Get The App

વાંકલના તડકેશ્વર મંદિરની જમીનમાંથી રાજા-રજવાડા સમયની મોટી ઇંટો મળી

Updated: Apr 12th, 2022

GS TEAM


Google News
Google News
વાંકલના તડકેશ્વર મંદિરની જમીનમાંથી રાજા-રજવાડા સમયની મોટી ઇંટો મળી 1 - image


-રીનોવેશન કામગીરી વખતની ઘટના

-છત વિનાના મંદિરના ચોતરાના ખોદકામ સમયે ૩૫ સેમી લાંબી, ૨૦ સેમી પહોળી અને ૬ સેમી જાડાઇ ધરાવતી ઇંટો મળતા કુતૂહલ

ધરમપુર

ધરમપુરથી ૧૦  કિલોમીટર દૂર વલસાડ તાલુકાના વાંકલ ગામના દરૃ ફળીયામાં આવેલું છત વગરનું શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક મંદિરમાંનું એક ગણાય છે. અહીં પરિસર જર્જરિત થતા રીનોવેશનની કામગીરીના ખોદકામ વખતે જમીનમાંથી  સામાન્ય ઈંટથી અલગ અને પૌરાણિક સમયે અથવા  રાજા રજવાડા સમયે કન્સ્ટ્રક્શનમાં વપરાતી મોટી મોટી સાઈઝની ઇંટો  મળી આવતા ભારે કુતૂહલ સર્જાયું છે.

વાંકલ ગામના ઉમેદસિંહ નાથુસિંહ પરમારની જમીનમાં આવેલા તડકેશ્વર મંદિરની વિશેષતા એ છે કે મંદિરની ઉપર છત નથી. જેથી અહીં બિરાજમાન ભગવાન શિવ 'તડકેશ્વર/ મહાદેવના નામે જાણીતા છે. આ મંદિરની ફરતે અષ્ટકોણિય આકારનો માત્ર ચોતરો જ છે. આ ચોતરો અતિ જર્જરિત બનતા નવો બનાવની જરૃરિયાત ઉભી થઇ હતી. જેને પગલે ગામના અગ્રણી ઉમેદસિંહના પુત્ર સંદીપસિંહ પરમાર અને બિગેન્દ્રસિંહ પરમારે રામનવમીના પાવન દિવસે ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધી કરી ચોતરો બનાવની શરૃઆત કરી હતી. બીજા દિવસે ખોદકામ ચાલી રહ્યું ત્યારે અઢીથી ત્રણ ફૂટ નીચેથી એક અલગ પ્રકારની ઇંટો કે જે રાજવી સમયે અથવા પૌરાણિક સમયે વપરાતી એવી ઇંટો મળી આવતા કુતૂહલ સર્જાયું હતુ.

રાજવી પરિવારના મોટુદાદાની પારખી નજરે આ ઇંટોને તરત જ ઓળખી લીધી હતી અને અહીં કોઈ ધબકતી સંસ્કૃતિ હોવાની વાત કહી હતી. તેમણે જણાવ્યું કે, ૧૭૮૦માં દરબારગઢના બાંધકામ વખતે પણ આવી જ મોટી ઇંટો વપરાઈ હતી, ઈંટનું માપ લેતા લંબાઈ ૩૫ સેન્ટીમીટર, પોહળાઇ ૨૦ સેન્ટીમીટર અને જાડાઈ ૬ સેન્ટીમીટરની છે. કેટલાક વડવાઓના મતે વર્ષો અગાઉ અહીં ચોતરો હોવાની શક્યતા હોઇ શકે અને જે સમય જતા દટાઈ ગયો હશે. હવે અહીં ૧૬ સ્તંભ સાથે પરિક્રમા માટે અષ્ટકોણ ચોતરો બનાવવા કામગીરી કરવામાં આવી રહી છે. પુરાતત્વ ખાતા દ્વારા અહીંની આસપાસની જમીનો અભ્યાસ કરી ખોદકામ કરવામાં આવે તો કદાચ કશુંક મળે તો નવાઇ નહીં !આસપાસના ગામોમાં ખબર પડતાં જ કેટલાક લોકો ઇંટો જોવા અહીંની મુલાકાત પણ લઈ રહ્યા છે.

 

Tags :