Get The App

કોર્પોરેશનમાં મિલકતવેરાની આવક 14 કરોડ રૂપિયાએ પહોંચી

- 13 હજારથી વધુ લોકોએ રીબેટ યોજનાનો લાભ લીધો

- રહેણાંક તેમજ કોમર્શિયલ મિલકતોમાં 31મી જુલાઈ સુધી જ રીબેટ મળશેઃઓગસ્ટ પછી બીલોનું વિતરણ થશે

Updated: Jul 20th, 2020

GS TEAM

Google News
Google News
કોર્પોરેશનમાં મિલકતવેરાની આવક 14 કરોડ રૂપિયાએ પહોંચી 1 - image


ગાંધીનગર,તા. 20 જુલાઈ 2020, સોમવાર

રાજયના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકામાં ગયા વર્ષની સરખામણીએ મિલકત વેરાની આવક ઘટી છે પરંતુ હાલના તબક્કે ૧૪ કરોડે પહોંચી ગઈ છે. દસ ટકા રીબેટ યોજનાનો લાભ ૧૩ હજાર કરતાં વધુ મિલકતધારકોએ લીધો છે. તા.૩૧મી જુલાઈ સુધી રહેણાંક અને કોમર્શિયલ મિલકતોમાં આ રીબેટ યોજનાનો લાભ મળશે. કોર્પોરેશન તંત્ર ઓગસ્ટ પછી બીલોનું વિતરણ કરશે તેમ હાલના તબકકે લાગી રહયું છે.

કોરોના મહામારીના કારણે લોકોની સાથે સરકાર અને કોર્પોરેશનની પણ આવક ઘટી રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં કોરોનાના કારણે મિલકતવેરાની આવક ગત વર્ષની સરખામણીએ ઘટી છે પરંતુ રીબેટ યોજનાના કારણે લોકોએ ઓનલાઈન અને ઓફલાઈન વેરો ભરવાનું ચાલુ રાખ્યું છે.

હાલમાં ૧૩ હજાર કરતાં વધુ મિલકતધારકોએ રીબેટ યોજનાનો લાભ લઈ મિલકતવેરા પેટે કોર્પોરેશનને ૧૪ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ચુકવી દીધી છે. આ યોજના તા.૩૧મી જુલાઈ સુધીજ અમલી રહેવાની છે. કોર્પોરેશન દ્વારા હાલમાં નવા બિલોનું વિતરણ શરૂ કરવામાં આવનાર નથી.

જેથી મિલકતધારકોએ રહેણાંકમા દસ ટકા અને કોમર્શિયલ મિલકતમાં ૩૦ ટકા વેરા માફી જોઈતી હોય તો તેમણે તા.૩૧ જુલાઈ પહેલા વેરો ભરી દેવો પડશે. ત્યારબાદ આ યોજનાનો સમય વધારવામાં આવશે નહીં તેવું લાગી રહયું છે. ગાંધીનગરમાં રપ હજાર જેટલા કોમર્શિયલ મિલકતધારકોએ સૌપ્રથમ વાર ૩૦ ટકા જેટલી રાહત મળી રહી છે. દસ ટકા કોર્પોરેશન દ્વારા અને વીસ ટકા રાજય સરકારની રાહત યોજનાનો લાભ મેળવી શકશે. ગાંધીનગર ઉપરાંત આ વખતે નવા ઉમેરાયેલા વિસ્તારોમાં પણ વેરો વસુલવાની જવાબદારી કોર્પોરેશનના શીરે છે ત્યારે મિલકતવેરા પેટે કોર્પોરેશનની આવક વધશે તે નક્કી છે.

Tags :