Get The App

રખિયાલમાં બિયરના મોટા જથ્થા સાથે કારમાં સવાર ત્રણ પકડાયા

- લોકડાઉનમાં રાહત મળતાં દારૂની હેરાફેરી વધી

- ચંદ્રાલા નાકા પોઈન્ટ ઉપર પોલીસને વાહનચેકીંગમાં કાર અને બસમાંથી દારૂ કબ્જે કર્યોઃબેની ધરપકડ

Updated: May 30th, 2020

GS TEAM

Google News
Google News
રખિયાલમાં બિયરના મોટા જથ્થા સાથે કારમાં સવાર ત્રણ પકડાયા 1 - image


ગાંધીનગર,તા. 29 મે 2020,શુક્રવાર

લોકડાઉનમા આંશિક છુટછાટ મળતાં હવે વાહન વ્યવહાર હળવો થયો છે જેના કારણે વિદેશી દારૂની હેરાફેરી પણ વધવા લાગી છે. ત્યારે ગાંધીનગર એલસીબી-ર ની ટીમે રખિયાલ પાસેથી બિયરના જથ્થા સાથે એક કારને ઝડપી પાડી હતી અને તેમાં સવાર ત્રણ શખ્સોને પકડયા હતા. તો ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસે પરપ્રાંતની કારમાંથી વિદેશી દારૂની ૧૧ બોટલ અને ચાર ટીન બિયરના કબ્જે કર્યા હતા. તો અન્ય એક ટ્રાવેલ્સની બસમાંથી મુસાફરને વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપી પાડયો હતો. આ સંદર્ભે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.     

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે બે મહિનાના લોકડાઉન બાદ હવે તેમાં આંશિક છુટછાટ મળી રહી છે ત્યારે વાહન વ્યવહાર પણ ધીરેધીરે પૂર્વવત થવા લાગ્યો છે. જેમાં દારૂની હેરાફેરી સતત વધી રહી છે. જો કે જિલ્લાના પ્રવેશદ્વારો ઉપર પોલીસે નાકા પોઈન્ટ ગોઠવીને આવા દારૂ ભરેલા વાહનો પકડવા ઝુંબેશ આદરી છે. 

ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે રખિયાલના ડુમેચા ગામ પાસેથી જીજે-૧૮-એએમ-૮૯૩૧ નંબરની કારમાં બિયરનો જથ્થો લઈ જવાઈ રહયો છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ કારને ઝડપી પાડી હતી જેમાંથી ૬૪૮ નંગ બિયરના ટીન અને ૮૪ વિદેશી દારૂની બોટલ કબ્જે કરી હતી. કારમાં સવાર પપ્પુ નાથાભાઈ પટેલ રહે.

બિચ્છુવાડા રાજસ્થાન તેમજ કારની આગળ પાયલોટીંગ કરી રહેલી કારમાં સવાર દશરથસિંહ વિજયસિંહ જાડેજા અને પંકજ છગનલાલ પવાર રહે.ડુંગરપુરને ઝડપી પાડી કુલ ૭.૧૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો બીજી તરફ ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન હિંમતનગર તરફથી એમએચ-૦૪-ડીઈ-૬૪૯૫ નંબરની કાર આવી હતી. જેને ઉભી રાખી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની ૧૧ બોટલો અને ચાર બિયરના ટીન મળી આવ્યા હતા.

જેમાં સવાર જામનગર, શાંતિવન સોસાયટીમાં રહેતા  દશરથસિંહ દેવુભા જાડેજાને ઝડપી પાડયા હતા અને દારૂ અને કાર મળી ૧.૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો બીજી બાજુ હિંમતનગર તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સની બસને પણ ઉભી રાખી હતી. જે સમયે તેમાંથી એક શખ્સ નીચે ઉતર્યો હતો અને પોલીસને જોઈ થેલા સાથે દોડવા લાગ્યો હતો. જેથી પોલીસે તેને ઉભો રાખી થેલો તપાસતાં વિદેશી દારૂની ચાર બોટલ મળી આવી હતી. પોલીસે અમદાવાદ નિકોલમાં રહેતા યોગેશ આશિષભાઈ ચંદેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Tags :