વલસાડમાં બાબા આદમના જમાનાના સાધનોથી હવામાન વિભાગ કાર્યરત છે
- 23 માર્ચ:વિશ્વ હવામાન શાસ્ત્ર દિવસ
- હવામાન માપવા ચાર થર્મોમિટર, 1 બેરો મિટર, 2 વિન્ડ મિટર છે
- ૧ સૂર્યપ્રકાશ માપવાનું અને ૨ સાધનો વરસાદ માપવાના છે
વલસાડ, તા. 23 માર્ચ 2019, શનિવાર
૨૩ માર્ચના રોજ વિશ્વભરમાં હવામાનશાસ્ત્ર દિવસની ઉજવણી થાય છે. હવામાનશાસ્ત્ર(મેટોરોલોજીકલ) દિવસ સંદર્ભે ભાગ્યે જ કોઇને ખબર હોઇ શકે. વલસાડમાં તેની કોઇ કચેરી નથી, પરંતુ દમણગંગા નહેર વિભાગ દ્વારા તેના સાધનો લગાવાયા છે અને તેના થકી ૩૬૫ દિવસ સવાર-સાંજ હવામાન માપવામાં આવે છે. હવામાન માટેના આ સાધનો વર્ષો જૂના છે.
વલસાડમાં હવામાન વિભાગ સામાન્ય રીતે ડિઝાસ્ટર કંટ્રોલને માનવામાં આવે છે. પરંતુ ખરો હવામાન વિભાગ તિથલ રોડ સ્થિત દમણગંગા નહેર વિભાગની કોલોનીના એક ખંડેર ફ્લેટમાં ચાલી રહ્યો છે. અત્યંત બિસ્માર કોલોનીના કમ્પાઉન્ડમાં તાપમાન માપવાના અને વરસાદ માપવાના સાધનો ગોઠવાયા છે. સામાન્ય રીતે તાપમાન વોલ થર્મોમિટરથી મપાઇ છે. જે વિજ્ઞાાનના સાધનો મળે એ દુકાનમાં મળતા રહે છે, પરંતુ વલસાડના આ વિભાગ પાસે ખાસ પ્રકારના ચાર થર્મોમિટર છે. જેમાં મહત્તમ તાપમાન, લઘુત્તમ તાપમાન અને હવામાં ભેજના બે થર્મોમિટર છે. જેનાથી ચોક્કસ ગણતરી કરી તેનું પ્રમાણ માપવામાં આવે છે. આ સિવાય તેની ઓફિસમાં એક ખાસ પ્રકારનું બેરોમિટર પણ લગાવાયું છે. જેનાથી હવાનું દબાણ અને તેની ગણતરી ભેજના થર્મોમિટર સાથે કરી હવામાં ભેજનું પ્રમાણ શોધવામાં આવે છે.
આ જર્જરિત બિલ્ડીંગની છત પર હવાની ગતિ, હવાની દિશા અને સૂર્યપ્રકાશનો સમય માપવાના સાધનો પણ લગાવાયા છે. જેના થકી પવનની ગતિ માપી શકાય છે. વલસાડમાં ભલે સાધનો વર્ષો જૂના છે, પરંતુ તેના થકી રોજ બરોજ નિયમિત રીતે હવામાન માપી શકાય છે. સાધનો જુના પણ સારી ગુણવત્તાના હોવાનું કર્મચારીઓ જણાવે છે.
શું છે ચાર જુદા-જુદા થર્મોમિટરમાં ?
વલસાડમાં ચાર જુદા-જુદા થર્મોમિટરથી હવામાન મપાઇ છે. જેમાં એક થર્મોમિટરથી રોજ સવારે ૮.૩૦ કલાકે લઘુત્તમ તાપમાન માપવામાં આવે છે. બીજા થર્મોમિટરથી સાંજે ૫ કલાકે મહત્તમ તાપમાન માપવામાં આવે છે. જ્યારે અન્ય બે થર્મોમિટર પૈકી એક થર્મોમિટર હવામાં શુષ્કતાનું પ્રમાણ અને બીજાથી ભેજનું પ્રમાણ માપવામાં આવે છે. ભેજના બે થર્મોમિટરના આંકડા ઓફિસના બેરોમિટરના હવાના દબાણના આંકડા સાથે ગણતરી કરી તેમાંથી હવામાં ભેજનું પ્રમાણ મપાઇ છે.
ઉચ્ચ કક્ષાના થર્મોમિટર છે
વલસાડ હવામાન વિભાગ પાસે ઉચ્ચ કક્ષાના થર્મોમિટર હોવાનું કર્મચારી મહેશભાઇ પટેલે જણાવ્યું હતુ. તેમણે જણાવ્યું કે, આ થર્મોમિટર ખુબ ઉચ્ચ કક્ષાના છે. જે અમદાવાદથી આવે છે. આ સિવાય બેરોમિટર પણ વિશિષ્ટ પ્રકારનું છે. જેને ખુબ સંભાળીને રાખવામાં આવ્યું છે. આ વિભાગ કેન્દ્રના હવામાન વિભાગ સાથે જોડાયેલો છે. રોજ બરોજ તેમને આંકડા આપવાના થતા હોય છે.
શનિવારનું હવામાન
લઘુત્તમ તાપમાન ૧૭.૫ ડિગ્રી સેલ્સિયસ
મહત્તમ તાપમાન ૩૪.૫ ડિગ્રી સેલ્સિયસ
ભેજનું પ્રમાણ ૪૧ ટકા
પવનની ગતિ ૪ કિ.મી પ્રતિ કલાક