કાકા સસરાએ દંપતિની અંગત પળોનો વીડીયો ઉતારી બ્લેકમેઈલીંગ શરૂ કર્યું
- કલોલની પરિણીતાએ અભયમ્ હેલ્પલાઈનની મદદ માંગી
- પહોંચેલી ટીમે આધેડને બોલાવી ફોનમાંથી તમામ વીડીયો ડીલીટ કરાવી પરિવારજનોને જાણ કરી દીધી
ગાંધીનગર, તા.06 જુલાઈ 2020, સોમવાર
સમાજમાં વ્યાભિચારના કિસ્સા દિનપ્રતિદિન વધી રહયા છે ત્યારે પરિવારની જ પરિણીતા સાથે બળજબરી કે બ્લેકમેઈલ કરતાં તત્ત્વો પણ સભ્ય સમાજમાં જોવા મળી રહયા છે. આવી જ એક ઘટના કલોલ શહેરમાં બનવા પામી છે. અહીં રહેતી પરિણીતા તેના પતિ સાથે કાકા સસરાના ઘરે કોઈ કામ અર્થે ગયા હતા અને રાત્રી રોકાણ કર્યું હતું.
આ સમયે કાકા સસરાએ પતિ-પત્નિની અંગત પળોનો વીડીયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ આ વીડીયો પરિણીતાને મોકલી કાકા સસરાએ તેની પાસે શરીર સુખની માંગણી કરી હતી નહીંતર આ વીડીયો અન્ય લોકોને મોકલી દેવાની ચિમકી ઉચ્ચારી હતી. પરિણીતાએ કાકા સસરાની માંગણી નહીં સ્વીકારતાં પરિણીતાના પરિવારજનોને આ વીડીયો મોકલી દીધો હતો. જેના કારણે પરિવારમાં તકરાર પણ ઉભી થઈ હતી. ત્યારે આ મહિલાએ આ અંગે ૧૮૧ અભયમ્ હેલ્પલાઈનને જાણ કરી હતી.
જેના પગલે ટીમ તેમના ઘરે પહોંચી હતી. જયાંથી મહિલાને લઈ કાકા સસરાના ઘર પાસે ગયા હતા અને તેમને બહાર બોલાવી પોલીસ ટીમે તેમને ઠપકો આપી ફોનમાંથી તમામ વીડીયો ડીલીટ કરાવી દીધા હતા અને આ ઘટના અગે તેમના પરિવારજનોને પણ જાણ કરી હતી. જો કે પરિવારજનોની બદનામી ના થાય તે માટે પરિણીતાએ કાકા સસરા સામે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.