લોકડાઉન ઇફેક્ટઃગાંધીનગર સિવિલની બ્લડ બેન્ક ખાલી!
- ગર્ભવતી મહિલાઓને લોહીની જરૂર ઉભી થતાં ડોક્ટર્સ અને સ્ટાફ રક્તદાતા બન્યાઃરોજ પાંચ કર્મીએ સ્વૈચ્છાએ બ્લડ આપવા સુચન
- ઇચ્છુક રક્તદાતાઓ માટે ગાંધીનગર સિવિલ ખાસ વ્યવસ્થા ગોઠવશે
ગાંધીનગર,તા. 15 મે 2020, શુક્રવાર
એક બાજુ ઉનાળો અને બીજી બાજુ કોરોનાના કારણે બે મહિનાથી બ્લોકડાઉનની સ્થિતિ ઉભી થઇ છે. આ લોકડાઉનના મેળાવડા ન થાય તે માટે સ્પષ્ટ સુચના હતી જેની લઇને છેલ્લા ઘણા વખતથી બ્લડ ડોનેશન કેમ્પ પણ બંધ છે જેની સીધી અસર સિવિલના બ્લડ બેન્ક ઉપર જોવા મળી રહી છે. આજે ત્રણ ગર્ભવતી મહિલાને લોહીની જરૂર હતી પરંતુ બેન્કમાં બ્લડનો સ્ટોક જ ન હતો અંતે સિવિલના અધિકારી ડોક્ટર્સ અને સ્ટાફ રક્તદાતા બન્યા હતાં.
હોસ્પિટલ દ્વારા સામાન્ય રીતે સમયાંતરે વારે તહેવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને રક્ત એકત્રીત કરવામાં આવતું હોય છે. જે જરૂરીયાત મંદોને આપવામાં આવે છે પરંતુ છેલ્લા બે મહિનાથી બ્લોક ડાઉનની સ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાઇ શક્યા નથી તો બીજી બાજુ કોવિડ ઉપરાંત અન્ય પેસન્ટને પણ લોહીની જરૂર વધુ ઉભી થઇ છે. એક બાજુ કેમ્પ નહીં કરવાના કારણે બ્લડનો સ્ટોક વધતો ન હતો તો બીજી બાજુ દર્દીને લોહી ચઢાવવાના કિસ્સા વધવાના કારણે ગાંધીનગર સિવિલની બ્લડ બેન્ક હાલની સ્થિતિમાં ખાલી થઇ ગઇ છે.
આવી સ્થિતિમાં આજે ગાયનેક વિભાગની ત્રણ સગર્ભા બહેનો ત્રણ, ચાર અને પાંચ ગ્રામ હિમોગ્લોબીન સાથે દાખલ થઇ હતી. એટલું જ નહીં આ સગર્ભાને નવ મહિના પણ થઇ ગયા છે તેવી સ્થિતિમાં ગમે ત્યારે તેમને લોહીની જરૂર પડે તેમ હતી પરંતુ ગાંધીનગર ઉપરાંત અન્ય બ્લડ બેન્કમાં પણ કોઇ સ્ટોક નથી જેથી છેલ્લા ઘણા મહિનાઓથી કોરોના વોરિયર્સ તરીકે કામ કરતાં સિવિલના અધિકારી ડોક્ટર્સ અને સ્ટાફ દ્વારા જ લોહી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર સિવિલના આસી. આર.એમ.ઓ. ડો.કલ્પેશ જસપરા, ડો.અલ્પેશ પરીખ, સાયક્યાટ્રીક વિભાગના વડા ડો.ચિંતન સોલંકી, સેનેટાઇઝ ઇન્સ્પેક્ટર પ્રકાશ પરમાર તાત્કાલિક બ્લડ ડોનર બની ગયા હતા અને લોહી આપ્યું હતું. એટલું જ નહીં સિવિલ સત્તાધિશોએ દરરોજ પાંચ સ્ટાફ મેમ્બર પોતાની મરજીથી બ્લડ બેન્કમાં લોહી જમા કરાવે તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ જે દાદાઓએ બ્લડ આપવું હોય તેમને કાઉન્સિલર અયુબ પટેલ ૯૮૭૯૨૨૬૫૯૩ નો સંપર્ક કરવા પણ સુચન કરવામાં આવ્યું છે. બ્લડ ડોનરને બ્લોકડાઉનમાં કોઇ તકલીફ ન પડે તે માટે ખાસ પાસ કાઢી આપવા ઉપરાંત જરૂર પડે તો લાવવા જઇ જવાની વ્યવસ્થા પણ સિવિલ દ્વારા કરવામાં આવશે.