Get The App

સે-24ના કન્ટેન્મેન્ટ ઝોનમાં દુકાનો ખોલી લોકોની બિન્દાસ્ત અવરજવર

- ગાંધીનગરમાંથી કોરોના ગાયબ થઈ ગયો હોય તેવા દ્રશ્યો

- કન્ટેન્મેન્ટ ઝોનમાં પ્રતિબંધ યથાવત તેમજ આવનજાવન કરતાં નાગરિકોનું રજીસ્ટર મેઈન્ટેઈન કરવાનું પણ ભુલાયું

Updated: Jun 3rd, 2020

GS TEAM

Google News
Google News
સે-24ના કન્ટેન્મેન્ટ ઝોનમાં દુકાનો ખોલી લોકોની બિન્દાસ્ત અવરજવર 1 - image


ગાંધીનગર, તા. 02 જૂન 2020,મંગળવાર

ગાંધીનગરમાં હજુ કોરોના વાઈરસનું સંકટ ટળ્યું નથી. સરકારે વેપાર ધંધા રાબેતા મુજબ ચાલુ થાય તે માટે અનલોક જાહેર કર્યું છે પરંતુ કન્ટેન્મેન્ટ ઝોનમાં પ્રતિબંધ યથાવત રાખ્યા છે ત્યારે સે-ર૪ શ્રીનગર કન્ટેન્મેન્ટ ઝોનમાં દુકાનો ખુલી જતાં લોકો બિન્દાસ્ત રીતે અવરજવર કરતાં સ્થાનિકોમાં રોષ ભભુકયો છે. ત્યારે કન્ટેન્મેન્ટ ઝોનમાં નિયમોનું કડકપણે પાલન થશે તો જ કોરોના સંક્રમણ હટાવી શકાશે નહીંતર વધુ ખરાબ સ્થિતિનું નિર્માણ થશે તે નક્કી છે.     

કેન્દ્ર સરકારે ચાર લોકડાઉન પૂર્ણ કરીને હવે અનલોક-૧ શરૂ કર્યું છે. જો કે કોરોના વાઈરસના આ સંક્રમણને અટકાવવા માટે કન્ટેન્મેન્ટ ઝોનમાં કોઈ છુટછાટ આપવામાં આવી નથી. ગઈકાલે કલેકટરે પણ જાહેરનામું પ્રસિધ્ધ કરીને કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતાં કર્મચારીઓને ઓફીસ નહીં જવા અને આ વિસ્તારમાં રહેતા દુકાનદારોને પોતાના વેપારધંધા નહીં શરૂ કરવા તાકીદ કરી હતી. 

જો કે પાટનગર ગાંધીનગરમાં જ આ આદેશનું ઉલ્લંઘન થતાં સ્થાનિકોમાં રોષ ભભુકયો છે. ગાંધીનગરમાં અલગ અલગ સેકટરોમાં હાલ ૩૪થી વધુ કન્ટેન્મેન્ટ ઝોન છે ત્યારે અનલોક-૧ને કારણે લોકો બિન્દાસ્તપણે સોશ્યલ ડીસ્ટેન્સીંગનું પાલન કર્યા વગર ફરી રહયા છે ત્યારે સે-ર૪માં આવેલા શ્રીનગરમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં તંત્ર દ્વારા બેરીકેટીંગ કરાયું હોવા છતાં અહીં કન્ટેન્મેન્ટ ઝોનમાં દુકાનો ખુલી ગઈ હતી અને લોકો કોઈપણ જાતના અવરોધ વગર બેરોકટોકપણે અવરજવર કરી રહયા છે.

જેના પગલે આ મામલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે તંત્રએ પણ કન્ટેન્મેન્ટ ઝોનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે જોવું પડશે નહીંતર આગામી દીવસમાં શહેરમાં કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવામાં સફળતા નહીં મળે. નોંધવું રહેશે કે હાલની સ્થિતિએ ગાંધીનગરમાં ૧૦૪ કરતાં વધુ કોરોનાના દર્દીઓ પોઝિટિવ નોંધાઈ ચુકયા છે.

Tags :