Get The App

હવે એલસીબી અને એસઓજીમાં પણ મહિલા પોલીસ ફરજ બજાવશે

- પોલીસ બેડામાં મહિલા જવાનોનોની વધતી સંખ્યાને પગલે

- - ટ્રાફિક અને કંટ્રોલરૂમમાં પણ જિલ્લા પોલીસ વડા દ્વારા મહિલા અધિકારી અને કર્મચારીની નિમણૂંક કરાઇ

Updated: May 16th, 2019

GS TEAM

Google News
Google News
હવે એલસીબી અને એસઓજીમાં પણ મહિલા પોલીસ ફરજ બજાવશે 1 - image

ગાંધીનગર, તા. 15 મે 2019, બુધવાર

પોલીસ બેડામાં હાલ મહિલા પોલીસ કર્મચારીઓની મોટી સંખ્યામાં ભરતી થઇ રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી,એસઓજી અને ટ્રાફિક જેવી શાખામાં પણ હવે મહિલા કર્મચારીઓની નિમણૂક આપવાનું નક્કિ કરવામાં આવ્યું છે જેના થકી મહિલા પોલીસ અધિકારીઓ અને જવાનો જ્યાં ફક્ત પુરૂષ અધિકારીઓ ફરજ બજાવતા હતા તેવી શાખાઓમાં દેખાશે અને ગંભીર ગુનાઓની તપાસ પણ કરશે. 

રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે પોલીસ અધિકારી અને જવાનોની ભરતી કરવામાં આવી રહી છે જેમાં ૩૦ ટકા જેટલું મહેકમ મહિલા પોલીસ અધિકારી અને કર્મચારી માટે રાખવામાં આવે છે. ભરતી પ્રક્રિયા બાદ જે તે જિલ્લામાં તેની નિમણૂક પણ કરી દેવામાં આવતી હોય છે ગાંધીનગર જિલ્લામાં પણ મહિલા પોલીસ જવાનો અને અધિકારીઓની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. અત્યાર સુધી તેમને મહિલા પોલીસ સ્ટેશન કે સ્થાનિક પોલીસ સ્ટેશન સહિત બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવતી હતી.

પરંતુ મહિલા પોલીસ અધિકારી અને જવાનો પોલીસ ખાતાની અન્ય બ્રાન્ચમાં પણ રહીને તપાસ કરી શકે તે હેતુંથી જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ એલસીબી, એસઓજી અને ટ્રાફિક શાખામાં મહિલા જવાનોની નિમણૂક કરવાનું નક્કિ કર્યું છે હાલ એલસીબીમાં એક મહિલા પીએસઆઇ અને પાંચ મહિલા જવાનો ફરજ બજાવી રહી છે ત્યારે ટ્રાફિક શાખામાં પણ મહિલા પોલીસ જવાનોને નિમણૂક આપી દેવામાં આવી છે. જે મોટા જંક્શન ઉપર ટ્રાફિકનું નિયમન કરી રહી છે. 

ત્યારે એસઓજીમાં મહિલા જવાનો માટે આગામી સમયમાં નિમણૂક કરવામાં આવશે. હાલ એલસીબીમાં ફરજ બજાવી રહેલી મહિલા જવાનોની વિવિધ અરજીઓ અને ગુનાઓની તપાસ પણ આપવામાં આવી રહી છે મહિલા જવાનો ફક્ત બંદોબસ્ત પુરતી જ સીમીત રહી ન જાય અને પોલીસ ખાતાની તમામ કામગીરીથી વાકેફ થાય તે હેતુંથી આ નિર્ણય લેવાયો છે. ગાંધીનગર જિલ્લા પોલીસ કંટ્રોલરૂમમાં પણ મહિલા અધિકારી અને જવાનોની નિમણૂક કરવામાં આવી છે.