સર્વ શિક્ષા અભિયાનનો હવાલો આઈએએસ અવંતિકા સિંહને અપાયો
- શિક્ષણ સચિવ વિનોદ રાવ સાથે મતભેદોને કારણે તાજેતરમાં જ પી ભારતીની બદલી કરાઇ હતી
ગાંધીનગર, તા. 2 માર્ચ 2019 શનિવાર
ગુજરાત શિક્ષણ વિભાગ હેઠળ આવતા સર્વ શિક્ષા અભિયાનના વડા એટલે કે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે આઇ.એ.એસ અધિકારી અવંતિકા સિંહની નિમણૂક કરાઇ છે. તાજેતરમાં જ સર્વ શિક્ષા અભિયાનના એસપીડી આઇ.એ.એસ પી ભારતીની બદલી કરાઇ હતી. તેઓને ગુજરાત ચૂંટણી પંચમાં મૂક્યા છે.
સચિવાલયના સૂત્રો કહે છે કે શિક્ષણ સચિવ વિનોદ રાવ સાથે પી ભારતીને બનતું નહોતું. બંને વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો વિવિધ કામો આપવાના મુદ્દે તેમજ ટેન્ડર પ્રક્રિયામાં પણ બંને વચ્ચે વિવાદ ઊભો થયો હતો. જેને કારણે આખરે કંટાળીને પી ભારતીએ જ સરકાર સમક્ષ પોતાની બદલી અન્ય જગ્યાએ કરવાની માગણી કરી હતી.
આખરે તેઓને સર્વ શિક્ષા અભિયાનમાંથી ખસેડી દેવાયા હતા. દરમિયાન ગત મોડી રાત્રે સરકારે ટેકનીકલ એજ્યુકેશનના કમિશનર અવંતિકા સિંઘને સર્વ શિક્ષા અભિયાનના એસ પી ડી તરીકેનો વધારાનો હવાલો અપાયો છે. હવે જ્યાં સુધી સરકાર બીજો આદેશ નહીં આપે ત્યાં સુધી અવંતિકા સિંહ સર્વ શિક્ષા અભિયાનમાં એસપીડી તરીકેની પોતાની ફરજ ચાલુ રાખશે.