પવન સાથે વરસાદની શક્યતાને પગલે ખેડૂતોને સતર્ક રહેવા સૂચના
- તૈયાર થયેલો પાક ઉતારી લેવા, ખેત પેદાશ સલામત સ્થળે ખસેડવા તેમજ શાકભાજીને પિયત નહીં આપવા ખેતીવાડી તંત્રની ભલામણ
ગાંધીનગર,તા. 01 જૂન 2020,સોમવાર
તાજેતરમાં અરબી સમુદ્રમાં હળવું દબાણ ઉભું થયેલ હોઇ, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી એક - બે દિવસમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પવન ફૂંકાવાની શક્યતા છે અને ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતાઓ રહેલી છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ પાક સંરક્ષણ, જણસીને સલામત રાખવા અને સુરક્ષા જાળવવા સહિતની કાળજી રાખવી જરૂરી છે. આ અંગે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
ખેડૂતોએ પોતાનો ઉત્પાદિત થયેલો પાક એટલે કે ખેત પેદાશ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો, ઘાસચારો વિગેરે પણ ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવો અને તાડપત્રી હાથવગી રાખવી વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે ટેકાના ભાવે વેચાણ અર્થે લઇ જવાતી ખેત જણસીઓ ઢાંકીને લઇ જવી અને હવામાન ખાતાની આગાહી હોય તેવા સમયે ખેત જણસી વેચાણ શક્ય હોય તો ટોળવું એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા વેપારીઓને ભલામણ કરાઇ છે.
પશુઓ માટેના ઢાળિયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવનમાં ઊંડે નહીં તે જોવું. શક્ય હોય તો બાગાયતી પાકોમાં પણ કાળજી લેવી જેમ કે શાકભાજી વગેરે તૈયાર હોય તો તુરંત જ ઉતારી લેવું, નવા વાવેતર બાબતે જેવું કે બીટી કપાસનું વાવેતર વરસાદ કે પવનની આગાહીઓને ધ્યાને રાખી કરવું જેથી વાવેતર નિષ્ફળ ન જાય ઉભો પાક જેવો કે ઉનાળું બાજરી વગેરેમાં કાપણી થયેલ હોય તો તુરંત પગલા લઇ સુરક્ષિત જગ્યાએ રાખી લેવું. શાકભાજી વગેરેમાં પિયત ટાળવું.
ખેતી ઇનપુટ એટલે કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં પલડે નહીં તે મુજબ રાખવો. ખેતરમાં કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય. ઉભા પાકમાં હાલ તુરંત નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે કે યુરિયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવું વરસાદ કે પવનની આગાહી ધ્યાને લેતાં મોબાઇલ ફોન ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા માટે કે સલામતી માટે તમામ વ્યવસ્થા રાખવી.