Updated: May 8th, 2023
- કોચરવાના શૈલેષ પટેલ પત્ની સાથે મંદિરે ગયા તે વેળાએ ઉપરાછાપરી ત્રણ ગોળી ધરોબી દીધી
- ચાર વર્ષ અગાઉ પણ ગોળીબાર કરાયો હતો પણ બચાવ થયો હતો
વાપી,તા.8 મે 2023,સોમવાર
વાપીના રાતા ખાતે આવેલા મંદિર પાસે આજે સોમવારે કોચરવાના ખેડૂતની ઉપરાછાપરી ત્રણ ગોળી મારી હત્યા કરાતા ચકચાર મચી ગઇ હતી. મૃતક પત્નીને લઇ મંદિરે આવ્યા બાદ પત્ની દર્શન કરવા ગઇ અને મૃતક સ્કોર્પિયો બેઠા હતા તે વેળાએ ઘટના બની હતી. વહેલી સવારે બનેલી ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ હતી.
પ્રાપ્ત માહિતિ અનુસાર વાપીના કોચરવા ગામે મોટાઘર ફળિયામાં રહેતા ખેડૂત શૈલેષ કીકુભાઇ પટેલ (ઉ.વ.૫૦) અને પત્ની આજે સોમવારે સ્કોર્પિયો ગાડીમાં રાતા મંદિરે ગયા હતા. પત્ની મંદીરે દર્શન કરવા ગઇ હતી. શૈલેષ નજીકમાં ગાડી પાર્ક કરી અંદર જ બેઠો હતો. તે વેળાએ અચાનક તેના પર ઉપરાછાપરી ત્રણ રાઉન્ડ ગોળીબાર કરાતા ઘટનાસ્થળે મોત થયું હતું.
ઘટનાને પગલે લોકોમાં આફરાતફરી મચી ગઇ હતી. લોકો એકત્રિત થયા બાદ પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે લાશનો કબજો લઇ પી.એમ. માટે મોકલી દીધી હતી. શૈલેષ પટેલ પર કોણે અને કોના ઇસારે ગોળીબાર કરી હત્યા કરાઇ તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. વાપી હરિયા હોસ્પિટલમાં પરિવારજનો સહિત લોકો એકત્રિત થઇ ગયા હતા. પી.એમ. કરવાના મુદ્દે પોલીસ અને પરિવારજનોમાં બોલાચાલી પણ થઇ હતી. ઉચંચ પોલીસ અધિકારી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.
ચાર વર્ષ અગાઉ પણ ગોળીબાર કરાયો હતો.
કોચરવાના ખેડૂત શૈલેષ પટેલ ચાર વર્ષ અગાઉ પુત્રીને શાળાએ લેવા સ્કોર્પિયો ગાડી ગયા હતા. પુત્રીને લઇ શાળાથી પર ઘરે જતી વેળા કોચરવા વડિયાવાડમાં હુમલાખોરોએ ગોળીબાર કરી મારી નાંખવાનો પ્રયાસ કરાયો હતો.
જુની અદાવતમાં હત્યા કરાયાની આશંકા
કોચરવાના ખેડૂત શૈલેષ પટેલ પર ગોળીબાર કરી ઢીમ ઢાળી દેવાની આજે વહેલી સવારે બનેલી ઘટનાને લઇ ભારે ચકચાર મચી ગઇ હતી. શૈલેષ પટેલ દર સોમવારે સવારે રાતા શિવજી મંદીરે પત્નીને લઇ મંદિરે જતા હતા. સ્કોર્પિયો ગાડીમાં બેસેલા શૈલેષ પર ગાળીબાર કરાયો હતો. થોડા વર્ષ અગાઉ થયેલા ધિંગાણાની અદાવતમાં કૃત્ય કરાયું હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે.