પતેતીની ઉત્સાહભેર ઉજવણી : પારસી સમાજની ઘટડી વસ્તી ચિંતાનો વિષય
- ઉદવાડા પારસી અગિયારી ખાતે આતશ (અગ્નિ) સમક્ષ પૂજા અર્ચના કરાઇ
- એકબીજાને નવરોઝ મુબારકબાદ પાઠવાયા
વાપી, તા.17 ઓગસ્ટ 2019, શનિવાર
પારસીઓના પવિત્ર પતેતી તહેવારની વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પારસીઓના ઐતિહાસિક તિર્થધામ સમા ઉદવાડા પારસી અગિયારી ખાતે સમાજના વડા દસ્તુરની ઉપસ્થિતિમાં પૂજા-અર્ચના કરી સમાજના લોકોએ એકબીજાને મુબારકબાદ પાઠવ્યા હતા.
પારસીઓના પવિત્ર તહેવાર પતેતીની દક્ષિણ ગુજરાતમાં શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જીલ્લાના ઉદવાડા સ્થિત ઐતિહાસિક તિર્થધામસમા પારસી અગિયારી ખાતે જુદા-જુદા શહેરોમાંથી પારસીઓ ઉમટી પડયા હતા. સવારે સમાજના વડાદસ્તુરની ઉપસ્થિતિમાં લોકોએ આતશ (અગ્નિ) સમક્ષ શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ સમાજના લોકોએ એકબીજાને નવરોઝ મુબારકબાદ પાઠવી હતી.
પારસી સમાજના અગ્રણી અસ્પી સૂઈએ જણાવ્યું કે, ગુજરાત સરકારે પતેતી મરજીયાત રજાને જાહેર રજા ઘોષિત કરવા કરેલી માંગણીનો સ્વીકાર કર્યો તે બદલ આભાર વ્યકત કરી ઉમેર્યુુ કે, દિન-પ્રતિદિન પારસી સમાજની વસ્તીમાં થઈ રહેલા ઘટાડા અંગે ચિંતા વ્યકત કરી હતી. તેઓએ વસ્તી વધારા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
જ્યારે વડાદસ્તુરે પતેતી પર્વની સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. નવસારી, વલસાડ, સંજાણ, નારગોલ સહિતના વિસ્તારોમાં રહેતા પારસીઓએ પતેતીની ભારે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. આ ઉપરાંત સંઘપ્રદેશ દમણમાં પણ સમાજના લોકો એકત્રિત થઈ પર્વની ધાર્મિકમય વાતાવરણમાં ઉજવણી કરી હતી. પારસી અગિયારીમાં પતેતીના ૧૦ દિવસ અગાઉથી મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.