Get The App

વલસાડ : મફતમાં આંખની સારવાર આપતી RNC આઇ હોસ્પિટલને 100 વર્ષ પૂર્ણ થયા

- આગામી વર્ષમાં અહીં કોલેજ શરૂ થશે

- વલસાડની આ હોસ્પિટલમાં ગુજરાત જ નહી, પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે

Updated: Jun 28th, 2019

GS TEAM


Google News
Google News
વલસાડ : મફતમાં આંખની સારવાર આપતી RNC આઇ હોસ્પિટલને 100 વર્ષ પૂર્ણ થયા 1 - image

વલસાડ, તા. 28 જૂન 2019, શુક્રવાર

આંખની એવી કોઇ સારવાર નથી કે જે વલસાડની આરએનસી હોસ્પિટલમાં થઇ શકતી નથી. આ હોસ્પિટલમાં તમામ પ્રકારના અત્યાધુનિક સાધનો છે અને તેના થકી આંખની તમામ પ્રકારની સારવાર શક્ય બની છે. રોજના અહીં ૩૦૦થી વધુ દર્દીઓની ઓપીડી આવે છે. અને રોજના ૫૦થી ૬૦ મોતિયાના ઓપરેશનો થાય છે. એવું વલસાડ આરએનસી હોસ્પિટલના ટ્રસ્ટી ધનંનજય (ભરત) દેસાઇએ આરએનસી હોસ્પિટલના શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું. 

પત્રકાર પરિષદમાં અન્ય ટ્રસ્ટી ડો. કુરેશીએ જણાવ્યું કે, વલસાડની આરએનસી હોસ્પિટલમાં હાલ ૮ ડોક્ટરો ફૂલ ટાઇમ સર્વિસ અને ૧૨ સ્પેશ્યાલિસ્ટો વિઝીટીંગ ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. જેમના થકી અહીં રોજ મોતિયા સિવાય ઝામર, ક્રોનિયા ટ્રાન્સપ્લાન્ટ, આંખના પડદાના વિવિધ પ્રકારના ઓપરેશનો થઇ રહ્યા છે.

અહીં તમામ પ્રકારની આધુનિક સારવાર તમામ દર્દીઓને વિના મુલ્યે કોઇ પણ ભેદભાવ વિના છેલ્લા ૧૦૦ વર્ષથી અપાઇ રહી છે. જેમાં અનેક લોકોનો ફાળો છે. હોસ્પિટલના નિર્માણ સંદર્ભે ભરતભાઇએ જણાવ્યું કે, કર્ણાટકમાં લાકડાનો વેપાર કરતા વલસાડના પારસી શ્રેષ્ઠી દાદાભાઇ રતનજી ચાવશાળેવાલાને કર્ણાટકમાં આંખની હોસ્પિટલ ખોલવાનો વિચાર આવ્યો હતો.

ત્યારે ત્યાં જ કામ કરતા વલસાડ ડો. અસાનાએ તેમને આ હોસ્પિટલ વલસાડમાં ખોલવાનું સુચન કર્યું અને બંને પારસીઓ વલસાડ આવ્યા અને ૧૯૧૯માં વલસાડમાં વી. પી. રોડ સ્થિત અંબામાતા મંદિરની બાજુમાં હોસ્પિટલ શરુ કરી હતી. ત્યારે આ હોસ્પિટલમાં ડો. પરાગજી દેસાઇ પોતાની ધમધોકાર પ્રેક્ટિસ છોડી જોડાયા હતા. ત્યારથી આ હોસ્પિટલ શરુ થઇ હતી. ત્યારબાદ હોસ્પિટલ આઝાદ ચોક પર અને પછી હાલના કલ્યાણબાગ સામેના સ્થળે બની હતી.

શરુઆતમાં ૪ બેડની હોસ્પિટલ હાલ ૪૦ બેડની બની ગઇ છે અને અત્યાધુનિક બની ગઇ છે. અહીં ગુજરાત જ નહી, પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ આંખની સારવાર માટે આવે છે. 

અનેક પરિવારના વસિયતમાં હોસ્પિટલને દાન મળ્યું 

વલસાડના અનેક પરિવારો પોતાની વસિયતમાં આરએનસી હોસ્પિટલને દાન આપવાની જાહેરાત કરી ગયા હતા. તેમના નિધન બાદ આરએનસીને મોટું દાન મળતું ગયુ હતુ. જેમાં વલસાડના મુનશી પરિવાર તરફથી હોસ્પિટલને મોટું દાન મળ્યું હતુ. હોંગકોંગ સ્થાયી થયેલા વલસાડના અન્ય બે પારસી પરિવારે તેમના શેર હોંગકોંગ બેંકને આપી દીધા હતા, પરંતુ તેનું ડિવિડન્ડ તેમણે આરએનસી હોસ્પિટલને આપવાની શરત કરી હતી. આજે એ શેરનું વાર્ષિક રુ. ૩૫ લાખ જેટલું ડિવિડન્ડ હોસ્પિટલને મળી રહ્યું છે. જેના થકી આરએનસીનું જૂની ઢબનું બિલ્ડીંગ તોડીને નવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતુ. 

આગામી વર્ષમાં અહીં કોલેજ શરૂ થશે 

વલસાડની આરએનસી આઇ હોસ્પિટલ હાલ તમામ સુવિધાયુક્ત હોસ્પિટલ બની ગઇ છે. આગામી સમયમાં અહીં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ શરુ થાય એવું આયોજન હાથ ધરાયું છે. અહીં આંખની કોલેજ શરુ થાય એવા પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. 

Tags :