સિવિલના ડોક્ટર સહિત ગાંધીનગરમાં કોરોનાના છ દર્દીઓ
ગાંધીનગર, તા.16 મે 2020, શનિવાર
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૫૦ને પાર થઇ ગઇ છે. ત્યારે આજથી એટલે કે શનિવારથી ગાંધીનગરમાં પણ લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે અને શાકભાજી અને કરીયાણાની દુકાનો શરૃ કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ દર્દીઓની સંખ્યા ઓછી થવાનું નામ જ નથી લેતી. ગાંધીનગર શહેર અને જિલ્લામાં શનિવાર સાંજ સુધી વધુ છ દર્દીઓ સરકારી ચોપડે ચઢ્યાં હતાં.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના એનેસ્થેસીયા ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતો યુવાન ડોક્ટર કોરોનાગ્રસ્ત થયો છે ત્યારે લોકડાઉનની સ્થિતિમાં તૈનાત એસઆરપી જવાન પણ કોરોનામાં સપાડાયો છે. આ ઉપરાંત સેક્ટર-૨૧માં રહેતી મહિલા ફોરેસ્ટગાર્ડનો ત્રણ વર્ષિય પુત્ર અને યુવાન પતિ સંક્રમિત થયાં છે. જ્યારે કલોલ પુર્વ વિસ્તારમાંથી અને દહેગામના ઝીંડવામાંથી એક -એક કેસ સામે આવી રહ્યાં છે.
સે-21ની ફોરેસ્ટગાર્ડનો ત્રણ વર્ષનો પુત્ર અને પતિ સંક્રમિત
ગાંધીનગર વન વિભાગના ૫૦ જેટલા કર્મીઓ દ્વારા લોકડાઉનનું પાલન કરવા પોલીસની મદદે રોડ ઉપર તૈનાત ઉભા છે. આવી સ્થિતિમાં પોલીસની ટીમ સાથે વન વિભાગની ૩૦ વર્ષિય ગાર્ડ ચ-૭ના સર્કલે છેલ્લા ઘણા વખતથી ફરજ બજાવતી હતી. અહીં આવતાં જતાં વાહનચાલકોને પુછપરછ કરીને લોકડાઉનનું પાલન આ મહિલા ફોરેસ્ટ ગાર્ડ કરાવતી હતી. તે દરમિયાન છેલ્લા ઘણા દિવસથી તેને તાવ, શરદી - ખાંસી સહિતની તકલીફ થઇ હતી.
જેને લઇને તેણીએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જે બે દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો ત્યારે સેક્ટર-૨૧માં રહેતી આ ફોરેસ્ટગાર્ડના ઘરના અને પાડોશીના પાંચ સભ્યો ઉપરાંત ચ-૭ સર્કલ ઉપર ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓને પણ હોમકવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા જે પૈકી આજે આ મહિલા ફોરેસ્ટ ગાર્ડનો ત્રણ વર્ષનો બાળક તથા તેના ૩૪ વર્ષિય પતિ પોઝિટિવ આવ્યા છે. આ બન્ને પોઝિટિવ દર્દીને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
ગાંધીનગર સિવિલનો વધુ એક વોરિયર્સ કોરોનાગ્રસ્ત
કોરોનાના કપરાકાળમાં આરોગ્યની સેવાઓ કથળે નહીં તે માટે સરકારી તબીબો કોરોના વોરિયર્સની જેમ ખડે પગે ઉભા રહ્યાં છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ફિઝિશીયન અગાઉ સંક્રમિત થયા હતા. ત્યારે સિવિલના એનેસ્થેસીયા ડિપોર્ટના વધુ એક ડોક્ટર કોરોનામાં સપડાયાં છે.
આ અંગે મળતી માહિતી મુજબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એનેસ્થેસીયાના યુવાન તબીબે અગાઉ સેવા આપી હતી અને છેલ્લા ઘણા દિવસોથી તેઓ રજા ઉપર હતાં. અમદાવાદ રહેતા આ તબીબને તાવ, શરદી સહિતની તકલીફ થવાના પગલે તેમને ગઇકાલે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. જેને લઇને અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતાં આ ડોક્ટર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે આવી ગયા હતા. ઉલ્લેકનીય છે કે તેમને અહીં ગાંધીનગર સિવિલમાં ડયુટી હતી તે દરમિયાન તેઓ સિવિલ કેમ્પસમાં રહેતાં હતાં.
સે-27 એસઆરપીનો 40 વર્ષીય રસોઈયો કોરોનામાં પટકાયો
કોરોના વાયરસનો જીવલેણ ચેપ ઝડપથી સંક્રમિત ન થાય તે માટે સરકારે આપેલા લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસ જવાનો અસહ્ય ગરમીમાં પણ અડીખમ ઉભા છે. પોલીસની મદદે એસઆરપી જવાનને પણ કામગીરી સોંપવામાં આવી છે ત્યારે ગોધરા બટાલીયનમાં કુક તરીકે ફરજ બજાવતો જવાન પણ અહીં લોકડાઉનની અમલવારીની ડયુટીમાં ગાંધીનગર આવ્યો હતો.
આ ૪૦ વર્ષિય જવાન સે-૨૭ના એસઆરપી ક્વાટર્સમાં રહેતો હતો તે દરમિયાન છેલ્લા ઘણા દિવસોથી તેને તાવ, શરદી અને કફની તકલીફ થઇ હતી જેને પગલે કોર્પોરેશન દ્વારા તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું જે આજે પોઝિટિવ આવ્યું છે. આ કોરોના વોરિયર્સને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છેે.
કલોલપૂર્વમાં મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
કલોલના પૂર્વ વિસ્તારમાં આજે વધુ એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં કલ્યાણબેન્કની સામે આવેલા પ્લોટ વિસ્તારમાં રહેતી ૪૨ વર્ષની મહિલા અમદાવાદના ચાંગોદર ખાતે નોકરી કરતી હતી. ત્યારે તેને તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
ત્યારબાદ તેના સેમ્પલ લઇ રિપોર્ટ કરાવવામાં આવતા તેણીનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. જેથી મહિલાને સારવાર માટે ખસેડીને પૂર્વમાં પ્લોટ વિસ્તાર અને આસપાસમાં સેનેટાઇજની કામગીરી કરવામાં આવી હતી તથા કોરોના પોઝિટિવ મહિલાના પરિવારના ત્રણ સભ્યોને ભાડજ ખાતે આવેલી ડેન્ટલ કોલેજમાં કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
ધોળકા કેડિલામાં નોકરી કરતો જીંડવાનો યુવક કોરોનાગ્રસ્ત
કેડિલામાં નોકરી કરતાં કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવવાનો સીલસીલો હજુ ચાલુ છે અગાઉ વાવોલ અને કુડાસણના યુવાન બાદ આજે દહેગામના જીંડવામાં રહેતો અને ધોળકા કેડીલામાં નોકરી કરતો વધુ એક યુવાન કોરોનામાં સપડાયો છે. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે દહેગામના જીંડવા ગામમાં રપ વર્ષિય યુવાન રહે છે જે ધોળકાની કેડિલામાં નોકરી કરે છે. આ યુવાનને સામાન્ય તાવ સહિતની તકલીફ છેલ્લા ઘણા દિવસથી રહેતી હતી. આ ઉપરાંત કેડિલામાં અન્ય કર્મચારીઓ પોઝિટિવ આવતાં આ યુવાને પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો. જે આ આજે પોઝિટિવ આવ્યો છે. તેના ઘરના ત્રણ સભ્યોને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.