દર્દીના સગાએ ઓપીડીનો દરવાજો બંધ કરી તબીબને બાનમાં લીધા
- સિવિલમાં સોનોગ્રાફી કરાવવા મામલે હોબાળો
- મામલો બીચકતાં પોલીસને બોલાવવાની ફરજ પડી દર્દીને કોઈએ બહારથી સોનોગ્રાફી કરાવવા કહયું હતું
ગાંધીનગર, તા. 27 મે 2020,બુધવાર
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આજે સોનોગ્રાફી બાબતે દર્દીના સગા અને સ્ટાફ વચ્ચે ચકમક ઝરી હતી અને ઉશ્કેરાયેલા આ સગાએ ઓપીડીનો દરવાજો જ બંધ કરી ડોકટરને બાનમાં લઈ લીધા હતા. મામલો બીચકવાના કારણે સે-૭ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આ સંદર્ભે પોલીસે દરમયાનગીરી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બહારથી સોનોગ્રાફી કરાવવાનું કોઈએ કહેતા આ ઘટના બની હોવાનું જાણવા મળી રહયું છે.
ગાંધીનગર સિવિલમાં બનેલી આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે ઓપીડીમાં હાજર એક તબીબે સગર્ભાને બહારથી સોનોગ્રાફી કરાવવાનું લખી આપ્યું હતું. જેના પગલે સાથે આવેલા સગાએ સિવિલમાં સોનોગ્રાફી થાય તો બહારથી કરાવવા કેમ કહો છો.. તેમ કહી માથાકુટ કરી હતી.
ત્યારે તબીબે કહયું હતું કે કોરોનાનું સંક્રમણ ના થાય તે માટે સગર્ભાઓ માટે અલગથી સોનોગ્રાફીની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે સગર્ભા સાથે આવેલા તેના સગાએ સિવિલના જ એકસરે વિભાગમાં જઈને સોનોગ્રાફી કરાવી હતી અને ત્યારબાદ તબીબને બતાવવા આવ્યા હતા અને તબીબ સાથે માથાકુટ કરી હતી.
રોષે ભરાયેલા આ શખ્સે ઓપીડીનો દરવાજો બંધ કરી ડોકટરને બાનમાં લઈ લેતાં હોબાળો મચી ગયો હતો. જેના પગલે ત્યાં હાજર કર્મચારીઓએ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને બોલાવી હતી. જેથી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મામલો સિવિલના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો. આખરે આ મામલે બન્ને પક્ષો સમજાવવાથી આ મામલે સમાધાન થયું હોવાનું જાણવા મળી રહયું છે.