વન અધિકાર અધિનિયમ-2006 અન્વયે સુપ્રિમ કોર્ટે નામંજૂર કરેલા દાવાઓ સામે રીવ્યુ પિટીશન કરાશે
- ઉચ્ચસ્તરીય સમિતિનું ગઠન કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સૂચન
ગાંધીનગર, તા. 25 ફેબ્રુઆરી 2019, સોમવાર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વન અધિકાર અધિનિયમ-ર૦૦૬ હેઠળ સર્વોચ્ચ અદાલતે નામંજૂર કરેલા દાવાઓનો અભ્યાસ કરી રીવ્યૂ પિટીશન દાખલ કરવાનો રાજ્યના વનબંધુઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ આ હેતુસર એક ઉચ્ચસ્તરીય સમિતિનું ગઠન કરવા પણ સૂચવ્યું છે. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, અંતરિયાળ વિસ્તારમાં વસતા વનબંધુઓ કાયદાકીય પ્રક્રીયાથી અજાણ હોય તેમજ આ કારણોથી પોતાને મળવાપાત્ર અધિકારોથી વંચિત રહી ગયા હોય તેવા સંજોગોમાં રાજ્ય સરકારે આ છેવાડાના વનબંધુ પરિવારો પ્રત્યે સંપૂર્ણ સંવેદના દાખવી છે.
મુખ્યમંત્રીએ વન અધિકાર અધિનિયમ-ર૦૦૬ હેઠળ એક પણ સાચો લાભાર્થી વનબંધુ તેના અધિકારથી વંચિત ન રહે તેવા વનબંધુ કલ્યાણલક્ષી અભિગમથી આ નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ અધિનિયમ અન્વયે કુલ ૮૪૪૫૦ દાવાઓ મંજુર થઇ ગયા છે.