For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજ્ય સરકારનું નવ લાખ કર્મચારીઓ સાથે સમાધાન : આંદોલન મોકૂફ

Updated: Sep 17th, 2022


- મેડિકલ ભથ્થુ 300ને બદલે 1000 : 7મા પગારપંચના હપ્તા તત્કાળ ચૂકવાશે

- 1 લી એપ્રિલ 2005 પહેલાં ભરતી થયેલાં કર્મચારીઓને GPF અને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે

ગાંધીનગર : ગુજરાતના નવ લાખ કર્મચારીઓને લાભ થાય તેવા નિર્ણયો સરકારે જાહેર કર્યા છે. લાંબા સમયથી ચાલતા આંદોલનમાં સરકારે ઝૂકીને કર્મચારી મંડળોની વિવિધ માગણીઓ સ્વિકારી છે. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે કેન્દ્રના ધોરણે ૧લી એપ્રિલ ૨૦૦૫ પહેલાં ભરતી થયેલા રાજ્યના  કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવાશે. સીપીએફમાં ૧૦ ટકાના સ્થાને ૧૪ ટકા રહેશે. સાતમા પગાર પંચના બાકી હપ્તા તત્કાલ અસરથી ચૂકવાશે.

રાજ્ય સરકારના પાંચ મંત્રીઓ અને કર્મચારીઓના વિવિધ મંડળો વચ્ચે થયેલી બેઠકોના અંતે સરકારે કેટલાક નિર્ણય લીધા છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે સરકારે કર્મચારીઓની માગણીઓ સંતોષતાં આંદોલનાત્મક કાર્યક્રમો મોકુફ રાખવાનો મંડળોએ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી રહેલા તમામ ભથ્થાઓ તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવશે.

પ્રવક્તા મંત્રીએ કહ્યું કે કેન્દ્રના ધોરણે ૧લી એપ્રિલ ૨૦૦૫ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે. ઉપરાંત સી.પી.એફમાં ૧૦ ટકાને બદલે ૧૪ ટકા સરકાર દ્વારા ઉમેરવામાં આવશે. એટલું જ નહીં, વર્ષ ૨૦૦૯ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કેન્દ્રના ધોરણે કુટુંબ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. રહેમરાહે નિમણૂક પામેલા તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવામાં આવશે. શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ ૧૦, ૨૦, ૩૦નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા ઠરાવ કરવામાં આવશે.

સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે કર્મચારીઓને ૩૦૦ ને બદલે ૧૦૦૦ મેડિકલ ભથ્થુ આપવામાં આવશે. જે સરકારી ક્રમચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ઉચ્ચક નાણાકીય સહાય ૮ લાખ અપાતી હતી તે વધારીને ૧૪ લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સરકારી કર્મચારીઓને બઢતી માટે આવશ્યક એવી પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં પણ વિશેષ રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં મુક્તિ માટે ૫૦ ટકા પરિણામે કર્મચારીને પાસ ગણવામાં આવશે તેમજ આ પરીક્ષામાં અંગ્રેજીનું પ્રશ્નપત્ર પણ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કર્મચારીઓને નિવૃત્તિ સમયે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દર અને મુદતમાં ઘટાડા સાથે ૧૫ વર્ષના ૧૮૦ હપ્તાને બદલે ૧૩ વર્ષના ૧૫૬ હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પરિણામે પ્રત્યેક કર્મચારીઓને નિવૃત્તિ સમયે અંદાજિત ૬ લાખ જેટલો સંભવત: ફાયદો થશે. સીસીસી પરીક્ષાની મુદ્દત ડિસેમ્બર-૨૦૨૪ સુધી લંબાવવામાં આવશે. આ ઉપરાંત જૂથ વીમા કપાતની રકમના સ્લેબમાં વધારો કરવા ઉપરાંત તે પ્રમાણે વીમા કવચ પણ વધારવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

મહિલા કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે જે અંતર્ગત મહિલા કર્ર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ ૧૮૦ દિવસ એટલે કે છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે.

