Get The App

જગતનો નાથ રથમાં તો સવાર થશે જ,નગરચર્યા નહીં કરે

- કોરોનામાં ક્રૂષ્ણ પણ કેદઃ ગાંધીનગરમાં 35 વર્ષની પરંપરા તૂટશે

- લોકોત્સવ બની ગયેલી રથયાત્રા ફક્ત પંચદેવ મંદિર પુરતી સિમીત રહેશેઃભગવાન હનુમાન દેરીએ વિસામો લેશે

Updated: Jun 23rd, 2020

GS TEAM

Google News
Google News
જગતનો નાથ રથમાં તો સવાર થશે જ,નગરચર્યા નહીં કરે 1 - image


ગાંધીનગર, તા. 22 જૂન 2020, સોમવાર

સામાન્ય રીતે ભક્તો બારેમાસ ભગવાનના દર્શન માટે મંદિરે જતાં હોય છે ત્યારે વર્ષમાં એક દિવસ અષાઢી બીજે  ભગવાન રથમાં સવાર થઇને ભક્તોને દર્શન આપવા નીકળતાં હોય છે. આ રથયાત્રા ગાંધીનગરમાં લોકોત્સવ બની ગઇ છે. ત્યારે આ વખતે કોરોનાના કપરાકાળમાં કૃષ્ણ પણ કેદ થયા છે.

ગાંધીનગરની ૩૧ કિલોમીટર લાંબી રથયાત્રાની પરંપરા તુટી છે અને હવે ફક્ત પંચદેવ મંદિર પરિસરમાં રથયાત્રા નીકાળવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે સજીધજીને રથમાં તો સવાર થશે પરંતુ નગરચર્યા નહીં કરે.

વર્ષ ૧૯૮૫માં કોમી રમખાણોની સ્થિતિમાં અમદાવાદની પ્રસિધ્ધ રથયાત્રા નીકળે તેવી કોઇ સંભાવના ન હતી. પોલીસ અને સરકારે પણ રથયાત્રા નીકળે નહીં તે માટે મંદિર દરવાજા બંધ કરાવી દીધા હતા. ત્યારે ભક્તોને લાગણીને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના પંચદેવ મંદિરથી પહેલી રથયાત્રા નીકળી હતી. જેમાં ઊંટ લારીમાં ગાદલા પાથરીને ભગવાનને બીરાજમાન કરવામાં આવ્યા હતા અને ઊંટલારી રથયાત્રા સ્વરૂપે જુના ગાંધીનગરમાં ફેરવવામાં આવી હતી.

ત્યારબાદ રથયાત્રા સમિતિની સ્થાપના થઇ અને છેલ્લા ઘણા વર્ષોથી આ સમિતિ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પંચદેવ યુવક મંડળ અને ઘણા સ્વયંસેવકો, ભક્તો દ્વારા ગુજરાતની સૌથી લાંબી ૩૧ કિમીની રથયાત્રા ખેંચવામાં આવે છે.  કોમી એકતાની સાથે આ રથયાત્રા છેલ્લા ઘણા વર્ષોથી લોકોત્સવ બની ગઇ છે ત્યારે આ ભગવાનની રથયાત્રાને કોરોના નડયો છે.

આ અંગે સમિતિના અધ્યક્ષ દિનેશ કાપડીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રના ગૃહવિભાગ અને ગુજરાતની વડી અદાલતના હુમકોનું પાલન થાય અને કોરોનાનો ચેપ ફેલાય નહીં તે માટે પરંપરાગત રથયાત્રા યોજાશે નહીં. પ્રતિકાત્મકરીતે મંદિર પરિસરમાં જ નિયમોનું પાલન કરીને રથયાત્રા નીકાળાશે. જ્યારે પંચદેવ મંદિરના મહંત ફુલશંકર શાસ્ત્રીજીએ કહ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનનો નેત્રોત્સવ કરવામાં આવ્યો છે. સવારે ભગવાનને સ્નાન કરાવી સજાવીને રથમાં પધરાવવામાં આવશે. અહીં સવાર ૭.૩૦ કલાકે સ્વયંસેવકો અને ભક્તોની હાજરીમાં આરતી કરવામાં આવશે. ત્યારબાદ મંદિર પરિસરમાં રથયાત્રા નીકળવામાં આવશે. હનુમાનજીની દેરી પાસે વિસામો લેવામાં આવશે. ત્યારબાદ રથયાત્રા દર્શનાર્થે મુકવામાં આવશે.

જ્યાં સોશ્યલ ડીસ્ટસીંગનું પાલન કરીને   ભક્તોને ભગવાન દર્શન આપશે. સાંજે થાળ અને આરતી બાદ રથયાત્રાનું વિસર્જન કરાશે. સેક્ટર-૫ પ્રેરણા વિદ્યાલયથી છેલ્લા ઘણા વર્ષોથી નીકળતી બાળકોની રથયાત્રા પણ આ વખતે મહામારીને ધ્યાનમાં રાખીને બંધ રાખવામાં આવી છે. તો જિલ્લાના પેથાપુર, છાલા, દહેગામ, કલોલમાં પણ આ વખતે રથયાત્રા નહીં થાય તેવું જાણવા મળી રહ્યું છે.

Tags :