Get The App

કેપિટલ રેલ્વે સ્ટેશને જમ્મુ, દહેરાદુન, જયપુરની ટ્રેનોની અવર જવર શરૂ થશે

- કચ્છ - સૌરાષ્ટ્ર તેમજ દેશના અન્ય વિસ્તાર સાથે સ્ટેશન જોડાશેઃઅમદાવાદ - આબુ રોડ વાયા ગાંધીનગરથી દોડશે

Updated: Feb 24th, 2019

GS TEAM

Google News
Google News
કેપિટલ રેલ્વે સ્ટેશને જમ્મુ, દહેરાદુન, જયપુરની ટ્રેનોની અવર જવર શરૂ થશે 1 - image



ગાંધીનગર,તા, 23 ફેબ્રુઆરી 2019, શનિવાર

કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપર હાલમાં પાંચ સીતારા હોટલની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે વધુને વધુ ટ્રેનો સ્ટેશન ઉપરથી પસાર થાય તે માટેની કવાયત પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ - આબુ રોડની ટ્રેન સહિત સૌરાષ્ટ્ર તરફથી આવતી ટ્રેનોને પણ વાયા ગાંધીનગર થઇને દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ ટ્રેનો કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થશે. જેનો લાભ પાટનગરવાસીઓને પણ મળશે.

રાજ્યના પાટનગરમાં આવેલાં રેલ્વે સ્ટેશનની રચના થયા બાદ ફક્ત જુજ સંખ્યામાં જ ટ્રેનોની અવર જવર હાલમાં થઇ રહી છે તો કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપર સમગ્ર દેશની પ્રથમ રેલ્વે ટ્રેક ઉપરની પાંચ સીતારા હોટલના નિર્માણની કામગીરી ચાલી રહી છે. આમ આગામી દિવસોમાં કામગીરી પુર્ણ થયાં બાદ વધુને વધુ ટ્રેનો આ સ્ટેશન ઉપરથી અવર જવર કરે તે માટે તંત્ર દ્વારા કવાયત પણ હાથ ધરવામાં આવી છે તો છેલ્લા ઘણા વર્ષોથી શહેર વસાહત મહામંડળ દ્વારા પણ વધુને વધુ ટ્રેનો દોડે તે માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. 


આમ આ રજૂઆતોને ન્યાય મળ્યો હોય તેમ તંત્ર દ્વારા ભુજ - બરેલી, અમદાવાદ - જમ્મુતાવી, ઓખા - દહેરાદુન, ઓખા - જયપુર, ભુજ - અલ્લહજીરા - બરેલી, પોરબંદર - સરારોહીલ્લ, પોરબંદર - મુઝફરપુર તરફ અવર જવર કરતી ટ્રેનો વાયા ગાંધીનગર થઇને દોડશે. તો બીજી તરપ અમદાવાદ - આબુ રોડ વાયા પાટણ, પાલનપુર મેમુને પણ ગાંધીનગર થઇને દોડાવવામાં આવશે. તાજેતરમાં રેલ્વેના ઉચ્ચઅધિકારીઓ મુલાકાતે આવ્યા હતા અને મંડળ દ્વારા વધુને વધુ ટ્રેનો શરૂ થાય તે માટે પુનઃ રજૂઆત પણ કરી હતી.

જેના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આમ અન્ય ૩૮ જેટલી ટ્રેનો પણ પાટનગરના રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થાય તેની પણ રજૂઆત કરવામાં આવી છે. આમ આ ટ્રેનોની અવર જવરથી સૌરાષ્ટ્ર તેમજ દેશના અન્ય વિસ્તારના મુસાફરોને પણ ટ્રેનની સુવિધા કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપરથી પ્રાપ્ત થઇ શકશે તેવું મહામંડળના પ્રમુખ અરૂણ બુચે જણાવ્યું છે.

Tags :