Get The App

ગાંધીનગર : કૃષ્ણભક્તિના વરસાદમાં ભગવાન ભિંજાયા:રથને રેઇનકોટ પહેરાવવો પડયો

- જગતધણીની સાથે મેઘરાજાની નગરમાં પધરામણી

- નગરજનોને ભગવાન અને મેઘરાજાને વધાવવાનો એક સાથે લ્હાવો પણ મળ્યો

Updated: Jul 5th, 2019

GS TEAM

Google News
Google News
ગાંધીનગર : કૃષ્ણભક્તિના વરસાદમાં ભગવાન ભિંજાયા:રથને રેઇનકોટ પહેરાવવો પડયો 1 - image

ગાંધીનગર, તા. 4 જુલાઈ 2019, ગુરૂવાર


સામાન્યરીતે દરરોજ ભક્તો ભગવાનના દર્શન માટે મંદિરમાં જતા હોય છે ત્યારે અષાઢી બીજે ભગવાન રથમાં સવાર થઇને ભક્તોને દર્શન આપવા માટે સ્વયંમ્ નગરમાં વિહાર કરતા હોય છે. ત્યારે ગાંધીનગરની ૩૫મી રથયાત્રા પણ પરંપરાગતરીતે પંચદેવ મંદિરથી સમયસર નિકળી હતી. સવારથી જ રથયાત્રાને ભિંજવવાનું મેઘરાજાએ મુડ બનાવી દિધો હોય તેમ સમયાંતરે અમિ છાંટણાં થયા હતા તો બપોરે વિસામા બાદ તો ગાંધીનગરમાં સતત ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો એટલે બક્તિરસની સાથે વરસાદથી પણ ભગવાન ભિંજાયા હતા અને રથને રેઇનકોટ પહેરાવવાનો પણ વારો આવ્યો હતો. 

ગાંધીનગર રથયાત્રા છેલ્લા ઘણા વર્ષથી વરસાદ વગર કોરી રહી જતી હતી પરંતુ નગરજનોના ભક્તિરથી દર વર્ષે ભગવાન તરબતર થઇ જતા હોય છે. ત્યારે આજે રથયાત્રા નિકળે તે પહેલા મેઘરાજાએ ગાંધીનગરના માર્ગો ભિંજવીને રાખ્યા હતા. એટલું જ નહીં, આગાહી મુજબ આજે ભગવાનનો રથ સેક્ટર-રર પંચદેવ મંદિરથી નિકળ્યો ત્યારથી સમયાંતરે છુટા છવાયા અમિ છાંટણા પડતા હતા. નગરજનો માટે જગતધણીની પધરામણી સાથે મેઘરાજાની પણ પધરામણીને વધાવવાનો અવસર એક સાથે આવી ગયો હોય તેમ લાગતું હતું.  

પરંપરાગત રૂટ ઉપર ફરતી રથયાત્રા મોસાળા સુધી પહોંચી ત્યાં સુધી લગભગ દરેક સેક્ટરોમાં મેઘરાજાએ અમિ છાંટણાં કરીને ભગવાનનું સ્વાગત કર્યું હતું. પણ ભગવાન મોસાળામાં પહોંચ્યા અને રથ ખેંચતા પંચદેવ યુવક મંડળના યુવાનો અને ભક્તો વિસામો લઇ રહ્યા હતા તે વખતે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. અગાઉ ભગવાનના ભક્તોના ભક્તિરસથી તરબોળ થઇ ગયા હતા. ત્યારે મોસાળામાં પહોંચ્યા બાદ ઝરમર વરસાદથી ભિંજાયા હતા.

ઝરમર વરસાદમાં રથયાત્રા નિયત સમયે મોસાળાથી પુનઃ પ્રસ્થાન કર્યું હતું અને જુના સેકટરોમાં ફરતી વખતે પણ વરસાદી છાંટા - ઝાપટા વચ્ચે ભક્તિની હેલીમાં ભગવાન ફરી તરબોળ થઇ ગયા હતા. છેલ્લા ઘણા વર્ષોથી અષાઢી બીજે મેઘરાજાની ગેરહાજરીથી ભગવાન કોરા રહી જતા ત્યારે મેઘરાજાએ ભગવાનને કોરા રાખવાનું આ મેણું આ વખતે ભાંગ્યું છે.

ભગવાનની નગરચર્યા દરમિયાન મેઘરાજાની પધરામણી થતાં રથને પલળતો અટકાવવા માટે સમિતિ દ્વારા આ રથને પ્લાસ્ટીકથી ઢાંકી દેવામાં આવ્યો હતો. જો કે, ઝરમર વરસાદ વચ્ચે પણ ભગવાનની ઠાઠભરી નગરયાત્રા અવિરત ચાલુ રહી હતી. નગરજનોને માટે ભગવાન અને મેઘરાજાને વધાવવાનો એક સાથે લ્હાવો મળ્યો હતો.

Tags :