કોવિડ ઓપીડીના ડોક્ટર સહિત ગાંધીનગરમાં છ પોઝિટિવ કેસ
ગાંધીનગર, તા. 27 મે 2020,બુધવાર
ગાંધીનગર શહેર અને જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિવસે અને દિવસે વધી રહી છે. કોરોનાના વાયરસ સામે આરોગ્યની સેવાઓ પુરી પાડતાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ એટલે કે કોવિડ ઓપીડીના ડોક્ટર કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત સાદરા ગામમાંથી ત્રણ દિવસમાં પાંચમો કેસ મળી આવ્યો છે. તો રૂપાલની ફિમેલ હેલ્થવર્કર તેના પતિથી સંક્રમિત થઇ છે. આ ઉપરાંત રાંધેજા અને રૂપાલમાંથી એક-એક પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. જે સાથે ગાંધીનગરમાં બુધવારે નવા છ પોઝિટિવ દર્દીઓ વધતાં કોરોનાના કેસ ૨૩૮ સુધી પહોંચી ગયા છે. જે પૈકી ૧૩ દર્દીઓના મોત પણ નિપજ્યાં છે.
એક જ પરિવારના ચાર સભ્યો બાદ સાદરામાંથી વધુ એક યુવાન સંક્રમિત
આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, લોકડાઉન -૧ અમલમાં આવ્યું તે પહેલાં તા.૧૯મી માર્ચે એક પ્રસંગ માટે કપડવંજથી ૪૦ વર્ષિય ડેન્ટીસ્ટ પોતાના વતન સાદરામાં આવ્યા હતા. ત્યારબાદ લોકડાઉન નહીં ખુલતાં તેઓ અહીં રોકાઇ ગયા હતા. ત્યારે તાવ સહિતની તકલીફ થતાં ડેન્ટીસ્ટે ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રવિવારે ખસેડયા હતાં. ત્યારે ગઇકાલે આ ડેન્ટીસ્ટના ૬૫ વર્ષિય પિતા, ૬૩ વર્ષિય માતા તથા ૪૩ વર્ષિય ભાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તો આ પરિવાર લુહારી કામના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ત્યારે તેમની ફેક્ટરીમાં કામ કરવા આવતો સાદરાનો જ ૩૫ વર્ષિય યુવાનનો રીપોર્ટ પણ આજે પોઝિટિવ આવ્યો છે. આમ એક જ ગામમાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે.
સેક્ટર-20માં રહેતાં કોવિડ ઓપીડીના ડોક્ટર ચેપગ્રસ્ત
ગાંધીનગર સિવિલની ૬૦૦ બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે ત્યારે અહીં ગ્રાઉન્ડ ફલોર ઉપર કોવિડ ઓપીડી પણ શરૂ કરવામાં આવી છે. જેમાં શંકાસ્પદ દર્દીઓને મેડિકલ ઓફિસર દ્વારા તપાસવામાં આવ્યા બાદ તેના જરૂરી નિદાન કરાવવામાં આવે છે. આ કોવિડ ઓપીડીમાં ફરજ બજાવતો યુવાન ડોક્ટર સંક્રમિત થયો છે. ૨૪ વર્ષિય અને શહેરના સેક્ટર-૨૦માં રહેતા આ ડોક્ટરને લક્ષણો જણાતાં બે દિવસ ટેસ્ટ કર્યા હતા. જે બંને પોઝિટિવ આવ્યા હતાં. ડોક્ટરની સારવાર ગાંધીનગર સિવિલમાં કરવામાં આવી રહી છે. આ કોરોના વોરિયર્સ ડોક્ટરના ઘરના ત્રણ સભ્યોને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
કલોલમાં યુવક અને 43 વર્ષનો પુરુષ કોરોનાગ્રસ્ત
કલોલમાંથી વધુે બે કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. મહેન્દ્ર મીલની ચાલીમાં રહેતો ૨૬ વર્ષીય યુવક કલોલની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. ત્યારે આ જ હોસ્પિટલમાં અમદાવાદના બે કર્મચારીઓ પણ નોકરી કરે છે. જેથી અમદાવાદના સહ કર્મચારીથી કલોલનો યુવક સંક્રમિત થયો હોવાનું અનુમાન છે. યુવકના પરિવારના ચાર સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમજ આસપાસમાં પણ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. બીજો એક કેસ કલોલ પૂર્વમાં આવેલી અનાજ માર્કેટ પાસે આવેલા રબારી વાસમાંથી મળી આવ્યો છે. ૪૩ વર્ષિય પુરુષ અમદાવાદના બાપુનગર ખાતે ગયો હતો અને ત્યારબાદ તેને શરીરે તકલીફ અને લક્ષણો જણાતા તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે આજે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેના પરિવારના સાત સભ્યોને ફેસેલીટી કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમજ રબારી વાસ સહિત આસપાસના વિસ્તારોને સેનેટાઇઝ પણ કરવામાં આવ્યા છે. યુવાન કોના કોના સંપર્કમાં આવ્યો હતો તેની ચકાસણી પણ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
બાવળાની ફાર્મા કંપનીના રૂપાલમાં રહેતા યુવાન બાદ તેની પત્નિ ચેપી
બાવળા ખાતેની ફાર્મ કંપનીમાં ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામનો ૨૬ વર્ષિય યુવાન નોકરી કરતો હતો. તાવ, શરદી, કફ સહિતની તકલીફ હોવાના કારણે આ યુવાનનો ટેસ્ટ કરાતાં તે રવિવારે પોઝિટિવ આવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે તેની પત્નિને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. તે દરમિયાન રૂપાલ આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ વર્કર એટલે કે આ પોઝિટિવ યુવાનના પત્નિને બે દિવસથી તાવ, ગળામાં બળતરા, શરદી સહિતની તકલીફ થઇ હતી. જેમનો ગઇકાલે કોરોના ટેસ્ટ કરાતાં તે આજે પોઝિટિવ આવ્યો છે. તેણીને ગાંધીનગર સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે.
કેન્સરગ્રસ્ત રાંધેજાના વૃધ્ધ કોરોના પોઝિટિવ આવ્યા
કોરોનાના અંતિ ચેપી વારયસ વૃદ્ધો, અશક્તો , બાળકો તેમજ ગર્ભવતી મહિલાઓને ઝડપથી ચેપગ્રસ્ત કરી દે છે. જેથી આ બિમાર અને અશક્ત વ્યક્તિઓએ ખાસ પોતાની કાળજી લેવી તેવું તંત્ર દ્વારા વારંવાર કહેવામાં આવે છે ત્યારે કેન્સરની સારવાર માટે ગાંધીનગર નજીકની એપોલો હોસ્પિટલમાં જતાં રાંધેજાના ૫૯ વર્ષિય વૃદ્ધ કોરોનામાં સપડાયા હોવાનુ આરોગ્ય વિભાગમાંથી જાણવા મળી રહ્યું છે. કેન્સરની સારવાર માટે એપોલોમાં આ વૃદ્ધ ગયા હતા. ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. તેમને ત્યાં જ સારવાર આપવામાં આવી રહી છે.