ની પરીક્ષામાં નાપાસ થતા આપઘાત કરતા ચકચાર 1 - image


- મોટા વાઘછીપાની વિદ્યાર્થિનીએ પારનદીના પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી : પારડી નદી પુલ સ્યુસાઈટ ઝોન બન્યો

વાપી,તા.02 મે 2023,મંગળવાર

પારડી પારનદીના પુલ પરથી આજે મંગળવારે ધો.12ના વિદ્યાર્થિનીએ મોતની છલાંગ લગાવતા મોત થયું હતું. આજે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં મૃતક ફરીવાર નાપાસ થતા અંતિમ પગલું ભરી લીધું હતું.   પરીક્ષાના પરિણામો જાહેર થતા ક્યા ખુશી તો ક્યા ગમ જોવા મળ્યો હતો. પારડી પાર નદીના પુલ પરથી થોડા જ મહિનામાં પાંચથી છ વ્યકિતઓએ છલાંગ લગાવી અંતિમ પગલું ભરતા આ પુલ સ્યુસાઈડ ઝોન બન્યો છે.

પ્રાપ્ત માહિતિ અનુસાર પારડી પારનદીના પુલ પરથી આજે મંગળવારે ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની નેહા કમલેશભાઇ પટેલ (ઉ.વ.17, રહે. મોટા વાઘછીપા) છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાને પગલે હાઇવે પરથી જતા વાહન ચાલકો ઉભા રહી ગયા હતા. બાદમાં લોકો નદી કિનારે દોડી ગયા હતા. પારડી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જયારે ચંદ્રપુર માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટના સભ્યો પણ દોડી ગયા બાદ નેહાની પાણીમાંથી મૃત હાલતમાં લાશ બહાર કાઢી હતી. 

ધોરણ 12ની પરીક્ષામાં નેહા ફરીવાર નાપાસ થતાં આઘાતમાં આવી જઈ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા જ મહિનામાં પારડી પાર નદીના પુલ પરથી વાપીના બિલ્ડર સહિત પાંચથી છ વ્યક્તિઓએ છલાંગ લગાવી આપઘાત કર્યા હતા. જેને લઈ પારડી પાર નદીનો પુલ સ્યુસાઈડ ઝોન બન્યો છે. આ પ્રકારના વધી રહેલા બનાવને રોકવા પોલીસ વિભાગ દ્વારા પુલ નજીક કર્મચારી તૈનાત કરાય તેવી પણ માગ ઉઠી છે.

વાપીમાં પારડીની વિદ્યાર્થિની ધોરણ 12ની પરીક્ષામાં નાપાસ થતા આપઘાત કરતા ચકચાર 2 - image

આપઘાત પૂર્વે મૃતકે પિતાને ફોન કરી જાણ કરી હતી

મોટા વાઘછીપા ગામે રહેતી અને ધોરણ 12મા ભણતી વિદ્યાર્થિનીએ પરીક્ષામાં નાપાસ થતાં જીંદગીની પરીક્ષા પણ નાપાસ કરી દીધી હતી. વિદ્યાર્થિનીએ અંતિમ પગલું ભરવા પહેલા શાકભાજીનો ધંધો કરતા પિતા કમલેશ પટેલને મોબાઈલ પર ફોન કરી હું પારડી પાર નદીના પુલ પાસે છું હું ફરી વખત નાપાસ થઈ એમ કહ્યું હતું. પુત્રીના ફોન પર વાતચીત કરતા જ માતા અને પિતા તુરંત જ પારડીના પાર નદીના પુલ પર દોડી ગયા બાદ તેઓને પુત્રીના આપઘાતની જાણ થતાં હતપ્રત બની ગયા હતા.

Tags :