ગાંધીનગરના ખેતરોમાં તીડના ઝુંડ જોવા મળતાં તંત્ર એલર્ટ
ગાંધીનગર,તા. 22 મે 2020, શુક્રવાર
ગાંધીનગર તાલુકાના પાલજ અને શિવપુરકંપા ગામમાં તીડના ઝુંડ જોવા મળતાં તંત્ર સતર્ક થઇ ગયું છે. આ અંગે ગાંધીનગર જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.પી.જાદવે જણાવ્યું હતું કે, ગાંધીનગર તાલુકાના કેટલાક ગામોના ખેતરમાં તીડના ઝુંડ જોવા મળ્યા છે. ખેતીવાડીને વ્યાપક નુકશાન પહોંચાડતાં આ રણતીડ ગાંધીનગર, કલોલ અને માણસાના મહેસાણા સરહદના ગામોમાં ત્રાટકવાની શક્યતા સેવાઇ રહી છે.
જેને લઇને આ વિસ્તારના ખેડૂતોને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં ખેતરમાં રણતીડ જોવા મળે તો તીડ ક્યાંથી એટલે કે કઇ દિશામાંથી આવ્યા, કેટલા વિસ્તારમાં તીડ બેઠા, ક્યાં ગામ અને કઇ સીમમાં તીડ બેઠા તેની માહિતી મેળવી તુરંત જ ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત ખાતે આપવા સુચન કરવામાં આવ્યું છે. તીડ માટે તાત્કાલિક કંટ્રોલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ૦૭૯-૨૩૨૨૨૭૭૯ નંબર ઉપર ખેડૂતો તીડ અંગે જાણકારી આપી શકશે કે મેળવી શકશે. તો સરહદી ગામના ખેડૂતોને જંતુનાશક દવાનો સ્ટોક પણ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે. તેમ પણ તેમને જણાવ્યું હતું.