વર્ષ ૨૦૦૬ પછીની ફિક્સ પગારની નીતિથી ભરતી થયેલા તમામ કર્મચારીને પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી ૧૮મી જાન્યુઆરી ૨૦૧૭ના ઠરાવ મુજબ સળંગ ગણવા અંગેનો લાભ આપવામાં આવે છે. પરંતુ વર્ષ ૨૦૦૬ પહેલાના ફિક્સ પગારની નિતીમાં જેટલી કેડરનો સમાવેશ કરવામાં આવેલ છે તે તમામ કેડરને પ્રાથમિક શિક્ષકોની જેમ બાકી રહેલા તમામ સરકારી કર્મારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એડ શિક્ષકોને ૧લી એપ્રિલ ૨૦૧૯ની અસરથી સેવાઓ સળંગ ગણવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે આપવામાં આવશે. ૨૭મી એપ્રિલ ૨૦૧૧ પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિ સાથે પુરા પગારમાં સમાવવામાં આવશે. સરકારના આ નિર્ણયો બાદ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુક્ત મોરચાના તમામ હોદ્દેદારોએ સરકારનો આભાર માની તેમના આંદોલનના આગામી કાર્યક્રમો મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે.

AAPની જાહેરાતથી ગભરાયેલી સરકારે સમાધાન કર્યું 

ગુજરાત સરકારના કર્મચારીઓની માગણીને ટેકો આપીને આમઆદમી પાર્ટીએ આગામી ચૂંટણીમાં જીતી જવાનો દાવો મૂક્યો તે પછી ગભરાઈ ગયેલી સરકારે કર્મચારીઓ સાથે સમાધાન કરીને તેમની તમામ માગણીઓ સ્વીકારી લેવાનો નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે હજી સરકારે કર્મચારીઓની માગણી સ્વીકારીને નિર્ણય લેવાની ખાતરી આપી છે. પરંતુ નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેને પાક્કો નિશ્ચય ન ગણી શકાય તેવી પણ કેટલાક કર્મચારીઓની લાગણી છે. 

આમ આદમી પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે સરકારી કર્મચારીઓના પેન્શનની માગણીઓને અમે સમર્થન આપ્યું તે પછી સરકાર ઝૂકી રહી છે. હવે અમે સરકારમાંના કોન્ટ્રાક્ટ વર્કર, આઉટ સોર્સિંગથી લેવામાં આવેલા શ્રમિકો, મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓ, આશા વર્કરોના મુદ્દે પણ લડત છેડવાના છીએ. વર્ષોથી જેમને અન્યાય થઈ રહ્યો છે તેમને અમે સમર્થન આપીને આગળ વધવા મક્કમ છીએ. હોમગાર્ડ, લોકરક્ષક દળન સમસ્યાઓને મુદ્દે પણ લડત છેડીશું. નગરપાલિકાઓમાં થતી નિમણૂકોમાં વાલ્મિકી સમાજને થઈ રહેલા અન્યાયનો મુદ્દો પણ અમારા એજન્ડામાં છે.

સરકારે કર્મચારીઓને આપેલા લાભ....

1.સાતમા પગાર પંચના બાકી ભથ્થાં તત્કાલ ચૂકવાશે.

2.કેન્દ્રના ધોરણે જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવેશ.

3.૧૦, ૨૦, ૩૦નું ઉચ્ચતર પગાર ધોરણ અપાશે.

4.મેડીકલ ભથ્થું હવે ૧૦૦૦ રૃપિયા.

5.મહિલા કર્મચારીને છ મહિનાની પ્રસૂતિ રજા.

6.ચાલુ ફરજે અવસાન સહાય ૧૪ લાખ રૃપિયા.

7.સીપીએફમાં ૧૦ ટકાના સ્થાને ૧૪ ટકા.

8.ખાતાકીય પરીક્ષામાં મુક્તિ માટે ૫૦ ટકા પરિણામે કર્મચારી પાસ.

9.પરીક્ષામાં અંગ્રેજીનું પેપર રદ કરાશે.

10.કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દર અને મુદતમાં ઘટાડા સાથે ૧૩ વર્ષના ૧૫૬ હપ્તા.

11.સીસીસી પરીક્ષાની મુદ્દત ડિસેમ્બર ૨૦૨૪.

12.જૂથ વિમા કપાતના સ્લેબમાં વધારો.

13.મહાનગર અને પાલિકાના શિક્ષકોને ૪૨૦૦નો ગ્રેડ-પે.

14.એપ્રિલ-૨૦૧૯ની અસરથી ગ્રાન્ટ ઇન એઇડ શિક્ષકોની સેવા સળંગ.

Gujarat