Get The App

પગાર અને પ્રમોશનને લગતા વિવિધ પ્રશ્નોને લઇને રાજ્યના આઠ હજાર તલાટીઓના ગાંધીનગરમાં આજે ધરણાં

-પંચાયત તલાટીના પ્રશ્નોને લઇને વારંવાર કરાયેલી રજુઆતો ધ્યાને નહીં લેતા હવે આક્રમક કાર્યક્રમો અપાશે

Updated: Oct 6th, 2018

GS TEAM

Google News
Google News
પગાર અને પ્રમોશનને લગતા વિવિધ પ્રશ્નોને લઇને રાજ્યના આઠ હજાર તલાટીઓના ગાંધીનગરમાં આજે ધરણાં 1 - image

ગાંધીનગર,તા.5 ઓકટોબર 2018,શુક્રવાર

પંચાયત વિભાગના તલાટીઓના વિવિધ પ્રશ્નો અંગે એસોસીએશન દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. સરકારમાં રજૂઆત અને અન્ય કાર્યક્રમો આપ્યા છતાં કોઇ નિરાકરણ આવતાં આવતીકાલે સમગ્ર રાજ્યના પંચાયત તલાટી કમ મંત્રી ગાંધીનગર આવીને ધરણાં કરશે. આઠ હજારથી પણ વધારે તલાટીઓ પગાર અને પ્રમોશન સહિતના વિવિધ પ્રશ્નોને લઇને સરકાર સમક્ષ રજૂઆત કરશે.

પંચાયત સંવર્ગના તલાટી કમ મંત્રીને ઉચ્ચતર પગાર ધોરણમાં ઘણાં વર્ષોથી અન્યાય થઈ રહયો છે અને બઢતીની તકો પણ તેના કારણે ઓછી મળી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે જ કેટલાક ઠરાવો કર્યા છે પરંતુ તેની અમલવારી થતી નથી.

આ ઉપરાંત સર્કલ ઈન્સ્પેકટરની જગ્યા વિસ્તરણ અધિકારી (પંચાયત) માં અપગ્રેડ કરવામાં આવી છે. જેને લઈને તલાટીને પ્રથમ બઢતી વિસ્તરણ અધિકારી પંચાયતમાં જ મળે તેવો અર્થ કાઢવામાં આવ્યો છે જે પણ ખોટો હોવાનો તલાટી મહામંડળે સરકાર સમક્ષ અગાઉ રજૂઆત કરી હતી.

 એટલું જ નહીં આ સિવાય પણ અન્ય વિવિધ પ્રશ્નોને લઈને રાજ્ય મહામંડળે મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર આપ્યાં હતાં. તેમ છતાં કોઇ હકારાત્મક વલણ સરકાર તરફથી અપનાવવામાં આવ્યું નથી. જેને લઇને તલાટી મંડળે માસસીએલનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. છતાં કોઇ નિરાકરણ નહીં આવતાં હવે રાજ્યના તમામ તલાટીઓ ભેગા થશે.

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં આવતીકાલે રાજ્યના તમામ પંચાયત તલાટીઓ એકઠા થશે અને અહીં ધરણાં કરશે. એટલું  જ નહીં પગાર, પ્રમોશન સહિતના તમામ મુદ્દાને લઇને ઉગ્ર રજૂઆત પણ કરશે. 

Tags :