પોલીસે એક જ દિવસમાં માસ્ક વગરના ચાર હજાર લોકો પાસેથી આઠ લાખ વસુલ્યા
- જિલ્લામાં માસ્ક વગરના લોકોને પકડવાની ઝુંબેશ વધુ સઘન
- જિલ્લામાં અત્યાર સુધી 25741 લોકો પાસેથી અડધા કરોડ ઉપરાંતનો દંડ વસુલી લેવામાં આવ્યો
ગાંધીનગર,તા.06 જુલાઈ 2020, સોમવાર
ગાંધીનગર જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે માસ્ક ફરજિયાત કરાયું છે ત્યારે વિવિધ તંત્રોની સાથે પોલીસ પણ માસ્ક નહીં પહેરેલા લોકો પાસેથી દંડ વસુલી રહી છે. ગઈકાલે રવિવારે એક જ દિવસમાં સમગ્ર જિલ્લામાં પોલીસે હાથ ધરેલી ઝુંબેશમાં માસ્ક વગરના ચાર હજાર લોકો ઝપટે ચઢી ગયા હતા જેમની પાસેથી આઠ લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. હજુ આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
અનલોકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેના કારણે બહાર ફરતાં લોકોની સંખ્યા વધી ગઈ છે.તેમાં ફરજિયાત માસ્કનું જાહેરનામું પ્રસિધ્ધ કરી માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડની વસુલાત કરવામાં આવી રહી છે. ગઈકાલે રવિવારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનાર લોકોને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને જિલ્લામાં અલગ અલગ સ્થળોએ નાકા પોઈન્ટ ગોઠવી માસ્ક વગરના લોકોને દંડવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં સવારથી સાંજ સુધી ચાલેલી આ કામગીરીમાં ચાર હજાર લોકો માસ્ક વગરના દંડાયા હતા.
જેમની પાસેથી આઠ લાખ ઉપરાંતનો દંડ વસુલવામાં આવ્યો છે. ત્યારે આજે જિલ્લામાં અલગ અલગ ટીમોએ વધુ ૧૪૬૪ લોકો પાસેથી માસ્ક નહીં પહેરવાનો દંડ વસુલ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી રપ૭૪૧ વ્યક્તિઓને માસ્ક વગર પોલીસ, કોર્પોરેશન અને જિલ્લા પંચાયત કચેરી દ્વારા દંડ આપવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે તેમ જિલ્લા કલેકટર દ્વારા જણાવાયું હતું. નોંધવું રહેશે કે માસ્ક નહીં પહેરવા બદલ દંડની કામગીરીમાં નીતિ નિયમો નેવે મુકાઈ રહયા છે અને ખાણીપીણી બજાર કે પાનના ગલ્લે ઉભેલા વ્યક્તિઓ પાસેથી પણ દંડ વસુલવામાં આવી રહયો છે.