ગાંધીનગર જિલ્લામાં બંધ થયેલી બસની સુવિધા 58 દિવસે શરૂ થઇ
- લોકડાઉન અગાઉ જનતા કર્ફ્યુના દિવસથી
- દહેગામ, માણસા અને કલોલના રૂટ ઉપર બસોનું સંચાલન કરવામાં આવશે
ગાંધીનગર, તા. 20 મે 2020, બુધવાર
ગાંધીનગર શહેર અને જિલ્લામાં અવર જવર કરતી એસટીની સુવિધાને કોરોના મહામારીના પગલે અપાયેલા લોકડાઉન અગાઉ જનતા કર્ફ્યુ વખતથી બંધ કરવામાં આવી હતી ત્યારે સરકાર દ્વારા લોકડાઉન - ૪ અગાઉ જે છુટછાટો આપવામાં આવી છે. તેમાં જિલ્લાની અંદર બસોની અવર જવરને મંજુરી અપાઇ છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં તંત્ર દ્વારા બુધવારથી બસો શરૂ કરવામાં આવી છે.
સમગ્ર દેશમાં તા.૨૪ માર્ચના રોજ લોકડાઉનના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે અગાઉ જનતા કર્ફ્યુ કોરોના મહામારીના પગલે આપવામાં આવ્યું હતું. આમ જનતા કર્ફ્યુ વખતે ગુજરાત રાજ્યમાં એસટી નિગમ દ્વારા પણ બસોને નહીં દોડાવવાનો નિર્ણય કરાયો હતો. તો તેના બીજા દિવસ બાદ લોકડાઉન શરૂ થતાં આ નિર્ણયને ગ્રાહ્ય રાખી બસોની સુવિધા બંધ કરવામાં આવી હતી. હાલમાં લોકડાઉન - ૪ ચાલી રહ્યું છે.
તે અગાઉ રાજ્ય સરકાર દ્વારા નીતિ નિયમોને આધિન વિવિધ વિસ્તારોમાં છૂટ છાટ આપવામાં આવી છે જેમાં બસોની અવર જવરને પણ મંજુરી અપાઇ છે. ત્યારે ગાંધીનગર એસટી ડેપો દ્વારા આમ તો અમદાવાદ ગાંધીનગર વચ્ચેનુ સંચાલન કરવામાં આવી રહ્યું છે પરંતુ રેડ ઝોનના કારણે અમદાવાદમાં બસોને પ્રવેશ અપાતો નથી ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ, માણસા અને દહેગામ ડેપો દ્વારા આંતરિક બસો અવર જવર શરૂ કરવામાં આવી છે. સવારે ૮ થી સાંજે ૬ કલાક સુધી બસોનું સંચાલન કરવામાં આવશે.
ગાંધીનગર ડેપોથી દહેગામ, કલોલ અને માણસા રૂટની બસો આ સમય દરમિયાન અવર જવર કરશે તો મુસાફરોનું હેલ્થ સ્ક્રિનીંગ કરાયા બાદ પ્રવેશ આપવામાં આવશે. માસ્ક અને સોશ્યલ ડીસ્ટસીંગ જાળવીને સીટ ફાળવવામાં આવશે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ૫૮ દિવસથી બંધ પડેલી એસટીની સુવિધા પુનઃ શરૂ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં તબક્કાવાર પરિસ્થિતિને ધ્યાને રાખી બસોનું અન્ય રૂટો ઉપર પણ સંચાલન કરવામાં આવશે.