Updated: Mar 28th, 2022
-દક્ષિણ ગુજરાતના યુવાનોની
ટીમોની ટુર્નામેન્ટ પહેલા મહિલાઓની મેચ
રમાઇ
ધરમપુર
ક્રિકેટ આપણા દેશમાં સૌથી વધુ રમાતી અને સૌથી લોકપ્રિય રમત છે, આજે દરેક ગામડે કે શહેરી વિસ્તારમાં યુવકો ક્રિકેટ ટુર્નામેન્ટ રમતા જોવા મળે છે પરંતુ ધરમપુરમાં યુવાનો સાથે હવે યુવતીઓ-મહિલાઓ પણ ક્રિકેટ રમવામાં જોડાઈ છે. મહિલા ક્રિકેટ મેચ બાદ દક્ષિણ ગુજરાતમાંથી આવેલી ભાઈઓની ટીમ ક્રિકેટ રમી હતી.
બ્રહ્મ સમાજમાં નવા યુવા હોદ્દેદારોની નિમણૂંક થતા નવી નવી પ્રવૃતિઓ ચાલી રહી છે. જેમાં રવિવારે ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાનું નક્કી કરાયું હતું જેમાં ધરમપુર, વલસાડ, પારનેરા, સુરત જેવા વિસ્તારોમાંથી વિવિધ ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. ધરમપુર નગરની જ બ્રહ્મ સમાજના પરિવારોમાંથી ૨૨ મહિલાઓએ ટીમ બનાવી રેડ અને બ્લેક ડ્રેસ કોડ રાખી ખારવેલના શ્રીજી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ઉતરી હતી. મહિલાઓ પણ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ રમે છે એ વાત વાયુવેગે નગર અને આસપાસના વિસ્તારોમાં ફરી વળતા જોતજોતમાં શ્રીજી ગ્રાઉન્ડ પ્રેક્ષકોથી ભરાઈ ગયું હતુ. મહિલાઓની મેચમાં બાઉન્ડ્રી થોડી નાની કરી છ-છ ઓવરની મેચ રમાડી શરઆત કરવામાં આવી હતી. જેમાં ટોસ જીતી બ્લેક ટીમે ૧૦૧ રન બનાવી દીધા હતા અને સામા છેડે રેડ ટીમે ૧૦૨ રન બનાવી જીત મેળવી લીધી હતી. આ મેચ બાદ દક્ષિણ ગુજરાતમાંથી આવેલી યુવાનોની ટીમોની ટુર્નામેન્ટ શરૃ કરાઇ હતી.
બ્રહ્મ સમાજનની અગ્રણી આશ્કા વિનસભાઈ પુરોહિતે જણાવ્યું કે, યુવક, યુવતીઓ કે મહિલાઓ આજે દરેક પાસે પોતાની અનોખી પ્રતિભા છે. અમે રમવાની ઈચ્છા દર્શાવી, જેને તમામે વધાવી ટુર્નાામેન્ટની શરૃઆત જ મહિલા ક્રિકેટથી કરાવી હતી. દરેક સમજે આનું અનુકરણ કરી યુવતી-મહિલાઓની શક્તિઓને ખીલવાનો-નિખારવાનો મોકો આપવો જોઇએ.